Gujarati News

Gujarati News

News of Wednesday, 10th November 2021

તમિલનાડુમાં સતત ચોથા દિવસે અનરાધાર વરસાદ : અનેક વિસ્તારોમાં રેડ અલર્ટ

લો-પ્રેશર સિસ્ટમ ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધશે : કાલે તમિલનાડુના કિનારે પહોંચે તેવી શક્યતા : ચેન્નાઈ, તિરુવલ્લુર, કાંચીપુરમ, તિરુવન્નામલાઈ અને પુડુચેરી જેવા વિસ્તારોમાં આજે વાવાઝોડા સાથે ભારે વરસાદ પડશેઃ હવામાન ખાતુ

નવી દિલ્હી, તા.૧૦: આઈએમડીના જણાવ્યા અનુસાર, કરાઈક્કલમાં ૨૪ કલાકમાં લગભગ ૨૦ સેમી અને નાગાપટ્ટિનમમાં લગભગ ૧૫ સેમી વરસાદ નોંધાયો છે. આઈએમડીએ જણાવ્યું હતું કે, ૧૧મી નવેમ્બર સુધી દરિયાકાંઠાના તમિલનાડુના મધ્ય અને ઉત્તરીય ભાગોના અલગ અલગ સ્થળોએ અત્યંત ભારે વરસાદ થવાની સંભાવના છે.

લો-પ્રેશર સિસ્ટમ ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધવાનું ચાલુ રાખશે અને ૧૧મી નવેમ્બરે તમિલનાડુના કિનારે પહોંચે તેવી શક્યતા છે. ૧૩મી નવેમ્બરના રોજ દક્ષિણ આંદામાન સમુદ્ર પર અન્ય નીચા દબાણનું ક્ષેત્ર વિકસિત થવાની અને આગામી ૪૮ કલાકમાં ઉત્તર-પશ્ચિમ તરફ ભારત તરફ આગળ વધવાની સંભાવના છે.

હવામાન વિભાગના બુલેટિનના જણાવ્યા મુજબ, નીચા દબાણની સિસ્ટમ બંગાળની ખાડીમાં ખરાબ સ્થિતિ તરફ દોરી જશે અને માછીમારોને તામિલનાડુ અને આંધ્રપ્રદેશના દરિયાકાંઠે બંગાળની ખાડીમાં ૧૧મી નવેમ્બર સુધી સાહસ ન કરવાની સલાહ આપવામાં આવી હોવાનું પણ આઈએમડીએ કહ્રયું છે.

સિસ્ટમના પ્રભાવ હેઠળ વરસાદ વિઝિબિલિટી ઘટાડી શકે છે, પાણી ભરાવાથી ટ્રાફિક જામ થઈ શકે છે અને કેટલીક સંવેદનશીલ ઈમારતોને નુકસાન થઈ શકે છે. હવામાન વિભાગે દરિયાકાંઠે મનોરંજન પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ મૂકવાનું પણ સૂચન કર્યું છે.

(2:40 pm IST)