Gujarati News

Gujarati News

News of Wednesday, 10th November 2021

ભાગી ગયેલી પરીણિતા પૈસા ખલાસ થતાં પાછી ફરી

મધ્યપ્રદેશના ઈન્દોરની ચર્ચાસ્પદ ઘટના : પ્રેમી સાથે ૪૩ લાખ લઈને ભાગેલી મહિલા પૈસા ખલાસ થતાં પતિ સાથે રહેવા તૈયાર, પતિ પણ સ્વીકારવા રાજી

ઈન્દોર, તા.૧૦ : મધ્યપ્રદેશના ઈન્દોર શહેરના ખજરાના વિસ્તારમા રહેતી ૪૫ વર્ષીય મહિલા થોડા સમય પહેલા પોતાનાથી ૧૩ વર્ષ નાના પ્રેમી સાથે ઘરેથી ૪૩ લાખ રુપિયા લઈને ભાગી ગઈ હતી. મહિલા સોમવારે મોડી રાત્રે પોતાના ઘરે પાછી ફરી હતી. મહિલાએ મોડી રાતે ખજરાના પોલીસ સ્ટેશન પહોંચીને પોતાનું નિવેદન નોંધાવ્યું છે. મહિલાનું કહેવું છે કે તે પોતાના પતિ સાથે રહેવા માંગે છે. મહિલાનો પતિ પણ તેને સાથે રાખવા માટે તૈયાર છે. આ કેસમાં પોલીસ અગાઉ ૩૩ લાખ રુપિયા પાછા મેળવી ચૂકી છે. મહિલાનો પ્રેમી રિક્ષાચાલક હજી પણ ફરાર છે. પોલીસ તેની શોધ કરી રહી છે. આખી ઘટના ખજરાના પોલીસ સ્ટેશન વિસ્તારની છે. ૧૩મી ઓક્ટોબરના રોજ આ વિસ્તારના પ્રોપર્ટી બ્રોકરની પત્ની પોતાનાથી ૧૩ વર્ષ નાના ઓટો ડ્રાઈવર સાથે ઘરેથી ૪૩ લાખ રુપિયા લઈને ભાગી ગઈ હતી. આરોપીએ ૩૩ લાખ રુપિયા પોતાના બે મિત્રોને આપી દીધા હતા. કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તેના બે મિત્રો રિતેશ ઠાકુર અને ફુરકાનની પોલીસે ધરપકડ કરી હતી અને પૈસા પાછા મેળવ્યા હતા. પોલીસે મહિલા અને રિક્ષાચાલકની ધરપકડ કરવા માટે અનેક સ્થળોએ તપાસ કરી હતી, પરંતુ તેઓ પોલીસને નહોતા મળી શક્યા. પોલીસ દ્વારા પ્રાપ્ત જાણકારી અનુસાર, સોમવારે મોડી રાત્રે મહિલા ખજરાના પોલીસ સ્ટેશન પહોંચી હતી. પોલીસે કલાકો સુધી તેની પૂછપરછ કરી હતી. મહિલાએ જણાવ્યું કે, તેણે ઘરેથી પૈસા લીધા હતા અને પછી એક ટેક્સી ભાડે કરી હતી. આ ટેક્સીમાં બેસીને તે પ્રેમી સાથે પીથમપુર ગઈ હતી. ત્યારપછી તેઓ જાવરા, શિરડી, લોનાવાલા, ખંડાલા, નાસિક, વડોદરા અને સુરતના અનેક વિસ્તારોમાં ફરતા રહ્યા. પૈસા પૂરા થઈ ગયા તો એક મહિના પછી પ્રેમિકા પાછી આવી ગઈ છે. મહિલાએ પોલીસને જણાવ્યું કે પતિની હેરાનગતિથી કંટાળીને તે ઘરેથી ભાગી ગઈ હતી, પરંતુ હવે તે પતિ સાથે રહેવા માંગે છે. હવે પતિ પણ પત્નીને સાથે રાખવા માંગે છે. સીએસપી જયંત રાઠોરે જણાવ્યું કે, મહિલા પોતાની સાથે જે ઘરેણાં લઈને ગઈ હતી તે પાછી લઈને આવી છે. મહિલા જે પૈસા લઈને ગઈ હતી તે પૂરા થઈ ગયા છે. મહિલા સારા પરિવારની છે. ઓટો ડ્રાઈવરની શોધ હજી પણ ચાલુ છે.

(7:43 pm IST)