Gujarati News

Gujarati News

News of Monday, 10th December 2018

પચાસ હજાર સુધીના વ્યાજ પર TDS નહીં કાપવા બેંકોને સૂચના

હાલમાં બેંકો સિનિયર સિટીઝનોના કેસમાં પણ ૧૦ હજારથી વધારે વ્યાજ થાય તો ૧૦ ટકા લેખે ટીડીએસ કરી રહી છે

નવી દિલ્હી તા. બેન્કોમાં ફીકસ્ડ ડિપોઝિટની વ્યાજની રકમ ૧૦ હજારથી વધી જાય તો બેન્કો આવકવેરા ધારાના કલમ૧૯૪એ મુજબ ૧૦ ટકા લેખે ટીડીએસ કાપી લે છે.પરંતુ બજેટ ૨૦૧૮-૧૯માં નાણામંત્રીએ સિનિયર સિટીઝનને કેટલીક છૂટછાટ આપેલી હતી તેમાં સિનિયર સિટીઝનને ડિપોઝીટ તેમજ પોસ્ટ ઓફિસની ડિપોઝીટમાંથી મળતી વ્યાજની રકમ ૫૦ હજાર સુધીની આવકવેરામાંથી મુકિત આપેલ છે અને આના માટે આવકવેરાની નવી કલમ ૮૦ટીટીબી દાખલ કરેલ છે. જે મુજબ સિનિયર સિટીઝનને પોસ્ટ ઓફિસ તેમજ બેન્કોની ફિકસ્ડ ડિપોઝિટમાંથી મળતી ૫૦ હજાર સુધીની વ્યાજની રકમને આવકવેરામાંથી મુકિત આપવામાં આવી છે. આ સુધારો ૧લી એપ્રિલ ૨૦૧૮થી લાગુ થયેલો છે. છતાં હાલમાં બેન્કો સિનિયર સિટીઝનોના કેસમાં પણ ૧૦ હજારથી વધારે વ્યાજ થાય તો ૧૦ ટકા લેખે ટીડીએસ કરી રહી છે.

બેન્કો તેમની દાદાગીરી ચાલુ રાખતા સીબીડીટીને રજૂઆત કરાઇ હતી. રજૂઆત બાદ સીબીડીટીએ આ માટે રૂલ ૩૧એમાં ફેરફાર કરી આ મર્યાદા ૫૦ હજાર કરીને દરેક બેન્કો સૂચના જારી કરી એક પરિપત્ર બહાર પાડયો છે અને જણાવ્યુ છે કે,સિનિયર સિટીઝનને મળતા વ્યાજની રકમ જો ૫૦ હજારથી વધે તો જ ૧૦ ટકા લેખે ટીડીએસ કરવો. જો આ રકમ ૫૦ હજારથી વધતી ન હોય તો કોઇ ટીડીએસ કરવો નહીં. આવા કરદાતાએ ફોર્મ- ૧૫એચ પણ ભરવાની જરૂર નથી.૫૦ હજારથી વધુ વ્યાજની રકમ થતી હોય તો પણ જો સિનિયર સિટીઝનની કુલ કરપાત્ર આવક ૩ લાખથી વધતી ન હોય તો સિનિયર સિટીઝન ફોર્મ-૧૫એચ ભરે તો પણ ટીડીએસ કરવુ નહિ.

કાયદામાં ફેરફાર કરાયો છે પણ રૂલ્સમાં ફેરફાર ન કરાયો હોવાથી બેન્કોના સિનિયર સિટીઝને લાભ આપતી નથી. જોકે , સીબીડીટીની સૂચના પછી કોઇ ટીડીએસ કપાશે નહીં.

(11:55 am IST)