Gujarati News

Gujarati News

News of Wednesday, 10th November 2021

યુપી સરકારમાં મંત્રી રહી ચુકેલ ગાયત્રી પ્રજાપતિને ગેંગ રેપ કેસમાં દોષિત ઠેરવવામાં આવ્‍યા

૧ર નવેમ્‍બરે કોર્ટ સર્જા સંભળાવશે

ગેંગ રેપ કેસમાં ગાયત્રી પ્રસાદ પ્રજાપતિને દોષિત ઠેરવવામાં આવ્યા છે. ગાયત્રી પ્રસાદ પ્રજાપતિ ઉપરાંત આશિષ શુક્લા અને અશોક તિવારી પણ દોષિત ઠર્યા છે. ગાયત્રી પ્રજાપતિ યુપી સરકારમાં મંત્રી રહી ચૂક્યા છે. ચિત્રકૂટની એક મહિલાએ પોતાની પુત્રી પર ગેંગરેપ થયાનો આ આરોપ લગાવ્યો હતો.

ત્રણેય લોકોને ગેંગ રેપ અને પોક્સો એક્ટની કલમો હેઠળ દોષી ઠેરવવામાં આવ્યા છે. 12 નવેમ્બરે કોર્ટ તેઓને સજા સજા સંભળાવશે. સાથે જ આ કેસમાં વિકાસ વર્મા, અમરેન્દ્ર સિંહ ઉર્ફે પિન્ટુ, ચંદ્રપાલ, રૂપેશ્ર્વર ઉર્ફે રૂપેશને નિર્દોષ છોડી દેવામાં આવ્યા છે.

ગાયત્રી પ્રજાપતિએ બુધવારની સુનાવણી મુલતવી રાખવાનો પૂરતો પ્રયાસ કર્યો હતો. ગાયત્રી પ્રજાપતિએ ટ્રાયલની તારીખ લંબાવવાની માંગ કરી હતી. તેમજ આ કેસને અન્ય રાજ્યમાં ટ્રાન્સફર કરવા માટે સુપ્રીમ કોર્ટમાં સ્પેશિયલ લીવ પિટિશન દાખલ કરવામાં આવી હતી. આ કેસમાં જામીન મેળવવા માટે ગાયત્રીએ હાઈકોર્ટથી લઈને સુપ્રીમ કોર્ટ સુધી ત્રણ વખત દરવાજા ખટખટાવ્યા છે.

4 વર્ષ સુધી કોર્ટમાં ચાલી રહેલા આ કેસમાં ફરિયાદ પક્ષ વતી 17 સાક્ષીઓ રજૂ કરવામાં આવ્યા હતા. જિલ્લા સરકારના એડવોકેટ મનોજ ત્રિપાઠીના જણાવ્યા મુજબ ગાયત્રી પ્રજાપતિએ આ કેસને ઘણી વખત કાયદાકીય ગૂંચવણોમાં ઉલઝાવવાનો પ્રયાસ કર્યો હતો, અને તેને લંબાવવાનો પણ પ્રયાસ કર્યો હતો. પરંતુ અંતે અદાલતે ફરિયાદ પક્ષે આપેલી દલીલો, 17 સાક્ષીઓ રજૂ કર્યા અને પોલીસની ચાર્જશીટના આધારે ગાયત્રી પ્રજાપતિને દોષિત ઠેરવ્યો હતો.

18 ફેબ્રુઆરી, 2017ના રોજ સુપ્રીમ કોર્ટના આદેશ પર લખનઉના ગૌતમપલ્લી પોલીસ સ્ટેશનમાં સપા સરકારના માઇનિંગ મિનિસ્ટર રહેલા ગાયત્રી પ્રસાદ પ્રજાપતિ સહિત સાત લોકો સામે સામૂહિક બળાત્કાર, જાનથી મારી નાખવાની ધમકી તથા પોક્સો એક્ટની કલમો હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. 3 જૂન 2017ના રોજ આ કેસના તપાસકર્તા દ્વારા 824 પાનાની ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી.

(12:55 am IST)