Gujarati News

Gujarati News

News of Monday, 10th December 2018

આખરે લંડનની અદાલતે વિજય માલ્યાના ભારતને પ્રત્યાર્પણ કરવાનો આદેશ કર્યો : લંડનની કોર્ટે CBIની દલીલો ગ્રાહ્ય રાખી : બેંકોનું 9 હજાર કરોડ રૂપિયાનું ફુલેકુ ફેરવી યુ.કે.નાસી છુટેલા વિજય માલિયાના પ્રત્યાર્પણનો માર્ગ થયો મોકળો : લંડનની વેસ્ટમિન્સ્ટર મેજિસ્ટ્રેટ કોર્ટે મંજૂરી આપી દીધી : માર્ચ 2016માં લંડન ભાગી ગયો હતો : ભારતે ગયા વર્ષે ફેબ્રુઆરી માસમાં તેના પ્રત્યાર્પણ માટે અપીલ કરી હતી : લંડનની કોર્ટમાં 4 ડિસેમ્બરથી કેસ ચાલી રહ્યો હતો : હવે ભાગેડુ માલ્યાને ભારત પાછો લાવી શકાશે : લંડન કોર્ટે કોર્ટના ચુકાદા નો નાણામંત્રી અરૂણ જેટલી દ્વારા સ્વાગત

