Gujarati News

Gujarati News

News of Tuesday, 10th December 2019

ઓસીઆઇ કાર્ડની માહિતી મેચ ન થતાં અનેક ભારતીયોને ભારત મુલાકાત રદ કરવી પડી

વોશિંગ્ટનઃ ઓવરસીઝ સિટિઝન ઓફ ઈન્ડિયા (ઓસીઆઈ) કાર્ડના કારણે અસંખ્ય ભારતીય મૂળના નાગરિકોએ તેમની ભારત મુલાકાત રદ્ કરવી પડતી હોવાની વ્યાપક ફરિયાદ ઉઠી છે. ભારતીય મૂળના નાગરિકોએ અમેરિકા સિૃથત ભારતીય રાજદૂતને આ અંગે રજૂઆત કરીને સરકારની નવી પોલિસી અંગે નારાજગી વ્યકત કરી હતી.

ભારતીય મૂળના નાગરિકોએ ભારતની મુલાકાત માટે ભારત સરકાર દ્વારા માન્ય કરાયેલું ઓવરસીઝ સિટિઝન ઓફ ઈન્ડિયા (ઓસીઆઈ) કાર્ડ રાખવું ફરજિયાત છે. આ કાર્ડની માહિતીના આધારે ભારતીય મૂળના નાગરિકો સ્વદેશ મુલાકાતે આવી શકે છે,

પરંતુ ગૃહ મંત્રાલય અને ઉડ્ડયન મંત્રાલયે જારી કરેલા નવા નોટિફિકેશનના કારણે ઓસીઆઈ કાર્ડ ધારકોને ભારે પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. ભારતીય મૂળના પ્રતિષ્ઠિત નાગરિક પ્રેમ ભંડારીએ અમેરિકા સિૃથત ભારતીય રાજદૂતને આ અંગે લેખિતમાં રજૂઆત કરી છે.

રજૂઆત પ્રમાણે ઓસીઆઈ કાર્ડની માહિતી મેચ ન થવાના ટેકનિક કારણોથી અસંખ્ય ભારતીય મૂળના નાગરિકોને છેલ્લાં થોડાંક સમયથી ભારતનો પ્રવાસ રદ્ કરવાની નોબત આવી છે. એટલું જ નહીં, દ્યણાં ભારતીય મૂળના નાગરિકોને તો દુબઈ સુધી આવ્યા પછી પાછું ફરવું પડે છે. કારણ કે તેમની માહિતી સિસ્ટમ સાથે મેચ થતી નથી.

ગૃહ મંત્રાલયના આંકડા પ્રમાણે અત્યાર સુધીમાં લગભગ ૨૦ લાખથી વધારે ભારતીય મૂળના નાગરિકોએ ઓસીઆઈ કાર્ડ મેળવી લીધું છે. અગાઉ પીઆઈઓ (પર્સન ઓફ ઈન્ડિયન ઓરિજિન) કાર્ડના આધારે ભારતીય મૂળના નાગરિકોને ૧૦ વર્ષ સુધીની પરવાનગી મળતી હતી.એ પછી ઓસીઆઈ કાર્ડની સુવિધા શરૂ થઈ પછી પણ પીઆઈઓ કાર્ડની મદદથી ભારતમાં આવી શકાતું હતું. ૨૦૧૫થી ઓસીઆઈનું મહત્વ વધ્યું હતું.

થોડા સમય પહેલાં ગૃહ મંત્રાલયે ઓસીઆઈ મુદ્દે નવી એડવાઈઝરી જાહેર કરી હતી. એ અંતર્ગત ૨૦ વર્ષથી નીચેના અને ૫૦ વર્ષથી ઉપરની વયના ભારતીય મૂળના નાગરિકોએ પાસપોર્ટના નવીનીકરણ પછી ઓસીઆઈનું પણ નવીનીકરણ કરાવવું ફરજિયાત થયું હતું. એના કારણે કેટલાય પ્રવાસીઓને પાછા ફરવું પડતું હોવાની ફરિયાદ ઉઠી છે.

(1:14 pm IST)