Gujarati News

Gujarati News

News of Sunday, 9th December 2018

ચૂંટણીના પરિણામ શેરબજારની દિશા નક્કી કરે તેવા સ્પષ્ટ સંકેતો

ભાજપને નુકસાન થશે તો શેરબજારમાં મોટો કડાકો થવાની શક્યતા : શેરબજારમાં ચૂંટણી પરિણામો, તેલની કિંમતો, સીપીઆઈ, ડબલ્યુપીઆઈ ફુગાવાના આંકડા પર તમામની નજર : વૈશ્વિક ઘટનાક્રમની અસર પણ થશે

મુંબઈ, તા.૯ : શેરબજારમાં આવતીકાલથી શરૂ થતાં નવા કારોબારી સેશનમાં  જુદા જુદા પરિબળોની સીધી અસર જોવા મળે તેવી શક્યતા છે. ચૂંટણીના પરિણામ, તેલ કિંમતો અને અન્ય પાંચ પરિબળો દલાલસ્ટ્રીટમાં બજારની દિશા નક્કી કરે તેવી શક્યતા છે. છેલ્લા સપ્તાહમાં ભારે ઉથલપાથલ રહ્યા બાદ અંતે ઘટાડો રહ્યો હતો. સેંસેક્સ અને નિફ્ટી બંને ક્રમશઃ ૧.૪૪ ટકા અને ૧.૬૮ ટકાના ઘટાડા સાથે બંધ રહ્યા હતા. આરબીઆઈએ પણ ગયા સપ્તાહમાં વ્યાજદર યથાવત રાખ્યા હતા. અમેરિકા અને ચીન વચ્ચે ટ્રેડવોર વધવાના સંકેત પણ દેખાઈ રહ્યા છે. ચૂંટણીના પરિણામોની અસર શેરબજાર પર સૌથી વધારે જોવા મળશે. આ પરિણામ ૨૦૧૯ની ચૂંટણીના ોમિફાઇનલ સમાન રહેશે. જો ભાજપની સ્થિતિ નબળી દેખાશે તો શેરબજારમાં મોટો કડાકો આવી શકે છે. બીજી બાજુ ભાજપની જીતની સ્થિતિમાં બજારમાં તેજી આવી શકે છે. જો ભાજપ ૦-૩ રહેશે તો બજારમાં મોટો ઘટાડો રહેશે. ૧-૨ના નુકસાન (મધ્યપ્રદેશ અને રાજસ્થાન)માં નુકસાન રહેશે તો પણ તીવ્ર ઘટાડો રહી શકે છે. એક્ઝિટ પોલના પરિણામ મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે નજીકની સ્પર્ધા દર્શાવે છે જ્યારે કોંગ્રેસ રાજસ્થાનમાં લીડ ધરાવે છે. યુરોપિયન અંધાધૂંધીની અસર પણ બજારમાં જોવા મળી શકે છે. માર્કેટના માઇક્રો ડેટાની ચર્ચા પણ રહી શકે છે. સીપીઆઈ અને ડબલ્યુપીઆઈ ફુગાવાના આંકડા નવેમ્બર મહિના માટે ક્રમશઃ બુધવાર અને શુક્રવારના દિવસે જારી કરવામાં આવનાર છે. વૈશ્વિક મોરચા ઉપર મૂડીરોકાણકારો અમેરિકી નોનફાર્મ પેરોલ ઉપર નજર રાખી રહ્યા છે. યુએસ કોર ફુગાવાના ડેટાની અસર પણ જોવા મળી શકે છે. ક્રૂડ ઓઇલની કિંમતની અસર પણ જોવા મળી શકે છે. ઓપેક કાર્ટલ અને રશિયાના નેતૃત્વમાં સાથી દેશોએ તેલની કિંમતોને અંકુશમાં લેવા માટે તેલ ઉત્પાદનમાં ઘટાડો કરવાનો નિર્ણય કર્યો છે. ઓક્ટોબરની સપાટીથી પ્રતિદિવસે ૦.૮ મિલિયન બેરલ સુધી તેલ ઉત્પાદને ઘટાડવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ નિર્ણયના પરિણામ સ્વરુપે ક્રૂડની કિંમતમાં વૈશ્વિક બજારોમાં પાંચ ટકાનો વધારો થઇ ચુક્યો છે. ક્રૂડની કિંમત હજુ વધવાના સંકેત દેખાઈ રહ્યા છે. કારણ કે ઉત્પાદનમાં ઘટાડો કરવામાં આવી રહ્યો છે. નિફ્ટી શુક્રવારના દિવસે ઉથલપાથલ સાથે બંધ રહ્યો હતો. શેરબજારમાં અન્ય જે પરિબળો છે તેમાં અમેરિકા અને ચીન વચ્ચે ટ્રેડવોરને લઇને રહેલી છે. ટ્રેડવોરના કારણે અમેરિકા અને ચીન બંનેને નુકસાન થઇ રહ્યું છે. હુવાવેઇની ધરપકડ કરવામાં આવ્યા બાદ ટ્રેડવોર વધવાના સંકેત દેખાઈ રહ્યા છે. યુરોપમાં બે મોટા ઘટનાક્રમ જોવા મળનાર છે. ફ્રાંસમાં જોરદાર વિરોધ પ્રદર્શન જારી છે. બ્રિટનમાં સંસદમાં મંગળવારના દિવસે બ્રેકસીટને લઇને મતદાન થશે.

(7:56 pm IST)