Gujarati News

Gujarati News

News of Wednesday, 10th November 2021

જમ્‍મુ કાશ્‍મીરના શ્રીનગરમાં ફરી સુરક્ષા દળોને ટાર્ગેટ બનાવતા આતંકીઓ જવાનો પર ગ્રેનેડ ફેંકતા એક પોલીસ તથા એક નાગરિકને ઇજા પહોંચી

કાશ્મીરમાં સતત થઈ રહેલા હુમલાની વચ્ચે સેના લાંબા સમયથી સર્ચ ઓપરેશન ચલાવી રહી છે

જમ્મૂ કાશ્મીર : જમ્મૂ કાશ્મીર (Jammu Kashmir)માં ફરી એકવાર આતંકી હુમલો (Terror Attack) થયો છે. શ્રીનગર (Srinagar)ની અલી મસ્જિદ ઈદગાહ વિસ્તારમાં આતંકીઓએ સુરક્ષાદળો પર ગ્રેનેડ હુમલો કર્યો છે. મળતી જાણકારી મુજબ હુમલામાં એક સામાન્ય નાગરિક અને એક પોલીસકર્મી ઘાયલ થયા છે. થોડા સમયથી કાશ્મીરમાં ટાર્ગેટ કિલિંગ અને સામાન્ય લોકો પર હુમલા વધી રહ્યા છે.

જાણકારી મુજબ પોલીસકર્મી રજા પર હતા, અધિકૃત સુત્રો મુજબ સંદિગ્ધ આતંકીઓએ CRPFની 161 બટાલિયન કેમ્પની પાસે ગ્રેનેડ ફેંક્યો, જેમાં પોલીસકર્મી અને સામાન્ય નાગરિક ઘાયલ થઈ ગયા. હુમલામાં ઘાયલ નાગરિકની ઓળખ એજાજ અહમદ ભટ તરીકે થઈ છે. જે હવાલનો રહેવાસી છે, જ્યારે પોલીસકર્મીનું નામ સજ્જાદ અહમદ ભટ છે, જે નરવરા ઈદગાહનો રહેવાસી છે, બંનેને SHMS હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. નાગરિકના મોઢા પર ઈજા થઈ છે, જ્યારે પોલીસકર્મીના હાથ અને પગમાં ઈજા પહોંચી છે.

સતત થઈ રહ્યા છે આતંકી હુમલા

ઘાટીમાં છેલ્લા થોડા સમયમાં આતંકી સામાન્ય નાગિરકોને નિશાનો બનાવવામાં લાગ્યા છે. ટાર્ગેટ કિલિંગ ખુબ જ વધી ગયું છે. ગયા સોમવારથી ફરીથી સામાન્ય નાગરિકોને નિશાનો બનાવવામાં આવ્યા છે. હુમલા બાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા પણ સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું. પોલીસ મુજબ આ હુમલો જુના શ્રીનગરના એક વિસ્તારમાં થયો હતો.

કાશ્મીરી પંડિતને આપવામાં આવી ધમકી

જે વ્યક્તિની હત્યા કરવામાં આવી, તે કાશ્મીરી પંડિત સંદીપ માવાના સ્ટાફનો હતો. માવાએ જણાવ્યું કે તેને ચેતવણી આપવામાં આવી હતી કે તે દુકાન છોડીને ચાલ્યો જાય, તેમને પોલીસ તરફથી ફોન આવ્યો હતો અને સંભવિત હુમલા વિશે જણાવવામાં આવ્યું હતું. માવાએ જણાવ્યું કે સાંજે દુકાન જલ્દી બંધ કરી તેમનો સેલ્સમેન કારમાં સવાર થઈ ગયો પણ તેને ગોળી મારી દેવામાં આવી. એવું માનવામાં આવી રહ્યું છે કે આતંકીઓએ ગાડીમાં સવાર સેલ્સમેનને માવા સમજી લીધો હતો.

કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય

કાશ્મીરમાં સતત થઈ રહેલા હુમલાની વચ્ચે સેના લાંબા સમયથી સર્ચ ઓપરેશન ચલાવી રહી છે. તેની વચ્ચે કેન્દ્ર સરકારે પણ મોટો નિર્ણય લીધો છે. સુરક્ષા વ્યવસ્થાને મજબૂત કરવા માટે ઘાટીમાં CRPFની વધુ 5 કંપનીઓ તૈનાત કરવામાં આવશે. છેલ્લા થોડા સમયમાં સામાન્ય લોકોની હત્યાઓ બાદ 25 કંપનીઓ જમ્મૂ કાશ્મીરમાં મોકલવામાં આવી ચૂકી છે.

(10:00 pm IST)