Gujarati News

Gujarati News

News of Monday, 10th December 2018

કરતારપુર કોરિડોર ISIનું ષડયંત્ર પંજાબમાં આતંકનો ડર : કેપ્ટન અમરિંદર સિંહ

નવજોત સિંહ સિધ્ધુને પાકિસ્તાન જતા પહેલા રોકયા હતા, તેમ છતાંય સિધ્ધુ ઇમરાન ખાનની સાથે પોતાના પર્સનલ સંબંધના લીધે પાકિસ્તાન ગયા

ચંદીગઢ તા. ૧૦ : પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે કરતારપુર કોરિડોર ખોલવાનો પાકિસ્તાનનો નિર્ણય ત્યાંની સેના અને આઇએસઆઇનું ષડયંત્ર ગણાવ્યું છે. કેપ્ટન અમરિંદર સિંહે કહ્યું કે પંજાબમાં ફરીથી ખાલિસ્તાન મુવમેન્ટ અને આતંકવાદ ઉભો કરવા માટે પાકિસ્તાન આ કોરિડોરનો ખોટો ઉપયોગ કરી શકે છે.

મુખ્યમંત્રીએ કહ્યું કે કરતારપુર કોરિડોર સ્પષ્ટ રીતે આઇએસઆઇનો એક ગેમ પ્લાન છે. તેમણે કહ્યું કે આ પાકિસ્તાન દ્વારા ભારતની વિરૂદ્ઘ રચવામાં આવેલ એક મોટું ષડયંત્ર દેખાઇ રહ્યું છે. કેપ્ટન અમરિંદર સિંહે દાવો કર્યો કે પાકિસ્તાની સેનાના પ્રમુખ જનરલ કમર જાવેદ બાજવાએ ઇમરાખાનના વડાપ્રધાન તરીકે શપથ લેતાં પહેલાં જ નવજોત સિંહ સિદ્ઘુની સમક્ષ કરતારપુર કોરિડોર ખોલવાના સમાચારના ખુલાસો કરી દીધો હતો. મુખ્યમંત્રી એ કહ્યું કે પાકિસ્તાન પંજાબમાં આતંકવાદને પુનજીર્વિત કરવાનો પ્રયાસ કરી રહ્યું છે અને આથી આપણે તમામે તેની પહેલથી સાવધાન રહેવું જોઇએ.

કેપ્ટન અમરિંદર સિંહે ફરી એકવખત કહ્યું કે તેમણે નવજોત સિંહ સિદ્ઘૂને પાકિસ્તાન જતા પહેલાં રોકયા હતા, તેમ છતાંય સિદ્ઘૂ ઇમરાન ખાનની સાથે પોતાના પર્સનલ સંબંધના લીધે પાકિસ્તાન ગયા. કેપ્ટન અમરિંદર સિંહે કહ્યું કે કરતારપુર કોરિડોરના મુદ્દા પર અકાલી દળ અને ભાજપે કારણ વગર નવજોત સિંહ સિદ્ઘૂને લઇ મુદ્દો બનાવી રહ્યાં છે. કેપ્ટને કહ્યું કે અકાલી દળ અને ભાજપ દ્વારા સિદ્ઘૂનો મુદ્દો ઉછળતા કરતારપુર કોરિડોરની પાછળ પાકિસ્તાનના ષડયંત્રની વાત દબાઇ ગઇ.

કેપ્ટન અમરિંદર સિંહે કહ્યું કે જો નવજોત સિંહ સિદ્ઘૂના 'કોણ છે કેપ્ટન' નિવેદન પર તેઓ બિલકુલ પણ નારાજ નથી, કારણ કે નવજોત સિંહ સિદ્ઘૂ કેટલીય વખત કહી ચૂકયા છે કે તેઓ તેમને પિતા સમાન માને છે.

કેપ્ટન અમરિંદર સિંહે કહ્યું કે પાકિસ્તાન એટલા માટે ન ગયા કારણ કે પાકિસ્તાન આર્મી સરહદ પર આપણા દેશના જવાનોને મારવા અને પંજાબમાં આતંકવાદ ભડકાવામાં લાગ્યા છે. તેમણે કહ્યું કે પાકિસ્તાનની આ હરકતનો શિકાર પંજાબના યુવાનો બની રહ્યાં છે.

કેપ્ટન અમરિંદર સિંહે એમ પણ કહ્યું કે જો મિત્રતાની વાત છે તે તેમના પણ પાકિસ્તાનમાં કેટલાંય ખાસ અને જૂન મિત્રો છે. કેપ્ટન અમરિંદર સિંહે કહ્યું કે ઇમરાન ખાન ભલે અમન, શાંતિ અને મિત્રતા વધારવાની કોશિષમાં લાગ્યા હોય પરંતુ પાકિસ્તાનની આર્મી જેનો ત્યાંની સરકાર પર પૂરો કંટ્રોલ છે, તે આમ થવા દેશે નહીં.

(12:00 pm IST)