Gujarati News

Gujarati News

News of Wednesday, 10th November 2021

દલિત હોવાના કારણે કલેકટર મને મળતા નથી અને મારી વાત સાંભળતા નથીઃ મધ્‍યપ્રદેશના ભાજપના ધારાસભ્‍ય રાજેશ પ્રજાપતિ કલેકટર વિરૂદ્ધ ધરણા ઉપર ઉતર્યા

કલેકટર મળ્‍યા વગર જ પોતાના બંગલે જતા રહ્યાનો આક્ષેપ

ભોપાલ: મધ્ય પ્રદેશમાં ભાજપના ધારાસભ્ય રાજેશ પ્રજાપતિ કલેક્ટર વિરૂદ્ધ ધરણા પર બેસી ગયા છે. પોતાની જ શિવરાજ સરકારમાં અધિકારી વિરૂદ્ધ ધરણા પર બેઠેલા રાજેશ પ્રજાપતિએ આરોપ લગાવ્યો કે કલેક્ટર તેમને મળી નથી રહ્યા, તેમણે કહ્યુ કે દલિત હોવાને કારણે તેમની વાત સાંભળવામાં આવતી નથી.

કેમ નારાજ થયા ધારાસભ્ય?

મધ્ય પ્રદેશના ચંદલા વિધાનસભાના ધારાસભ્ય રાજેશ પ્રજાપતિએ આરોપ લગાવ્યો કે તે 9 નવેમ્બરે સાંજે 5 વાગ્યાથી કલેક્ટરને મળવાનો પ્રયાસ કરી રહ્યા છે, તેમણે કહ્યુ કે હું પોતાની વિધાનસભાના કેટલાક મુદ્દાને લઇને તેમને મળવા માંગે છે પરંતુ તે મને નજરઅંદાજ કરી રહ્યા છે. તે બીજાને મળી રહ્યા છે પરંતુ મને મળતા નથી, એક દલિત ધારાસભ્યને કેમ સાંભળવામાં આવતા નથી.

શું છે આખી ઘટના?

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ધારાસભ્ય રાજેશ પ્રજાપતિ કલેક્ટર શીલેન્દ્ર સિંહને સાંજે પાંચ વાગ્યે મળવા પહોચ્યા હતા પરંતુ તે સમયે મુખ્યમંત્રી સાથે અધિકારીઓની મીટિંગ હતી તો તેમણે કહેવામાં આવ્યુ કે મીટિંગ બાદ કલેક્ટર તેમને મળશે પરંતુ ધારાસભ્યનો આરોપ છે કે કલેક્ટર મળ્યા વગર જ પોતાના બંગલા માટે નીકળી ગયા હતા.

તે બાદ ધારાસભ્ય શીલેન્દ્ર સિંહના બંગલા પર ગયા હતા જ્યા ગાર્ડે તેમણે કહ્યુ કે કલેક્ટર સાહેબ બંગલા પર નથી. ધારાસભ્યએ કહ્યુ કે તે સમયે છતરપુર આરટીઓ બંગલાથી બહાર નીકળી રહ્યા હતા જેમણે જણાવ્યુ કે કલેક્ટર શીલેન્દ્ર સિંહ અંદર જ છે. જેનાથી ધારાસભ્ય રાજેશ પ્રજાપતિ નારાજ થઇ ગયા હતા અને બંગલા બહાર જ ધરણા પર બેસી ગયા હતા.

પોતાની સરકારમાં અધિકારી વિરૂદ્ધ ધરણા પર બેઠેલા ધારાસભ્યએ આરોપ લગાવ્યો કે દલિત હોવાને કારણે તેમની સાથે આવો વ્યવહાર કરવામાં આવી રહ્યો છે જેને લઇને તેમણે ભાજપ પ્રદેશ અધ્યક્ષ વીડી શર્મા સાથે વાત કરી છે અને તેમણે કલેક્ટરને વાત કરવાની વાત કહી છે. પ્રજાપતિએ પોતાના ફેસબુક પેજ પર લાઇવ દરમિયાન કહ્યુ કે જો મારો ફોન જ કલેક્ટર ઉઠાવી નથી રહ્યા તો પછી તે કોની સાથે વાત કરતા હશે, તેમણે કહ્યુ કે આવા કલેક્ટરને હટાવવામાં આવે અને સજા કરવામાં આવે.

(5:54 pm IST)