Gujarati News

Gujarati News

News of Wednesday, 10th November 2021

ટેકસનું માળખું કરવત જેવું, આવતાં અને જતાં પણ વહેરે

GST..કાર જેટલી વાર વેચો એટલીવાર ટેકસ

નવી લીધેલી કારની રિ-સેલમાં જો ઘસારા ઉપરાંતની કિંમત ઉપજે તો પણ ટેકસ! : વિદેશથી મંગાવાતી વસ્તુ પર લાગતા આઇજીએસટી ઉપરાંત વસૂલાતો આરસીએમ

નવી દિલ્હી, તા.૧૦: જીએસટી લાગુ કરતી વખત વન નેશન વન ટેકસની મસમોટી જાહેરાત તો કરવામાં આવી છે, પરંતુ અનેક વસ્તુઓ પર હજુ પણ બેવડો ટેકસ વસૂલાત કરવામાં આવી રહ્યો છે. તેના કારણે કરદાતાઓની પરેશાની યથાવત રહેવા પામી છે. જોકે, આ મુદે કેટલાક કરદાતાઓએ તો ન્યાય મેળવવા માટે કોર્ટના પણ દ્વાર ખખડાવ્યા હોવાની વિગતો જાણવા મળી છે.

એક જુલાઈ ૨૦૧૭ના રોજ જીએસટી લાગુ કરવામાં આવ્યો હતો ત્યારે એવી જાહેરાત કરવામાં આવી હતી કે તમામ પ્રકારના ટેકસ નાબૂદ કરીને હવેથી એક જ ટેકસની વસૂલાત કરવામાં આવશે જેથી કરદાતાઓને તકલીફ ઓછી પડે તેવી – સ્થિતિ ઊભી કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. તે અંતર્ગત રાજય સરકાર દ્વારા એસજીએસટી, કેન્દ્ર સરકાર દ્વારા સીજીએસટી અને વિદેશથી આવતી વસ્તુ માટે આઇજીએસટીની વસુલાત કરવામાં આવતી હોય છે. તે સિવાયના ટેકસ દૂર કરી દેવામાં આવ્યા છે. તેમ છતાં હજુ પણ એવી અનેક જોગવાઇ હેઠળ કરદાતાઓ પાસેથી બેવડો ટેકસ વસૂલ કરવામાં આવી રહ્યો હોવાની વિગતો જાણવા મળી છે. કરદાતા દ્વારા કારની ખરીદી કરવામાં આવે ત્યારે તેની પાસેથી જીએસટીની વસૂલાત કરવામાં આવતી હોય છે, પરંતુ તેની ક્રેડિટ કરદાતાને મળતી નથી. જયારે કારનો એકાદ બે વર્ષ સુધી વપરાશ કરી દીધા બાદ તેનું વેચાણ કરવામાં આવે અને તે પેટે સરકર દ્વારા નક્કી કરાયેલી કિંમત કરતા ૫૦ હજાર કે એક લાખ રૂપિયા પણ વધારે આવે તે પેટ જે વધારાની રકમ આવી હોય તેના પર ૧૮ ટકા લેખે જીએસટીની વસૂલાત કરવામાં આવતી હોય છે. બીજા કિસ્સામાં એસઇ ઝેડમાં કરદાતા પાસેથી કોઇ પણ પ્રકારનો ટેકસ વસૂલ કરવામાં આવતો નથી. જયારે તે જે પ્રોડકટ તેયાર કરે છે તેમાંથી ૧૫ ટકા માલ સ્થાનિક માર્કેટમાં વેચાણ કરવાની છૂટ આપવામાં આવી છે. તેના પર ટેકસ વસૂલ કરવામાં આવતો હોય છે. જયારે તે માલ  વિદેશથી મંગાવ્યો હોય તો તેના પર શીપિંગ ચાર્જપર આઇજીએસટી તો વસૂલ કરવામાં આવે જ છે. ત્યારબાદ જે શીપિંગ ચાર્જ લાગ્યો હોય તેના પર પણ આરસીએમ (રિવર્સ ચાર્જ મિકેનિઝમ) પણ વસૂલ કરવામાં આવતો હોય છે. જેથી બેવડા ટેકસનું ભારણ કરદાતા પર આવતું હોય છે.

સ્વીગી-ઝોમેટો પર ટેકસ વસુલાસે તો લાગશે બેવડો ટેકસ

જીએસટી કાઉન્સિલની બેઠકમાં સ્વીગી અને ઝોમેટો પર પણ પાંચ ટકા જીએસટી વસુલ કરવાની વિચારણા કરવામાં આવી રહી છે. કારણ કે તેના થકી સરકારને બે હજાર કરોડની આવક થવાનો અંદાજ લગાડવામાં આવી રહયો છે. જોકે સરકાર દ્વારા સ્વીગી અને ઝોમેટો જે રેસ્ટોરન્ટ અથવા હોટલમાંથી માલ ગ્રાહકો સુધી પહોંચાડે છે તેના પર તો ટેકસ વસુલાત કરી જ રહ્યો છે. જયારે સ્વીગી અને ઝોમેટો પર પણ ટેકસ વસુલ કરવામાં આવશે તો તેનો સીધો બોજો ગ્રાહકના માથે જ આવવાનો છે.

વન નેશન વન ટેકસનો જ અમલ થવો જોઇએ

જીએસટીમાં એક વસ્તુ પર એક જ વખત ટેકસ લાગતો હોય છે. તેમ છતાં

કેટલાક કિસ્સામાં એક વરતુ પર ટેકસની વસુલાત કરવામાં આવ્યા બાદ પણ ટેકસ વસલાત કરવામાં આવે તે યોગ્ય નથી. જેથી આ અંગે ફેર વિચારણા કરીને નિયમોમાં સુધારો કરવામાં આવવો જોઇએ. તો જ સરકાર દ્વારા કરવામાં આવેલી જાહેરાત યોગ્ય ગણાશે તેમજ કરદાતાઓને પણ તેનો કાયદો મળી રહેશે. - પાવન શાહ (ટેકસ કન્સલ્ટન્ટ)

(10:30 am IST)