Gujarati News

Gujarati News

News of Wednesday, 10th November 2021

૩૧૦ કરોડનું ૬૦ કિલો ડ્રગ્સ ઝડપાયુ

તાજેતરમાં મુંદ્રા ખાતેથી ૨૧૦૦૦ કરોડથી વધુની કિંમતનું ડ્રગ્સ ઝડપાયા બાદ હવે દેવભુમી દ્વારકા પંથકમાંથી કેફી દ્રવ્ય ઝડપાતા ખળભળાટઃ તપાસ એજન્સીઓનો ધમધમાટ : દરીયાઈ માર્ગે ડ્રગ્સ ઘુસાડવાના ષડયંત્રનો પર્દાફાશઃ ખંભાળિયા - સલાયા હાઈવે ઉપર જિલ્લા પોલીસ વડા સુનિલ જોશીની આગેવાનીમાં એલસીબી અને એસઓજી ટીમના દરોડાઃ એકની ધરપકડ

તસ્વીરમાં ડ્રગ્સ સાથે ઝડપાયેલ આરોપીને પોલીસ ટીમ પુછપરછ માટે લઇ જતી નજરે પડે છે. (તસ્વીરઃ કૌશલ સવજાણી-ખંભાળીયા)

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા, તા., ૧૦ : દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પોલીસની ટીમોએ દરોડા પાડીને ૩૧૦ કરોડનું ૬૦ થી ૬પ કિલો ડ્રગ્સ-હેરોઈન ઝડપી પાડતા ખળભળાટ મચી ગયો છે. ગુજરાતમાં દરીયાઈ રસ્તે ડ્રગ્સ ઘુસાડવાના રેકેટનો પર્દાફાશ થતા સનસનાટી મચી ગઈ છે.

તાજેતરમાં મુંદ્રા ખાતેથી ૨૧૦૦૦ કરોડથી વધુની કિંમતનું ડ્રગ્સ ઝડપાયા બાદ હવે દ્વારકા પંથકમાંથી કેફી દ્રવ્ય ઝડપાતા ખળભળાટ મચી ગયો છે. તપાસ એજન્સીઓએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

દ્વારકા પોલીસે ૬૦ થી ૬પ  કિલો ડ્રગ્સ જેની આંતરરાષ્ટ્રીય બજારમાં ૩૧૦ કરોડ કિંમત બોલાય છે. તે ઝડપી પાડતા ખળભળાટ મચી ગયો છે. આ બારામાં એક વ્યકિતની ધરપકડ થઇ હોવાનું જાણવા મળે છે અને તેની ઉંડાણપૂર્વક તપાસ હાથ ધરાઇ છે.

પ્રાપ્ત માહિતી મુજબ દેવભૂમિ દ્વારકા જિલ્લાના પોલીસ વડા સુનિલ જોશીની આગેવાનીમાં એલસીબી અને એસઓજી ટીમે ખંભાળીયા-સલાયા રોડ ઉપર દરોડો પાડયો હતો અને ૬૦ થી ૬પ કિલો ડ્રગ્સ-હેરોઈન ઝડપી પાડયુ હતું.

આજે બપોરે આ લખાય છે ત્યારે જીલ્લા પોલીસ વડા સુનિલ જોષી પત્રકાર પરીષદમાં સતાવાર માહીતી આપનાર છે.

આ દરોડો દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ ટીમ, એલસીબી, એસઓજી તથા બહારથી આવેલી એટીએસ ટીમે પણ પાડયો હોવાનું જાણવા મળ્યુ છે. દિવાળી બાદ પ્રથમ વખત ઓપરેશન હાથ ધરીને મોટા પ્રમાણમાં જથ્થો ઝડપાતા ભારે સનસનાટી મચી ગઈ છે. 