નવી દિલ્હી, તા.૧૦ : ભારતીય બેન્કોની સાથે ૯૦૦૦ કરોડ રૂપિયાની છેતરપિંડી કરીને ફરાર થઈ ગયેલા શરાબ કારોબારી વિજય માલ્યાને આજે મોટો ફટકો પડ્યો હતો કારણ કે આજે સુનાવણી દરમિયાન બ્રિટનની વેસ્ટમિનિસ્ટર મેજિસ્ટ્રેટ કોર્ટે વિજય માલ્યાના પ્રત્યાર્પણને લીલી ઝંડી આપી હતી. ઓગસ્ટા વેસ્ટલેન્ડ કેસમાં વચેટીયા મિશેલને પ્રત્યાર્પણ કરીને ભારત લાવવામાં આવ્યા બાદ હવે સરકારને બીજી મોટી સફળતા મળી છે. હવે માલ્યાને પ્રત્યાર્પણ કરીને ભારતમાં લાવવામાં આવનાર છે. માલ્યાના પ્રત્યાર્પણના આદેશને મંજુરી આપી દેવામાં આવી છે. માલ્યાને હવે નિષ્ક્રિય થઈ ગયેલી કિંગફિશર એરલાઈન્સના પતનથી ઉભા થયેલા આરોપનો સામનો કરવો પડશે. ચીફ મેજિસ્ટ્રેટ જજ એમ્મા દ્વારા જણાવવામાં આવ્યું છે કે ફ્રોડ માટે વિજય માલ્યા સામે પુરાવા રહેલા છે. છેલ્લા ઘણા સમયથી માલ્યાને ભારત લાવવાના પ્રયાસો ચાલી રહ્યા હતા. બ્રિટનની કોર્ટના ચુકાદા બાદ નાણામંત્રી અરૂણ જેટલીએ કહ્યું છે કે ભારત સાથે છેતરપિંડી કરનાર કોઈપણ વ્યક્તિ બચી શકશે નહીં. ભારત માટે આ મોટો દિવસ છે. બ્રિટન કોર્ટનો ચુકાદો સ્વાગતરૂપ છે. યુપીએના ગાળા દરમિયાન આ અપરાધીને લાભ થયા હતા. એનડીએ સરકાર તેને પરત લાવી રહી છે. બીજી બાજુ સીબીઆઈના પ્રવક્તાએ કહ્યું છે કે આ કેસને ટુંકમાં જ પૂર્ણ કરી લેવાશે અને તેમને ભારત લવાશે. કિંગ ફિશર એરલાઈન્સના પ્રમુખ રહી ચુકેલા ૬૨ વર્ષીય વિજય માલ્યા પર ૯૦૦૦ કરોડ રૂપિયાની છેતરપિંડીનો આક્ષેપ થયેલો છે. આ કૌભાંડ બાદ વિજય માલ્યા ભારત છોડીને ફરાર થઇ ગયા હતા અને હાલમાં બ્રિટનમાં છે. ગયા વર્ષે એપ્રિલ મહિના બાદથી પ્રત્યાર્પણ વોરંટ જારી કરાયા બાદથી વિજય માલ્યા જામીન ઉપર છે. માલ્યા પોતાની સામે રહેલા મામલાને રાજકીય પ્રેરિત ગણાવી રહ્યા છે. માલ્યાએ ગઈકાલે જ કહ્યું હતું કે કોઇપણ લોન લીધી નથી. આ લોન કિંગ ફિશર એરલાઈન્સે લીધી છે. કારોબારી નિષ્ફળતાના કારણે પૈસા ડુબી ગયા છે. ગેરંટી આપવાનો મતલબ એ નથી કે તેમને છેતરપિંડી કરનાર વ્યક્તિ તરીકે ગણાવવામાં આવે. માલ્યાની સામે પ્રત્યાર્પણનો મામલો મેજિસ્ટ્રેટની કોર્ટમાં છેલ્લી ચાર ડિસેમ્બરના દિવસથી ચાલી રહ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, સાતમી ડિસેમ્બરના દિવસે સુપ્રીમ કોર્ટે માલ્યાને મોટો ફટકો આપ્યો હતો. એ વખતે સુપ્રીમ કોર્ટે વિજય માલ્યાને મોટો ફટકો આપીને તેમની સામે ઇડી દ્વારા દાખલ કરવામાં આવેલી કાર્યવાહી માટેની અરજી ઉપર પ્રતિબંધ મુકવાનો ઇન્કાર કરી દીધો હતો. હાલમાં બ્રિટનમાં રહેતા વિજય માલ્યાએ પોતાના વકીલ મારફતે ભારતમાં સુપ્રીમ કોર્ટમાં ઇડીની કાર્યવાહી પર પ્રતિબંધ મુકવાની અરજી દાખલ કરી હતી પરંતુ સુપ્રીમ કોર્ટે આ અરજીને ફગાવી દીધી હતી. હકીકતમાં ઇડીએ વિજય માલ્યાને ફરાર આર્થિક અપરાધી જાહેર કર્યો હતો અને તેમની સંપત્તિ જપ્ત કરવાની કાર્યવાહી શરૂ કરી હતી. માલ્યાએ આ પ્રક્રિયા ઉપર પ્રતિબંધ મુકવાની માંગ કરીને સુપ્રીમ કોર્ટમાં રજૂઆત કરી હતી પરંતુ સુપ્રીમ કોર્ટે માલ્યાને રાહત આપવાના બદલે ઇડીને નોટિસ જારી કરીને તેની પ્રક્રિયાને આગળ વધારવાનો આદેશ આપ્યો હતો. જુદી જુદી બેંકોના ૯૦૦૦ કરોડ રૂપિયાની લોન લઇને વિજય માલ્યા દેશમાંથી ફરાર થઇ ગયા હતા. ભારત સરકાર તેમને લંડનમાંથી દેશ પરત લાવવાના પ્રયાસમાં લાગેલી છે. બ્રિટનના કઠોર પ્રત્યાર્પણ કાયદા હેઠળ લંડન કોર્ટમાં ભારત સરકારની અરજી પર સુનાવણી હાલ ચાલી રહી હતી. જ્યાં માલ્યાએ ભારતમાં જેલોની ખરાબ હાલતને લઇને વાંધો ઉઠાવ્યો હતો.ભારત સરકારે લંડનની કોર્ટને મુંબઈ સ્થિત આર્થર રોડ જેલનો વિડિયો મોકલ્યો હતો જેમાં ધ્યાન આપવામાં આવ્યા બાદ કોર્ટે જેલની વ્યવસ્થાને યોગ્ય ઠેરવી હતી. માલ્યાની મુશ્કેલી હવે વધી છે.

માલ્યાની દેવાની રકમ

એસબીઆઈ...................................... ૧૭૫૦ કરોડ

પીએનબી............................................ ૮૦૦ કરોડ

આઈડીબીઈઆઈ.................................. ૮૦૦ કરોડ

બેન્ક ઓફ ઈન્ડિયા................................ ૬૫૦ કરોડ

બેન્ક ઓફ બરોડા.................................. ૫૫૦ કરોડ

યુનાઈટેડ બેન્ક ઓફ ઈન્ડિયા................. ૪૩૦ કરોડ

સેન્ટ્ર્લ બેન્ક ઓફ ઈન્ડિયા..................... ૪૧૦ કરોડ

યુકો બેન્ક............................................ ૩૨૦ કરોડ

કોર્રોપેરસન બેન્ક.................................. ૩૧૦ કરોડ

ઈન્ડિયન ઓવરસીઝ બેન્ક.................... ૧૪૦ કરોડ

ફેડરલ બેન્ક............................................ ૯૦ કરોડ

પંજાબ એન્ડ સિંધ બેન્ક........................... ૬૦ કરોડ

એક્સિસ બેન્ક…………………………………….૫૦ કરોડ

(8:16 pm IST)