Gujarati News

Gujarati News

News of Tuesday, 10th December 2019

હિસારની ભેંસનો વર્લ્ડ રેકોર્ડઃ ૧ દિવસમાં આપ્યું ૩૨ લિટર દુધઃ પ૧ લાખની છે ભેંસ

પાકિસ્તાનના ફેંસલાવાદની મુર્રા ભેંસને પાછળ રાખી દીધી

લુધિયાના, તા.૧૦: હરિયાણાના હિસારની મુર્રા નસલની ભેંસે દૂધના ઉત્પાદનમાં વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. લુધિયાણાના જગરાંવમાં ઈન્ટરનેશનલ ડેરી એન્ડ એગ્રો એકસપો યોજાયો હતો. તેમાં સરસ્વતી નામની આ ભેંસે ૩૨ લિટર કરતા વધુ દૂધ આપીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. ત્રણ દિવસ ચાલેલા પ્રોગ્રેસિવ ડેરી ફાર્મર્સ એસોસિયેશનના એકસપોનું રિઝલ્ટ સોમવારે જાહેર કરવામાં આવ્યું હતું.

એસોસિયેશનના અધ્યક્ષ દલજીત સિંહ સરદારપુરાનું કહેવું છે કે, 'સરસ્વતી રોજ એવરેજ ૩૨.૦૬૬ દૂધ આપીને ૨૦૧૮માં પાકિસ્તાનના ફૈસલાબાદની મુર્રા ભેંસે બનાવેલો વર્લ્ડ રેકોર્ડ તોડી નાંખ્યો છે. સરસ્વતી એક ભેટ સમાન છે. ભેંસના માલિક તેના ભ્રૂણને વેચીને સારી આવક કરી શકે છે.

આ એકસપો આખી દુનિયામાં ભેંસ, ગાય અને વાછરડાની કોમ્પિટિશિન માટે પ્રચલિત છે. એકસપોમાં ૨૦ કોમ્પિટિશનનું આયોજન થયું હતું. સરદારપુરાએ કહ્યું કે તેમને ખુશી છે કે એકસપોમાં વર્લ્ડ રેકોર્ડ બન્યો.

ભેંસના માલિક સુખબીર ઢાંડા હરિયાણાના હિસાર જિલ્લામાં આવેલા લિટાનીમાં રહે છે. રિઝલ્ટ જાહેર થયા પછી ખુશખુશાલ ઢાંડાએ જણાવ્યું, 'આ ફકત મારા માટે નહિ, આખા દેશ માટે ખુશીની વાત છે કે સરસ્વતીએ એક દિવસમાં સૌથી વધારે દૂધ આપવાનો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. તેનો શ્રેય મારી માતાને જાય છે જે તેની ખૂબ સારી દેખભાળ કરે છે. તે સરસ્વતી પર સતત નજર રાખે છે અને સુનિશ્યિત કરે છે કે તેને સૌથી સારો દ્યાંસ ચારો મળે.'

સરસ્વતી આ પહેલા પણ ઢાંડાને ગર્વ અપાવી ચૂકી છે. તે જણાવે છે, સરસ્વતીએ ગયા વર્ષે ૨૯.૩ લિટર દૂધ આપીને ફર્સ્ટ પ્રાઈઝ જીત્યું હતું. આ ઉપરાંત હિસાર સેન્ટ્રલ ઈન્સ્ટિટ્યુટ ઓફ બફેલો રિસર્ચના કાર્યક્રમમાં પણ ૨૮.૭ લિટર દૂધનું ઉત્પાદન કરીને તે અવ્વલ રહી હતી. હરિયાણાના પશુધન વિકાસ બોર્ડે આયોજિત કરેલી સ્પર્ધામાં ૨૮.૮ કિલોના દૂધના ઉત્પાદન સાથે તેણે કોમ્પિટિશન જીતી હતી.

ઢાંડા કહે છે કે, દ્યણા લોકોએ સરસ્વતીને ખરીદવા મારો સંપર્ક કર્યો. મને ૫૧ લાખ રૂપિયા સુધીની રકમ ઓફર કરી. પરંતુ મેં ચોખ્ખું કહ્યું કે આ ભેંસ વેચવા માટે છે જ નહિ. હું તેને મારાથી દૂર કરી જ ન શકું. અમે હાલમાં જ એક વાછરડાને તામિલનાડુમાં એક શખ્સને ૪.૫ લાખ રૂપિયામાં વેચ્યુ છે. અમારી પાસે બીજી બે ભેંસ- ગંગા જુના છે. રિઝલ્ટ જાહેર થયા બાદ સરસ્વતીને જોવા લોકોની ભીડ જમા થઈ રહી છે.

(4:00 pm IST)