Gujarati News

Gujarati News

News of Wednesday, 10th November 2021

જીનપીંગના ત્રીજા સત્તાકાળમાં ભારત-ચીન જંગ થશે? આંતરરાષ્ટ્રીય રાજનીતિમાં શું અસર થશે?

નવી દિલ્હી, તા., ૧૦: ચીનમાં સતાધારી કોમ્યુનીસ્ટ પાર્ટીની કોંગ્રેસની બેઠક ઉપર દુનિયાની નજર સ્થિર થઇ છે. તેનું મોટુ કારણ એ છે કે આ બેઠકમાં એક વખત ફરી ચીનના રાષ્ટ્રપતિ જીનપીંગને ત્રીજી વખત દેશનું સુકાન સોંપવામાં આવશે. તેમને કોમ્યુનીસ્ટ પાર્ટીના મહાસચિવ બનાવવાનું નક્કી છે. ચીનની કોમ્યુનીસ્ટ પાર્ટીના ઇતિહાસમાં કોઇ પણ વ્યકિત ત્રીજી વખત રાષ્ટ્રપતિ બનતા હોય તેવો અવસર પહેલો છે. જો જીનપીંગ ચીનના રાષ્ટ્રપતિ બન્યા તો દુનિયા ઉપર તેની શું અસર થશે ?  ભારત, અમેરીકા અને તાઇવાનના સંબંધો ઉપર તેનો શું પ્રભાવ પડશે? આંતરરાષ્ટ્રીય રાજનીતિમાં તેની કેવી અસર પડશે ?  આ બધા પ્રશ્નો વિષે તજજ્ઞ પ્રોફેસર હર્ષ વી.પંત (ઓર્બ્ઝવર રીસર્ચ ફાઉન્ડેશન, નવી દિલ્હી, અધ્યાયન અને સામાજીક અધ્યાયન કાર્યક્રમના પ્રમુખ) શું કહે છે... ચાલો જાણીએ.

જીનપીંગ ત્રીજી વખત રાષ્ટ્રપતિ શા માટે ?

જીનપીંગ ત્રીજા કાર્યકાળ માટે નામીત થશે. આ માટે કોમ્યુનીસ્ટ પાર્ટીએ પોતાની ભુમીકા બનાવી લીધી છે. જીનપીંગના ૯ વર્ષના શાસનકાળને ચીનમાં વિકાસ અને મહાશકિત રૂપે રજુ કરવામાં આવી રહયું છે. એટલું જ નહિ જીનપીંગની તુલના માઓત્સે તુંગ અને દેંગ શીયા ઓપીંગ સાથે કરવામાં આવી રહી છે. જીનપીંગને એક યુગાન્તકારી નેતાના રૂપમાં પ્રસ્તૃત કરવામાં આવી રહયા છે. જેને લઇને જીનપીંગનું ફરી સતામાં આવવું નક્કી છે.

ચીની રાષ્ટ્રપતિના કાર્યકાળને તમે કયા રૂપમાં જુઓ છો ?

જીનપીંગે ખૂબ ચતુરાઇથી કોરોના મહામારી દરમ્યાન ઉદ્ભવેલી બેરોજગારી, ગરીબી અને આર્થિક સમસ્યાઓથી પ્રજાનું ધ્યાન બીજી તરફ ખેંચ્યું છે. અમેરીકા, તાઇવાન અને ભારત સાથેના સીમા વિવાદ ઉપર પ્રજાનું ધ્યાન ખેંચ્યે રાખ્યું છે. જયારે કોરોના મહામારી કાળમાં પુરી દુનિયા વાયરસ સામે સંઘર્ષ કરી રહી હતી એ વખતે ચીન ભારત સાથે સીમા વિવાદમાં ગંુચવાયેલું હતું. જીનપીંગ સતત અમેરીકાને પડકારી રહયા હતા. તેઓ તાઇવાનને ચીનમાં ભેળવી દેવા સૈન્ય શકિતનું પ્રદર્શન કરી રહયા હતા. તેઓ ચીનની જનતામાં રાષ્ટ્રવાદની ભાવના વિકસીત કરી રહયા હતા. છેલ્લા બે વર્ષમાં ચીને સીમા વિવાદને સૌથી વધુ મહત્વ આપ્યું છે. તેનું સૌથી મોટુ કારણ દેશની જનતાનું ધ્યાન ગરીબી, બેકારી અને આર્થિક સમસ્યાઓથી બીજી બાજુ દોરવાનું હતું.

