Gujarati News

Gujarati News

News of Wednesday, 10th November 2021

ભારત અન્યોને મદદ કરે છે પણ દેવાદાર નથી બનાવતો

ભારત-ચીન તણાવની અસર યુએમાં પણ જોવા મળી : યુએનની સિક્યુરિટી કાઉન્સિલની બેઠકમાં ભારતના વિદેશ રાજ્ય મંત્રીએ ચીન પર આડકતરો પ્રહાર કર્યો

ન્યુયોર્ક, તા.૧૦ : ભારત અને ચીન વચ્ચે સરહદ પર ચાલી રહેલા તનાવની વચ્ચે યુએનમાં પણ તેની અસર દેખાઈ રહી છે. યુએનની સિક્યુરિટી કાઉન્સિલની બેઠકમાં ભારતે ચીનને ટોણો મારીને કહ્યુ હતુ કે, ભારતે વૈશ્વિક એકતાને પ્રોત્સાહન આપવાનો પ્રયાસ કર્યો છે.ભારત બીજા દેશોને સહાય કરે છે પણ તેમને દેવાદાર બનાવતુ નથી. ભારતના વિદેશ રાજ્ય મંત્રી ડો.રાજનકુમાર રંજન સિંહે કહ્યુ હતુ કે, પાડોશી દેશોને પ્રાથમિકતા આપવાની નીતિ હોય કે આફ્રિકન દેશોને ભાગીદાર બનાવવાની નીતી હોય પણ હંમેશા ભારતનો પ્રયાસ એવો રહ્યો છે કે, તમામ દેશોને ભારત સશક્ય બનાવવા માટે મદદ કરે અને ભવિષ્યમાં પણ ભારત આ જ નીતિ પર કામ કરતુ રહેશે. ભારત વતી ડો.રાજનકુમાર સિંહે કહ્યુ હતુ કે, ભારત બીજા દેશોની નિર્માણ ક્ષમતા વધારવા માટે અને ત્યાં રોજગાર પેદા થાય તેના પર ધ્યાન આપતુ હોય છે અને કોઈ દેશને દેવાદાર બનાવવા જેવી સ્થિતિ પેદા કરતુ નથી.દુનિયામાં શાંતિ અને સુરક્ષા માટે તમામ દેશોને સાથે લઈને ચાલવાના પ્રયાસો જરુરી છે. ઉલ્લેખનીય છે કે, ચીનની નીતિ બીજા દેશોને સહાયના નામે લોન આપવાની અને પછી દેવાદાર બનાવવાની રહી છે.જેને લઈને ભારતે આ બેઠકમાં ચીન પર કટાક્ષ કર્યો હતો.

(7:32 pm IST)