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અગાઉ સલાયા પાસેની એ. ટી. એસ. દ્વારા કરોડોનું હેરોઇન પકડાયું હતું જે પછી દ્વારકા જિ. પો. વડાશ્રી સુનિલ જોશી દ્વારા કચ્છનાં જખૌમાં કરોડોના ડ્રગ્ઝ પકડવામાં તેમણે તથા એસ. ઓ. જી. પી. આઇ. શ્રી પરમારે મહત્વની ભૂમિકા ભજવી હતી. તે પછી દરિયાઇ રસ્તે સલાયા વાડીનાર પંથકમાં ડ્રગ્ઝની હેરાફેરી થતી હોવાની બાતમી ઉપરથી ગઇકાલે રાત્રે જિ. પો. વડા સુનિલ જોશીની આગેવાની હેઠળ એલ. સી. બી. પી. આઇ. જે. એમ. ચાવડા તથા તેમની ટીમ તથા એસ. ઓ. જી. ની ટીમ દ્વારા અત્યંત ખાનગી રાહે ઓપરેશન પાર પાડીને એક વાહન સાથે ૬૦ થી ૬પ કિલો હેરોઇન જેની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત ૩૧૦ કરોડ થાય છે. તેની સાથે એક વ્યકિતને આબાદ રીતે પકડી પાડવામાં આવ્યો છે તથા તેની ઉંડી પુછપરછ હાથ ધરાઇ છે.

આ ડ્રગ્ઝ પકડવાનું ઓપરેશન અત્યંત ખાનગી રાખવામાં આવેલું તે દ્વારકા જિલ્લાના ત્રણ ડીવાયએસપી.ઓને પણ જાણ કરાઇ ના હતી. તથા તમામ અધિકારી કર્મચારીઓના ફોન સ્વીચ ઓફ કરાવીને આ મહત્વનું ઓપરેશન પાર  પાડવામાં  આવ્યું હતું જો કે રાત્રે જિ.પો.વડા સુનીલ જોશી ખુદ એસ.ઓ.જી. કચેરીએ જઇને આ કાર્યમાં જોડાયા હતા.

વધુ જથ્થાની સંભાવના

આંતર રાષ્ટ્રીય હેરોઇન ડ્રગ્ઝ સેટેમાં ૩૧૦ કરોડના જથ્થા સાથે પકડાયેલ એક શખ્શને પુછપરછ હાથ ધરીને પોલીસ દ્વારા વધુ કેટલોક જથ્થો મેળવવા પણ કસરત શરૂ કરવામાં આવી છે તથા જે આંતરરાષ્ટ્રીય ટોળકીએ આ કાર્ય કર્યુ તેમાં બીજો જથ્થો પણ પકડાય તેવી સંભાવના સાથે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

ડી.આઇ.જી.બપોરે ખંભાળિયામાં

૩૧૦ કરોડ રૂપિયાના આવડા મોટા ડ્રગ્ઝના જથ્થા સાથે એક વ્યકિત પકડાતા રાજકોટ રેંજ ડી.આઇ.જી. સંદિપસિંઘ આજે બપોરે ખંભાળિયા આવનાર છે.ને પત્રકારોને મળશે.

દેવભૂમિ જિ. પોલીસને

બહુ મોટી સફળતા

૩૧૦ કરોડનો હેરોઇનનો જથ્થો પકડવામાં દેવભૂમિ દ્વારકા જિ. પોલીસ એલ.સી.બી.એસ.ઓ.જી. તથા જિ.પો.વડાને સૌથી મોટી સફળતા અત્યાર સુધીમાં મળી તે અગાઉ એ.ટી.એસ.દ્વારા મોટુ ઓપરેશન છે જેમાં એ.ટી.એસ. કયાંય નથી.

અહેવાલો ખોટા વહેતા થયા

કેદી પદાર્થ પકડાતા મીડીયા-ચેનલોમાં   ૬પ૦ કરોડનો જથ્થો પકડાયો એ.ટી.એસ.એ પકડાયો ના અહેવાલો પણ વહેતા થયા હતા ખરેખર છેલ્લે ૩૧૦ કરોડનો આ  જથ્થો હોવાનું ખુલ્યું છે.

(3:09 pm IST)