Gujarati News

Gujarati News

News of Wednesday, 10th November 2021

2002 કોમી રમખાણમાં નરેન્‍દ્રભાઇને ક્‍લિનચીટ મુદ્દે જાકિયા જાફરીનો આક્ષેપઃ સીટએ તપાસમાં પ્રક્રિયાનું પાલન કર્યું નથી, આખી ઘટનામાં સીડીઆરની તપાસ કરી નથી કે સાક્ષીઓ સાથે વાત નથી કરી

કપિલ સિબ્‍બલે ભાવુક થઇને અનેક સવાલો ઉઠાવ્‍યા

Photo: SC

નવી દિલ્હી: વર્ષ 2002 રમખાણમાં ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને ક્લીનચિટ વિરૂદ્ધ અરજી મામલે જાકિયા જાફરીએ SITની તપાસ પર સવાલ ઉઠાવ્યા છે. સુપ્રીમ કોર્ટમાં જાકિયા જાફરીએ કહ્યુ કે SITએ તપાસમાં પ્રક્રિયાનું પાલન કર્યુ નથી. જાકિયા તરફથી કપિલ સિબ્બલે કહ્યુ કે આ આખી ઘટનામાં SITએ CDRની તપાસ કરી નથી, સાક્ષીઓ સાથે વાત કરી નથી, ફોનની તપાસ કરી નથી. અંતે ક્યા આધાર પર ક્લોઝર રિપોર્ટ દાખલ કરવામાં આવ્યો. ગુલબર્ગા સોસાયટીની ઘટનામાં વિસ્ફોટક લાવવા અને ઉપયોગ કરનારાઓ વિરૂદ્ધ કોઇ કાર્યવાહી કરવામાં નથી આવી. જો SIT ગુલબર્ગા મામલાને જોઇ રહી હતી તો SIT તમામ કેસને કેમ જોઇ રહી હતી?

SIT તરફથી મુકુલ રોહતગીએ અરજી કરનારની દલીલોને ફગાવતા કહ્યુ કે આ મામલે કરવામાં આવેલી ફરિયાદ પર તપાસમાં એવુ કઇ મળ્યુ નથી, જેના આધાર પર આ તપાસને આગળ વધારવામાં આવે, જે બાદ SITએ ક્લોઝર રિપોર્ટ દાખલ કરી દીધો હતો.

સિબ્બલે કહ્યુ કે NHRC તરફથી દાખલ અરજીને જોઇએ તો સ્પષ્ટ થાય છે કે SITનો અર્થ ગુલબર્ગા જ નહતો. ધાર્મિક ભાવનાઓ ભડકાવીને લોકો પોતાની સત્તા માટે ઉપજાઉ માટી તૈયાર કરે છે. ધાર્મિક ભાવનાઓ ભડકાવનારી આવી ઘટનાઓ જ્વાળામુખીના લાવા જેવી હોય છે. જ્યા પણ લાવા જાય છે ત્યા બધુ સળગી જાય છે. આવી ઘટનાઓ ભવિષ્ય માટે વેરભાવની જમીન તૈયાર કરે છે. ભાવુક થતા સિબ્બલે કહ્યુ કે આવી જ ઘટનામાં પાકિસ્તાનમાં તેમણે પોતાના નાના-નાનીને ગુમાવી દીધા હતા.

સિબ્બલે કહ્યુ જ્યારે આ કેસની ફરિયાદ કોર્ટે દાખલ કરી તો તે બાદ કોર્ટે કહ્યુ ઘટનાની તપાસ કરો. આરોપી પર કેસ ચલાવવા અથવા ક્લોઝર રિપોર્ટ દાખલ કરો. તે બાદ કેસની તપાસ સીલબંધ રિપોર્ટ દ્વારા રજૂ કરવામાં આવી હતી.

પીઠમાં સામેલ જસ્ટિસ એએમ ખાનવિલકરે કહ્યુ કે અમે તેની પર વાત કરીએ કે SITએ પોતાના રિપોર્ટમાં કહ્યુ કે આ મામલે એવુ કઇ નથી જેમાં આગળ તપાસ કરવામાં આવે, ત્યારે મેજિસ્ટ્રેટે પણ આ મામલે તપાસને આગળ વધારવાના આદેશ આપ્યા નહતા. જસ્ટિસ ખાનવિલકરે કહ્યુ કે તમારૂ કહેવુ છે કે આ મામલે કલમ 161 હેઠળ નિવેદન નોંધવામાં આવ્યા નથી, માત્ર પ્રાથમિક તપાસ કરવામાં આવી છે.

સિબ્બલે કહ્યુ કે અમારી વિરોધ અરજી છતા મેજિસ્ટ્રેટે તેની પર કોઇ કાર્યવાહી કરી નથી. જ્યારે અમે પોતાની વિરોધ અરજીમાં ખાનગી ચેનલના સ્ટિંગના કેટલાક ભાગનો ઉલ્લેખ પણ કર્યો હતો. આટલુ જ નહી અમારો વિષય છે જેની પર અમે વાત કરી રહ્યા છીએ. જ્યાર સુધી તમે પૂરાવાની તપાસ નહી કરો ત્યાર સુધી કોઇ પણ કોર્ટ, પછી મેજિસ્ટ્રેટ હોય કે હાઇકોર્ટ હોય કે સુપ્રીમ કોર્ટ તેની પર નિષ્કર્ષ પર પહોચી શકતી નથી કે ષડયંત્ર હતુ કે નહતુ. 1984ના શિખ વિરોધી રમખાણની તપાસ ચાલુ છે.

જાકિયા જાફરી સ્વર્ગીય કોંગ્રેસ સાંસદ અહેસાન જાફરીની પત્ની છે, જેમની અમદાવાદમાં ગુલબર્ગ સોસાયટીમાં હત્યા કરવામાં આવી હતી. ગત સુનાવણી દરમિયાન જાકિયા જાફરી તરફથી હાજર રહેલા કપિલ સિબ્બલે કહ્યુ હતુ કે તપાસ એજન્સીઓએ ગુજરાત રમખાણ મામલે આરોપીઓની મદદ કરી હતી.

(5:59 pm IST)