Gujarati News

Gujarati News

News of Wednesday, 10th November 2021

ડોભાલની બેઠકથી પાકિસ્તાન રઘવાયુ બન્યું

અફઘાનીસ્તાન પર તાબડતોબ બેઠક બોલાવી : કુરેશી - યુસુફ કરશે અધ્યક્ષતા

નવી દિલ્હી તા. ૧૦ : અફઘાનિસ્તાન મુદ્દે પ્રાદેશિક દેશો સાથે ભારત દ્વારા યોજાનારી બેઠક વચ્ચે પાકિસ્તાન પણ આ માટે તૈયારી કરી રહ્યું છે. પાકિસ્તાને કહ્યું છે કે તે અફઘાનિસ્તાન મુદ્દે ચર્ચા કરવા માટે અમેરિકા, ચીન અને રશિયાના વરિષ્ઠ રાજદ્વારીઓની યજમાની કરશે. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહેમૂદ કુરેશી અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર મોઈદ યુસુફ 'ટ્રોઇકા પ્લસ' બેઠકની અધ્યક્ષતા કરશે.

પાકિસ્તાની અખબારના અહેવાલ મુજબ રશિયા, અમેરિકા, ચીન અને પાકિસ્તાનના પ્રતિનિધિઓ અફઘાનિસ્તાનના વિદેશ મંત્રી અમીર ખાન મુત્ત્।ાકીને પણ મળશે. અહેવાલો અનુસાર મુત્ત્।કી ૧૦ નવેમ્બરે ઈસ્લામાબાદ પહોંચી રહ્યા છે.

આ વાતચીત એવા સમયે થઈ રહી છે જયારે ભારતે અફઘાનિસ્તાન મુદ્દે ઘણા દેશો સાથે વાતચીત કરી છે. આ બેઠકમાં પાકિસ્તાન અને ચીનને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું પરંતુ બંને દેશોએ આવવાની ના પાડી દીધી હતી. એવા સમયે જયારે તાલિબાન આંતરરાષ્ટ્રીય માન્યતા મેળવવા માંગે છે ત્યારે આ બેઠક મહત્વપૂર્ણ બની શકે છે. જો કે પાકિસ્તાને હજુ સુધી તાલિબાન સરકારને માન્યતા આપી નથી, તે તાલિબાન શાસનને માન્યતા અપાવવા માટે સતત ફ્રન્ટ ફુટ પર રમી રહ્યું છે. રશિયા અને અમેરિકા જેવા દેશો તાલિબાનને માન્યતા આપવાની કોઈ ઉતાવળમાં નથી. આ દેશોએ કહ્યું છે કે જયાં સુધી તાલિબાન તેમનું વચન પૂરું નહીં કરે ત્યાં સુધી માન્યતાનો કોઈ અર્થ નથી.

આ બેઠક અંગે પાકિસ્તાનના અધિકારીનું કહેવું છે કે ટ્રોઇકા પ્લસ અફઘાન અધિકારીઓ સાથે જોડાણ માટે એક મહત્વપૂર્ણ પ્લેટફોર્મ છે. તે સમાવેશી સરકાર માટે સમર્થન વ્યકત કરશે. અમે અફઘાનિસ્તાનમાં માનવ અધિકારો, ખાસ કરીને મહિલાઓના અધિકારોના રક્ષણ અંગે ચર્ચા કરીશું.

કાબુલ પર તાલિબાનોના કબજા બાદ ટ્રોઈકા પ્લસની આ પ્રથમ બેઠક છે. આ ફોર્મેટની છેલ્લી બેઠક ઓગસ્ટની શરૂઆતમાં દોહામાં યોજાઈ હતી. રશિયા દ્વારા ૧૯ ઓકટોબરે મોસ્કોમાં બીજી બેઠક બોલાવવામાં આવી હતી, પરંતુ યુએસએ લોજિસ્ટિકસને ટાંકીને તેમાં ભાગ લીધો ન હતો.

(3:23 pm IST)