Gujarati News

Gujarati News

News of Sunday, 9th December 2018

ભારતમાં પણ પેટ્રોલ ડીઝલના ભાવ વધ્‍યા છે છતા મૌન: અને ફ્રાન્‍સમાં શા માટે રોક્કળ ?

દુનિયાભરમાં પોતાની ખાણી-પીણી, ફૅશન, સંસ્કૃતિ અને ભાષા માટે જાણીતા ફ્રાંસમાં પૂરજોશમાં આંદોલન ચાલી રહ્યું છે.

શનિવારે સમગ્ર દેશમાં અંદાજે સવા લાખ લોકો એકઠા થયા હતા જેમાં પેરિસમાં દસ હજાર લોકો એકઠા થયા હતા. અહીં પોલીસે આંદલોનકારીઓ પર ટિયરગેસના સેલ છોડ્યા હતા.

શનિવારે સાંજે ટીવી પર ફ્રાંસના વડા પ્રધાન એડુઅર્ડ ફિલિપે કહ્યું કે આ મુદ્દે સરકાર અને પ્રદર્શનકારીઓ વચ્ચે સંવાદ થવો જોઈએ.

ફાંસના ગૃહ વિભાગ મુજબ આ પ્રદર્શનોમાં 118 લોકો ઘાયલ થયા છે જેમાં 17 પોલીસ અધિકારીઓનો પણ સમાવેશ થાય છે. અત્યાર સુધી 500થી વધારે લોકોની અટકાયત કરવામાં આવી છે.

પેરિસ સિવાય લિયો, બોર્ડો, ટુલુઝ, માર્સે અને ગ્રેનોબલ શહેરોમાં પણ પ્રદર્શન થયાં હતાં.

પેરિસમાં પ્રદર્શનકારીઓ અને પોલીસ સામસામે આવી ગઈ હતી. અમુક પ્રદર્શનકારીઓએ દુકાનોના કાચ તોડ્યા તો અમુકે ગાડીઓમાં આગ ચાંપી દીધી હતી.

હિંસા અને પ્રદર્શનને જોતા દેશભરમાં 90 હજારથી વધુ પોલીસકર્મીઓને ગોઠવી દેવામાં આવ્યા છે.

પેટ્રોલ-ડીઝલના ભાવ અન્ય દેશોમાં પણ વધી રહ્યા છે ત્યારે ફ્રાંસમાં જ આટલા મોટાપાયે વિરોધ શા માટે થઈ રહ્યો છે?

આ વિશે બીબીસી સંવાદદાતા આદર્શ રાઠૌરનો લેખ વાંચો.

રાજધાની પેરિસથી માંડીને નાના કસ્બાઓ સુધીના લોકોના આંદોલનનો એવો પડઘો પડ્યો, જેણે આખી દુનિયાનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું.

ફ્રાંસમાં ઘણાં વર્ષો પછી આટલું મોટું આંદોલન જોવા મળ્યું. આ આંદોલનનું નામ હતું - 'યેલો વેસ્ટ' અથવા 'યેલો જૅકેટ મૂવમૅન્ટ.'

આમાં ભાગ લેનારાઓએ પીળા રંગના જૅકેટ પહેર્યાં હતાં, જે સુરક્ષાને ધ્યાનમાં રાખીને પહેરવામાં આવે છે, કારણ કે એનો ચમકીલો રંગ ધ્યાન ખેંચે છે.

ફ્રાંસમાં 2008માં બનેલા કાયદા મુજબ વાહનોમાં આ રીતનાં જૅકેટ રાખવા અનિવાર્ય છે, જેથી ગાડી ક્યાંક બગડી જાય તો એને પહેરીને ઊતરી શકાય.

પ્રદર્શનકર્તાઓએ આ જૅકેટ સાંકેતિક રૂપે પહેરેલાં હતાં, જેથી પોતાની માગો અને સમસ્યાઓ તરફ સરકારનું ધ્યાન ખેંચી શકે.

(12:04 pm IST)