Gujarati News

Gujarati News

News of Wednesday, 10th November 2021

મુખ્‍યમંત્રી કાર્યકાળ દરમિયાન દેવેન્‍દ્ર ફડણવીસે અંડરવર્લ્‍ડના કેટલાક લોકોને મોટા પદ ઉપર બેસાડયા, નાગપુરના ગુંડા મુન્‍ના યાદવને કેમ પદ આપ્‍યુ ? એનસીપીના નેતા નવાબ મલિકના સવાલો

તેમના ઇશારે આખા મહારાષ્‍ટ્રમાં વસુલીનું કામ થતુ હોવાના આક્ષેપો

મુંબઇ: NCPના સીનિયર નેતા અને મહારાષ્ટ્રમાં મંત્રી નવાબ મલિક અને પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ વચ્ચે વાર પલટવાર ચાલુ છે. નવાબ મલિકે પત્રકાર પરિષદ કરી દેવેન્દ્ર ફડણવીસના આરોપનો જવાબ આપ્યો છે. નવાબ મલિકે કહ્યુ કે દેવેન્દ્ર ફડણવીસ હજારો કરોડની વસૂલીમાં સામેલ છે અને તેમણે મુખ્યમંત્રી રહેતા અંડરવર્લ્ડના લોકોને મોટા પદ પર બેસાડ્યા છે. નવાબ મલિકે કહ્યુ કે એનસીબીના ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડે સાથે ફડણવીસના સારા સબંધ છે, માટે તે તેમણે બચાવવાનું કામ કરી રહ્યા છે.

ફડણવીસે અંડરવર્લ્ડના કેટલાક લોકોને પદો પર બેસાડ્યા- નવાબ મલિક

નવાબ મલિકે કહ્યુ કે મુખ્યમંત્રી કાર્યકાળ દરમિયાન દેવેન્દ્ર ફડણવીસે અંડરવર્લ્ડના કેટલાક લોકોને પદો પર બેસાડ્યા છે. મલિકે પૂછ્યુ, “નાગપુરના ગુંડા મુન્ના યાદવને પદ કેમ આપ્યુ? ફડણવીસે બાંગ્લાદેશી હૈદર આઝમને ભારતીય નાગરિક બનાવવાનું કામ કર્યુ અને તેમણે પદ આપ્યુ.” મલિકે પૂછ્યુ, “તમારા ઇશારા પર આખા મહારાષ્ટ્રમાં વસૂલીનું કામ થઇ રહ્યુ હતુ કે નહતુ થતુ? બિલ્ડરો પાસેથી વસૂલી થઇ રહી હતી કે નહતી થતી?”

નવાબ મલિકે આગળ કહ્યુ, “દેશમાં પાંચ વર્ષ પહેલા 8 નવેમ્બરે નોટબંધી થઇ. દેશમાં 2000 અને 500ની નકલી નોટ પકડાવા લાગી પરંતુ મહારાષ્ટ્રમાં એક વર્ષ સુધી રાજ્યમાં નકલી નોટનો એક પણ કેસ સામે આવ્યો નથી, કારણ કે ફડણવીસના પ્રોટેક્શનમાં નકલી નોટનું કામ ચાલી રહ્યુ હતુ. 8 ઓક્ટોબર 2017ના દિવસે BKCમાં DRIએ રેડમાં 14 કરોડ 56 લાખની નકલી નોટ પકડી પરંતુ દેવેન્દ્ર ફડણવીસે આ કેસને રદ કરી નાખ્યો હતો. નકલી નોટ ચલાવનારાઓને સરકારનું સંરક્ષણ હતુ.

દેવેન્દ્ર ફડણવીસ જણાવે કે રિયાજ ભાટી કોણ છે- નવાબ મલિક

નવાબ મલિકે કહ્યુ, “ફડણવીસ જણાવે કે રિયાજ ભાટી કોણ છે? તે નકલી પાસપોર્ટ સાથે પકડાયો હતો, રિયાજ તમારી સાથે તમામ કાર્યક્રમમાં કેમ નજરે પડે છે? તે દેશના વડાપ્રધાનના કાર્યક્રમમાં કેવી રીતે જાય છે? રિયાજ ભાટીએ વડાપ્રધાન સાથે તસવીર ખેચાવી. નવાબ મલિકે કહ્યુ, ફડણવીસે નકલી નોટ કેસને નબળો પાડવા અને હાજી અરાફાતના ભાઇને બચાવવાનું કામ કર્યુ છે.

(5:57 pm IST)