જીનપીંગ ફરી સતામાં આવશે તો ભારત સાથે તણાવ વધશે?

નિશ્ચિતરૂપથી જીનપીંગના કાર્યકાળ દરમિયાન ભારત સાથેના કાર્યકાળમાં કોઇ બદલાવ આવશે નહી. જીનપીંગ પહેલા કરતા નવા સતાકાળમાં વધુ આક્રમક રીતે ભારત સાથે વર્તી શકે છે. તેઓ વિસ્તારવાદી નીતીને આક્રમક રૂપથી આગળ વધારવાની રણનીતી બનાવી શકે છે. જેનો તેમને રાજનીતીક લાભ પણ દેખાઇ રહયો છે. આમ કરીને તેઓ પોતાના દેશની મોટી સમસ્યાઓ તરફથી લોકોનું ધ્યાન ભટકાવી શકે છે. પોતાને યુગાન્તકારી નેતાના રૂપમાં સ્થાપીત કરવા માટે કોઇ પણ સીમા પાર કરી શકે છે. તેઓ એવું દેખાડવા પ્રયાસ કરી શકે છે કે તેમના કાર્યકાળ દરમિયાન ભારત, ચીન સીમા વિવાદ વકર્યો છે.

શું તેમની આક્રમક નીતીના પરીણામે ભારત સાથે યુધ્ધ થશે?

મારા ખ્યાલથી ચીન વર્તમાન સ્થિતિમાં કોઇ દેશ સાથે યુધ્ધ નહિ ઇચ્છે. ખરેખર ચીનમાં જેવું દેખાઇ છે તેવું હોતું નથી. કોરોના મહામારી પછી ચીન સમક્ષ કેટલાય આંતરીક પડકારો ઉભા થયા છે. જીનપીંગની પહેલી પ્રાથમીકતા પોતાની સામેના પડકારોનું નિરાકરણ કરવાનું હશે. આ વચ્ચે જીનપીંગ કોઇ દેશ સાથે યુધ્ધ કરવાની સ્થિતિમાં નહિ હોય. તેઓ સારી રીતે સમજે છે કે હવે આ યુધ્ધ ૧૯૬ર ના ભારત-ચીન યુધ્ધ જેવું નહિ હોય. તેનો વિસ્તાર વ્યાપક અને વિનાશકારી હશે. તેઓ એ પણ જાણે છે કે કોઇ પણ લડાઇ દેશને ખુબ પાછળ લઇ જાય છે. આવામાં જીનપીંગની પોતાની સૈન્ય ક્ષમતાનું પ્રદર્શન કરી ભારત અને તાઇવાન ઉપર દબાણ બનાવી શકે છે.

શું તાઇવાનને લઇને ચીન-અમેરીકા વચ્ચે જંગ થશે?

તાઇવાનને લઇને જીનપીંગ અમેરીકા સાથે કયારેય જંગ નહિ ઇચ્છે. આ મામલામાં તેમની રણનીતી એકદમ અલગ છે. હોંગકોંગના મામલામાં અમેરીકા સહિત તમામ યુરોપીયન દેશોના વિરોધ છતા જીનપીંગ લોકતંત્ર સમર્થકોને કાબુમાં રાખવામાં સફળ રહયા છે. જીનપીંગ રાષ્ટ્રીય સુરક્ષા કાનુન હોંગકોંગમાં લાગુ કરવામાં સફળ રહયા છે. ચીન આ નીતી ઉપર કામ કરશે. ચીનના નવા સીમાકાનુનને આ કડીના રૂપમાં જોડીને જોવું જોઇએ. ચીન રાષ્ટ્રપતિ આ રણનીતી સાથે તાઇવાનમાં પણ કામ કરી રહયા છે. તાઇવાનના બહાને ચીન પોતાની સૈન્ય ક્ષમતાનું પ્રદર્શન કરી અમેરીકા અને તેમના અન્ય સહયોગી ઉપર મોટુ દબાણ બનાવી રહયા છે. તાઇવાનને લઇને અમેરીકા સાથે જીનપીંગ કદી યુધ્ધ ઇચ્છશે નહિ તે અમેરીકા પણ જાણે છે.

(3:52 pm IST)