Gujarati News

Gujarati News

News of Wednesday, 10th November 2021

ફાલ્ગુની નાયર વિશ્વના સૌથી ધનિક સેલ્ફ મેડ મહિલા

બ્યુટી અને ફેશન સ્ટાર્ટ અપ નાયકાના આઈપીઓનું લિસ્ટિંગ થયું : નાયકાના શેરમાં ૯૦ ટકા સુધીની તેજી જોવા મળી, તેના કારણે ફાલ્ગુની નાયરની સંપત્તિમાં ધરખમ વધારો થયો

નવી દિલ્હી, તા.૧૦ : બ્યુટી અને ફેશન સ્ટાર્ટ અપ નાયકાના આઈપીઓનુ આજે લિસ્ટિંગ થયુ છે અને તે સાથે જ આ કંપનીના સ્થાપક ફાલ્ગુની નાયર દેશ અને દુનિયાના સૌથી ધનિક સેલ્ફ મેડ મહિલાઓના લિસ્ટમાં આવી ગયા છે. લિસ્ટિંગ બાદ નાયકાના શેરમાં ૯૦ ટકા સુધીની તેજી જોવા મળી છે અને તેના કારણે ફાલ્ગુની નાયરની સંપત્તિમાં ધરખમ વધારો થયો છે.કારણકે આ કંપનીના લગભગ ૫૪ ટકા શેર ફાલ્ગુની અને તેમના પતિ સંજય નાયર પાસે છે.સંજય નાયર પણ અમેરિકાની એક ઈક્વિટી ફર્મના ભારત ખાતેના સીઈઓ છે. ફાલ્ગુની નાયરની સંપત્તિ ૬.૫ અબજ ડોલર પર પહોંચી છે અને તેઓ દેશના સૌથી ધનિક સેલ્ફ મેડ મહિલા બની ગયા છે.ઝોમેટો અને સોના કોમસ્ટાર બાદ નાયકા આ વર્ષનો સૌથી મોટો ત્રીજો આઈપીઓ છે. લિસ્ટિંગ બાદ આ કંપનીનુ માર્કેટ કેપ ૧ લાખ કરોડ રુપિયા થઈ ગયુ છે.ફાલ્ગુનીએ ૨૦૧૨માં નાયકા શરુ કરી હતી.એ પછી નાયકાની એપ ૫.૫૮ કરોડ વખત ડાઉનલોડ થઈ ચુકી છે.કંપની પાસે દેશના ૪૦ શહેરોમાં ૮૦ સ્ટોર પણ છે. રસપ્રદ વાત એ છે કે, ફાલ્ગુની નાયર પોતે બેક્નર રહી ચુકયા છે અને તેમણે આ દરમિયાન ભારતીય કંપનીઓને ઈન્વેસ્ટમેન્ટ અપાવવા માટે મદદ કરી હતી.૫૦ વર્ષની વયે તેમણે નોકરી છોડી દીધી હતી અને નાયકાની સ્થાપના કરી હતી.આજે તેમની કંપની દેશની બ્યુટી પ્રોડક્ટની ટોપ ઈ કોમર્સ સાઈટ્સમાં સામેલ છે.

 

(7:35 pm IST)