Gujarati News

Gujarati News

News of Sunday, 9th December 2018

રામ મંદિર માટે દિલ્હીમાં VHPની ધર્મ સંસદનો પ્રારંભ : હજારોની સંખ્યામાં લોકો ઉપસ્‍થિત

જો કોઈ સ્થિતિમાં સંસદના શિયાળુ સત્રમાં બિલ લાવવામાં ન આવ્યું તો આગામી 'ધર્મ સંસદ'માં નેક્સ્ટ સ્ટેપ પર નિર્ણય લેવાશે: સુરેન્દ્ર જૈને

નવી દિલ્હી: સંસદના શિયાળુ સત્ર શરૂ થતા પહેલા વિશ્વ હિન્દુ પરિષદ (વિહીપ)અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ માટે બિલ રજુ કરવાની માંગણીને લઈને આજે વિશાળ રેલીનું આયોજન કરી રહી છે. વીએચપીએ કહ્યું કે તેમને એવો વિશ્વાસ છે કે સંસદના આગામી સત્ર દરમિયાન બિલ રજુ કરવામાં આવશે જેનાથી અયોધ્યામાં રામ મંદિરના નિર્માણનો રસ્તો મોકળો થશે. હાલ આ ધર્મ સંસદની શરૂઆત થઈ ગઈ છે અને હજારોની સંખ્યામાં લોકો હાજર છે.

વીએચપીના પ્રવક્તા વિનોદ બંસલે કહ્યું કે રવિવારે રામલીલા મેદાનમાં ધર્મ સંસદને આરએસએસના કાર્યકારી પ્રમુખ સુરેશ ભૈય્યાજી જોશી સંબોધિત કરશે. આ એક વિશાળ રેલી હશે જે અયોધ્યામાં ભવ્ય રામ મંદિરના નિર્માણ માટે બિલ લાવવાનું સમર્થન નહીં કરનારા તમામ લોકોના હ્રદય પરિવર્તન કરશે.

વીએચપીના મહાસચિવ સુરેન્દ્ર જૈને કહ્યું કે જો કોઈ સ્થિતિમાં સંસદના શિયાળુ સત્રમાં બિલ લાવવામાં ન આવ્યું તો આગામી 'ધર્મ સંસદ'માં નેક્સ્ટ સ્ટેપ પર નિર્ણય લેવાશે. તેનું આયોજન આગામી વર્ષે 31 જાન્યુઆરી અને એક ફેબ્રુઆરીના મહાકુંભ સમયે અલાહાબાદમાં થશે. બંસલે કહ્યું કે વીએચપીના અધ્યક્ષ વિષ્ણુ સદાશિવ કોકજે અને તેમના આંતરરાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ આલોકકુમાર પણ રેલીને સંબોધિત કરશે.

અત્રે જણાવવાનું કે રામ ભગવાનની નગરી અયોધ્યામાં રામ મંદિરના નિર્માણની માગણી માટે 25 નવેમ્બરના રોજ વિશ્વ હિન્દુ પરિષદની ધર્મસભા થઈ હતી. જેમાં રામ મંદિર નિર્માણને લઈને આંદોલન ચાલુ રાખવાનો સંકલ્પ લેવાયો હતો. ધર્મસભામાં વિશ્વ હિન્દુ પરિષદના મહામંત્રી ચંપત રાયે મોટુ નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે અમારી ધીરજની પરીક્ષા લેવામાં ન આવે. રામ મંદિર પર ભાગલાનો ફોર્મ્યુલા અમને મંજૂર નથી. રામ જન્મભૂમિના ભાગલા અમને સ્વીકાર્ય નથી. અમને પૂરેપૂરી જમીન જોઈએ.

(1:20 pm IST)