Gujarati News

Gujarati News

News of Tuesday, 10th December 2019

નાગરિકતા સુધારા ખરડાથી પાકિસ્તાનને પેટમાં દુખ્યુ

ઇસ્લામાબાદ તા.૧૦ : ભારતની લોકસભામાં સોમવારે રાત્રે ભારે હો હા અને ધાંધલ વચ્ચે પસાર થઇ ગયેલા નાગરિકતા સુધારા ખરડાથી પાકિસ્તાનને મરચું લાગ્યું હતું અને પાકિસ્તાને આ ખરડાનો વિરોધ કરતું નિવેદન પ્રગટ કર્યું હતું.

પાકિસ્તાને એવો દાવો કર્યો હતો કે ભારતમાં વસતા લઘુમતિ મુસ્લિમોના અધિકાર પર આ ખરડો તરાપ મારે છે અને મુસ્લિમોના અધિકારો છીનવાઇ જવાની શકયતા છે.આ ખરડાથી મુસ્લિમોની સલામતી અંગે ચિંતા જાગે છે.

પાકિસ્તાને એવો પણ આક્ષેપ કર્યો હતો કે ભારત અને પાકિસ્તાન વચ્ચે અત્યાર સુધી થયેલી તમામ સંધિ-સમજૂતીનો આ ખરડો ભંગ કરે છે.

પાકિસ્તાનના વિદેશ ખાતાએ પ્રગટ કરેલા નિવેદનમાં એવો દાવો કર્યો હતો કે પાકિસ્તાન અને બીજા બે દેશોના મુસ્લિમો સિવાય સૌને નાગરિકતા આપવાનો આ પ્રસ્તાવ ખોટો છે અને ધર્મના આધારે ભેદભાવ કરવા અંગેની તમામ આંતરરાષ્ટ્રીય સમજૂતીનો ભંગ કરે છે.

પાકિસ્તાને એવો આક્ષેપ કર્યો હતો કે જમણેરી હિન્દુ નેતાઓ દ્વારા ભારતને એક હિન્દુ રાષ્ટ્ર બનાવવાની દિશામાં આ પહેલું પગલું છે.આ ખરડો કટ્ટર હિન્દુવાદનું સમર્થ કરે છે અને આ વિસ્તારમાં સરમુખત્યારશાહી સ્થાપવાની મહત્ત્વાકાંક્ષાનું પરિણામ છે. નિવેદનમાં એવો દાવો કરાયો હતો કે પાડોશી રાષ્ટ્રોની આંતરિક બાબતોમાં દખલ દેવાની આ એક તરકીબ છે અને અમે એનો જોરદાર વિરોધ કરીએ છીએ.

પાકિસ્તાને ત્યારબાદ કશ્મીરને આ મુદ્દા સાથે સાંકળી લેતાં ઉમેર્યું કે કશ્મીરી પ્રજા પર ગુજારાઇ રહેલા અત્યાચારો પણ આ આત્યંતિક વિચારધારાનું પરિણામ છે.

(3:56 pm IST)