Gujarati News

Gujarati News

News of Monday, 10th December 2018

વડાપ્રધાન કાર્યાલયના પી.આર.ઓ. જગદીશભાઈ ઠક્કરનો જીવનદીપ બુઝાયો

માહિતી ખાતાના સંયુકત નિયામક પદેથી વડાપ્રધાન કાર્યાલય સુધીની યશસ્વી સફરઃ એઈમ્સમાં અંતિમ શ્વાસ લીધાઃ વડાપ્રધાન મોદીએ દિલ્હી તેમના ઘરે જઈને શ્રધ્ધાંજલી અર્પીઃ આજે સાંજે ૪-૩૦ વાગ્યે તેમના અંતિમસંસ્કાર દિલ્હી ખાતે થશે

રાજકોટ, તા. ૧૦ :. વડાપ્રધાન કાર્યાલયના જનસંપર્ક અધિકારી ગરવા ગુજરાતી શ્રી જગદીશભાઈ ઠક્કરનું લાંબી બિમારી બાદ આજે નવી દિલ્હી ખાતેના તેમના નિવાસ સ્થાને દુઃખદ અવસાન થતા ઘેરા શોકની લાગણી ફેલાઈ છવાઈ ગઈ છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ટ્વીટ કરીને તેમજ તેમના નિવાસ સ્થાને રૂબરૂ જઈને તેમની સેવાને બીરદાવી શ્રધ્ધાંજલી અર્પી હતી.

શ્રી જગદીશભાઈ ઠક્કર મૂળ ગુજરાતના માહિતી ખાતાના અધિકારી અને પત્રકારત્વ ક્ષેત્રે સમર્પિત હતા. વર્ષો પહેલા નિવૃત થયા પછી પણ સરકારે તેમને કામની કદરરૂપે ફરીથી ફરજ સોંપી હતી. ગુજરાતના કેટલાય મુખ્યમંત્રીઓના પી.આર.ઓ. તરીકે તેમણે સફળ કામગીરી કરેલ. કાર્યક્ષમતા, નમ્રતા અને લાગણીશીલ સ્વભાવ એ તેમની આગવી ઓ ળખ હતી.

શ્રી મોદી ૨૦૦૧માં મુખ્યમંત્રી બન્યા તે વખતથી તેમના પી.આર.ઓ. તરીકે કાર્યરત હતા. તેઓ વડાપ્રધાન બનતા તેમને દિલ્હી લઈ ગયેલ. ત્યાં પી.એમ. કાર્યાલયમાં પી.આર.ઓ. તરીકે કાર્યરત હતા. વડાપ્રધાને તેમને અનુભવી અને સાદગીવાળા પત્રકાર ગણાવી તેમની ચિરવિદાય અંગે દુઃખ વ્યકત કર્યુ છે.

સ્વ. શ્રી ઠક્કરને કીડનીમાં તકલીફ થતા ઓપરેશન કરાવેલ. તેમને કીડનીમાં ઈન્ફેકશન લાગી ગયેલ. છેલ્લા ૩ મહિનાથી સારવાર હેઠળ હતા પરંતુ સારવાર કારગત ન નિવડતા આજે અંતિમ શ્વાસ ખેંચ્યા હતા. તેમના નિધનથી સેંકડો ચાહકોએ દુઃખની લાગણી અનુભવી છે. આજે સાંજે ૪-૩૦ વાગ્યે તેમના અંતિમસંસ્કાર દિલ્હી ખાતે થશે.

ગાંધીનગર પ્રેસ કલબ દ્વારા સ્વ. ઠક્કરને શ્રધ્ધાસુમન

રાજકોટઃ વડાપ્રધાન કાર્યાલયના જનસંપર્ક અધિકારી શ્રી જગદીશભાઈ ઠક્કરનું અવસાન થતા ગાંધીનગર એક્રીડીએટેડ પ્રેસ કલબના પ્રમુખ અશ્વિન વ્યાસ અને તેમના સાથીદારોએ ઉંડા દુઃખની લાગણી વ્યકત કરી શ્રધ્ધાંજલી અર્પણ કરી હતી. સ્વ.એ પત્રકારત્વ ક્ષેત્રે આપેલ યોગદાનને અમૂલ્ય ગણાવી તેમની સાથેના સ્મરણો વાગોળ્યા હતા.

(10:39 am IST)