Gujarati News

Gujarati News

News of Wednesday, 10th November 2021

અફઘાનિસ્તાન મુદ્દે અજીત ડોભાલની અધ્યક્ષતામાં આજે ૮ દેશોના NSAની બેઠક : ચીન - પાક સામેલ નહીં થાય

નવી દિલ્હી તા.૧૦ : ભારત આજે બુધવારે અફઘાનિસ્તાન પર સુરક્ષા અંગેની કોન્ફરન્સ માટે રશિયા, ઈરાન અને પાંચ મધ્ય એશિયાઈ દેશોના ટોચના સુરક્ષા અધિકારીઓની યજમાની કરશે. તમામ અધિકારીઓ અફઘાન કટોકટી બાદ આતંકવાદ, કટ્ટરપંથી અને નશીલા પદાર્થોના વધતા જોખમને પહોંચી વળવા વ્યવહારિક સહયોગ માટે એક સમાન દ્રષ્ટિકોણ લાવવાનો પ્રયત્ન કરશે.ઙ્ગ

સૂત્રોએ જણાવ્યું કે, ચીનને 'અફઘાનિસ્તાન પર દિલ્હી પ્રાદેશિક સુરક્ષા સંવાદ' માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું પરંતુ તેણે ભારતને પહેલાથી જ જાણ કરી દીધી છે કે તે શેડ્યુલિંગ સમસ્યાને કારણે બેઠકમાં ભાગ લઈ શકશે નહીં. પાકિસ્તાને પણ આ બેઠકમાં ભાગ ન લેવાનો નિર્ણય લીધો છે. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલની અધ્યક્ષતામાં યોજાનાર આ બેઠકમાં કઝાકિસ્તાન, કિર્ગિસ્તાન, તાજિકિસ્તાન, તુર્કમેનિસ્તાન અને ઉઝબેકિસ્તાનના એનએસએ પણ ભાગ લેશે.'

આજની બેઠકમાં ભાગ લેનાર આઠ દેશો વચ્ચે અફઘાનિસ્તાન પર તાલિબાનના કબજા પછીના સુરક્ષા પડકારો પર ચર્ચા થશે અને વાતચીત મુખ્યત્વે પડકારોનો સામનો કરવા માટે વ્યવહારિક બાબતો પર સહકાર આપવા પર કેન્દ્રિત રહેશે. તેમણે કહ્યું હતું કે અફઘાનિસ્તાનથી લોકોની સરહદ પારની આવનજાવન તેમજ ત્યાં યુએસ દળો દ્વારા છોડવામાં આવેલા સૈન્ય ઉપકરણો અને શસ્ત્રોથી ઉભા થયેલા જોખમની પણ સુરક્ષા અધિકારીઓ દ્વારા ચર્ચા થવાની શકયતા છે.

વિદેશ મંત્રાલયે કહ્યું કે, બેઠકમાં ઈરાન, કઝાકિસ્તાન, કિર્ગિઝ રિપબ્લિક, રશિયા, તાજિકિસ્તાન, તુર્કમેનિસ્તાન અને ઉઝબેકિસ્તાનની વિસ્તૃત ભાગીદારી જોવા મળશે અને દેશોનું પ્રતિનિધિત્વ તેમના સંબંધિત રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારો અથવા સુરક્ષા પરિષદના સચિવો દ્વારા કરવામાં આવશે. તેમણે એક નિવેદનમાં કહ્યું, 'ઉચ્ચ સ્તરીય બેઠકમાં અફઘાનિસ્તાનમાં તાજેતરના ઘટનાક્રમને કારણે ઉભી થયેલી સુરક્ષાની સ્થિતિની સમીક્ષા કરવામાં આવશે. તેમાં પ્રાસંગિક સુરક્ષાના પડકારોનો સામનો કરવાના ઉપાય પર ચર્ચા કરવામાં આવશે અને શાંતિ, સુરક્ષા તથા સ્થિરતાને પ્રોત્સાહન આપવામાં અફઘાનિસ્તાનના લોકોનું સમર્થન કરવામાં આવશે.'

વિદેશ મંત્રાલયે વધુમાં કહ્યું કે ભારતના પરંપરાગત રીતે અફઘાનિસ્તાનના લોકો સાથે ગાઢ અને મૈત્રીપૂર્ણ સંબંધો રહ્યા છે અને નવી દિલ્હીએ અફઘાનિસ્તાન સામેની સુરક્ષા અને માનવતાવાદી પડકારોને પહોંચી વળવા માટે એકીકૃત આંતરરાષ્ટ્રીય પ્રતિક્રિયાનું આહ્વાન કર્યું છે. આ બેઠક એ દિશામાં એક પગલું છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે બેઠકમાં ભાગ લેનારા કોઈપણ દેશોએ તાલિબાનને માન્યતા આપી નથી અને તેમને અફઘાનિસ્તાનની સ્થિતિ પર સમાન ચિંતા છે. તેમણે કહ્યું કે અફઘાનિસ્તાન પર પાકિસ્તાનની કાર્યવાહી અને ઈરાદા વચ્ચે વિશ્વસનીયતાનું અંતર છે. કોન્ફરન્સમાં ચીનની ગેરહાજરી અંગે સૂત્રોએ જણાવ્યું કે બેઇજિંગ કાર્યક્રમના સમયે કેટલીક ગૂંચવણોને કારણે ભાગ લઈ રહ્યું નથી, પરંતુ કહ્યું કે તેણે દ્વિપક્ષીય અને બહુપક્ષીય માધ્યમો દ્વારા અફઘાનિસ્તાનના મુદ્દા પર ભારત સાથે સંપર્કમાં રહેવાની વાત કરી છે.

(12:22 pm IST)