Gujarati News

Gujarati News

News of Wednesday, 10th November 2021

રોજગાર ક્ષેત્રથી સારા સમાચાર

૧૬ PEC વિદ્યાર્થીઓને માઇક્રોસોફટનું રૂ. ૪૬ લાખનું વાર્ષિક પેકેજ

 

ચંડીગઢ,તા.૧૦: છેલ્લાં બે વર્ષમાં કોરોના રોગચાળાના સમયમાં રોજગાર ક્ષેત્રથી સારા સમાચાર આવી રહ્યા છે, જે આશાનું કિરણ લઈને આવ્યા છે. પંજાબ એન્જિનિયરિંગ કોલેજના છેલ્લા વર્ષના ૧૬ વિદ્યાર્થીઓને આ વર્ષે પ્લેસમેન્ટ ડ્રાઇવમાં માઇક્રોસોફ્ટ દ્વારા રૂ. ૪૬ લાખ વાર્ષિક પેકેજની ઓફર કરવામાં આવી છે. આ વિદ્યાર્થીઓ ઇલેકટ્રોનિકસ એન્ડ કોમ્યુનિકેશન એન્જિનિયરિંગ (ECE) અને કોમ્પ્યુટર સાયન્સ એન્જિનિયરિંગ શાખાઓમાંના છે. આ આ વર્ષનું અત્યાર સુધીનું સૌથી વધુ પેકેજ છે અને ગયા વર્ષની તુલનામાં ઘણું વધુ છે. વર્ષ ૨૦૨૦માં આઠ વિદ્યાર્થીઓને માઇક્રોસોફ્ટે રૂ. ૪૨ લાખનું વાર્ષિક પેકેજ ઓફર કર્યું હતું. US ટેકનોલોજી જાયન્ટે વર્ષ ૨૦૧૯માં પાંચ વિદ્યાર્થીઓને આટલા જ પેકેજની ઓફર કરી હતી.

વર્ષ ૨૦૨૧-૨૨ (હાલમાં) પ્લેસમેન્ટ ડ્રાઇવ હેઠળ પ્લેસમેન્ટ ચાલી રહ્યું છે અને અત્યાર સુધી આશરે ૪૫૦ વિદ્યાર્થીઓને નોકરીની ઓફર મળી છે. વળી, આ પ્લેસમેન્ટ ડ્રાઇવ માર્ચ સુધી ચાલશે. સંસ્થા મુજબ છેલ્લા વર્ષમાં આશરે ૬૫૦ વિદ્યાર્થીઓ છે અને અનેક વિદ્યાર્થીઓએ પ્લેસમેન્ટમાં ગયા નહોતા, કેમ કે તેમને ઉચ્ચ અભ્યાસ કરવાનો હતો.

PECના ડિરેકટર બળદેવ સેતિયાએ કહ્યું હતું કે ઇન્ટર્નશિપ કાર્યક્રમમાં ૨૦૨૦-૨૧માં ઇન્ટર્નશિપ ઓફરની સંખ્યામાં ૧૩ ટકાનો વધારો જોવા મળ્યો છે, જે ૩૧૪ હતી. આ ઇન્ટર્નશિપના પરિણામસ્વરૂપ ૧૩૨ પ્રી-પ્લેસમેન્ટ ઓફર થઈ છે, જે ગયા વર્ષની તુલનાએ ૩૨ ટકાનો વધારો જોવા મળ્યો છે.

માઇક્રોસોફ્ટમાં નોકરી મેળવનાર વિદ્યાર્થીઓમાં ૨૨ વર્ષીય અક્ષિત ગર્ગે કહ્યું હતું કે આ એક મોટી સફળતા છે અને હું એને મારાં માતા-પિતાને આ નોકરી સમર્પિત કરું છું. મેં આકરી મહેનત કરી છે અને આ એક સપનું છે, જે સાચું થવાનું છે.

(9:53 am IST)