Gujarati News

Gujarati News

News of Wednesday, 10th November 2021

ભારત બાયોટેકની કોવેકિસનને તથા કોવીશીલ્‍ડને ૯૬ દેશોઅે માન્‍યતા આપી : કેન્‍દ્રીય આરોગ્‍ય મંત્રી

દેશમાં ૧૦૯ કરોડથી વધુને રસીના ડોઝ અપાયા

ભારત બાયોટેકની કોરોના વેક્સિન કોવેક્સિનને WHO તરફથી ઈમરજન્સી યુઝ લિસ્ટ (EUL)માં સામેલ કર્યા બાદ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાનું નિવેદન સામે આવ્યું છે. તેમણે જણાવ્યું કે WHOએ અત્યાર સુધીમાં 8 રસીને EUL (ઇમરજન્સી યુઝ લિસ્ટ)માં સમાવેશ કર્યો છે. આપણને ખુશી છે કે તેમાથી બે રસી ભારતીય છે- કોવેક્સિન અને કોવિશીલ્ડ.

તેમણે વધુમાં જણાવ્યું કે દેશમાં અત્યાર સુધીમાં 109 કરોડથી વધુ કોરોના રસીના ડોઝ આપવામાં આવ્યા છે. 'હર ઘર દસ્તક' હેઠળ આરોગ્ય કર્મચારીઓ રસીકરણ અભિયાનને અંજામ આપવા માટે તમામ ઘરોની મુલાકાત લઈ રહ્યા છે. 96 દેશોએ કોવેક્સિન અને કોવિશિલ્ડને માન્યતા આપી છે. તમે CoWIN એપ્લિકેશન દ્વારા સૂચિ તપાસી શકો છો.

થોડા સમય પહેલા જ મનસુખ માંડવિયાએ એવા જિલ્લાઓમાં 'હર ઘર દસ્તક' નામથી ડોર ટુ ડોર અભિયાન શરૂ કરવાનો નિર્દેશ આપ્યો હતો જ્યાં કોરોના રસીકરણને લઈને નબળું પ્રદર્શન જોવા મળી રહ્યું છે. બીજી તરફ મનસુખ માંડવિયાનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે તાજેતરમાં જ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)ના ટેકનિકલ એડવાઈઝરી ગ્રુપે ઈમરજન્સી યુઝ લિસ્ટ (EUL)માં રસી (કોવેક્સિન)નો સમાવેશ કર્યો છે. WHO એ 18 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે Covaxin ના ઈમરજન્સીના ઉપયોગને સ્વીકાર કર્યો છે.

WHO ની મંજૂરી મળ્યા પછી હવે કોવેક્સિન લઇ ચુકેલા લોકો કોઇ પણ અડચણ વગર વિદેશ પ્રવાસે જઇ શકશે. કોવેક્સિન સિવાય WHO દ્વારા અત્યાર સુધી જે રસીઓ મંજૂર કરવામાં આવી છે તેમાં ફાઇઝર/બાયોએનટેકની કોમિરનેટી, એસ્ટ્રેજેનેકાની કોવિશીલ્ડ, જોન્સન એન્ડ જોન્સનની રસી, મોડર્નાની એમઆરએનએ-1273, સિનોફાર્માની બીબીઆઈબીપી-કોરવી અને સિનોવાકની કોરોનાવેકનો સમાવેશ થાય છે.

(10:56 pm IST)