Gujarati News

Gujarati News

News of Wednesday, 10th November 2021

ત્રિપુરા : નગરપાલિકા ચૂંટણીમાં ૩૩૪માંથી ૧૧૨ સીટો પર બીજેપીની જીત

બાકી રહેલી ૨૨૨ સીટો માટે ૨૫ નવેમ્બરે થશે મતદાન

ત્રિપુરા તા. ૧૦ : ત્રિપુરામાં નગરનિગમની ચૂંટણીમાં સત્તારૂઢ ભાજપે ૩૩૪માંથી ૧૧૨ બેઠકો બિનહરીફ જીતી લીધી છે. ચૂંટણી અધિકારીએ જણાવ્યું હતું કે સોમવારે નામાંકન પાછું ખેંચવાનો છેલ્લો દિવસ હતો અને ચકાસણીની તારીખ ૫ નવેમ્બર નક્કી કરવામાં આવી હતી. અધિકારીએ જણાવ્યું હતું કે વિપક્ષી માકપાના ૧૫, ટીએમસી ના ચાર, કોંગ્રેસના આઠ, એઆઈએફબીના બે અને સાત અપક્ષ સહિત ૩૬ ઉમેદવારોએ સોમવારે તેમના નામાંકન પાછા ખેંચ્યા હતા. બાકીની ૨૨૨ બેઠકો માટે કુલ ૭૮૫ ઉમેદવારો મેદાનમાં છે, જેના માટે ૨૫ નવેમ્બરે મતદાન થવાનું છે. સમગ્ર રાજયમાં અગરતલા મ્યુનિસિપલ કોર્પોરેશન (૫૧ વોર્ડ), ૧૩ શહેર પરિષદો અને છ નગર પંચાયતો સહિત શહેરી સ્થાનિક સંસ્થાઓમાં કુલ ૩૩૪ બેઠકો છે.

સાત શહેરી સંસ્થાઓ- અંબાસા મ્યુનિસિપલ કાઉન્સિલ, જીરાનિયા નગર પંચાયત, મોહનપુર નગર પરિષદ, રાણીબજાર નગર પરિષદ, વિશાલગઢ નગર પરિષદ, ઉદયપુર નગર પરિષદ અને સંતીરબજાર મ્યુનિસિપલ કાઉન્સિલમાં કોઈ વિપક્ષી ઉમેદવારો નથી. માકપાના રાજય સચિવ જીતેન્દ્ર ચૌધરીએ આરોપ લગાવ્યો કે ભાજપ આશ્રય પામેલા ગુંડાઓ દ્વારા ફેલાવવામાં આવેલા આતંકને કારણે તેમના ઉમેદવારોને તેમના નામાંકન પાછા ખેંચવાની ફરજ પડી હતી. રાજયમાં નગરપાલિકાની ચૂંટણીના કાર્યક્રમની જાહેરાત થવાના ઘણા સમય પહેલા જ હિંસા શરૂ થઈ ગઈ હતી. અમારા પક્ષના ઘણા કાર્યકરો પર હુમલા થયા અને અમારા ઉમેદવારો પાંચ નગર પરિષદો અને બે નગર પંચાયતોમાં ઉમેદવારી નોંધાવી શકયા નહીં. તેમણે પત્રકારોને કહ્યું કે ભાજપના ગુંડાઓએ અભૂતપૂર્વ આતંક મચાવ્યો છે.

ટીએમસી, જે ત્રિપુરામાં તેનો આધાર વિસ્તારવાનો પ્રયાસ કરી રહી છે, તેણે કહ્યું હતું કે તે ઉત્તર-પૂર્વીય રાજયમાં નાગરિક ચૂંટણી લડશે. નગરપાલિકાની ચૂંટણીમાં કુલ ૫,૯૪,૭૭૨ મતદારો મતદાન કરવા પાત્ર છે અને શહેરી વિસ્તારોમાં પુરૂષ મતદારો કરતાં મહિલા મતદારોની સંખ્યા વધુ છે.

(2:39 pm IST)