Gujarati News

Gujarati News

News of Wednesday, 10th November 2021

હવે રીક્ષા ચાલકો CNGના ભાવ વધારાના વિરોધમાં રાજય વ્‍યાપી હડતાલ પાડશે

આજે તમામ યુનિયનોના વડાઓની બેઠક રાજયપાલને આવેદન પત્ર પાઠવશે

નવી દિલ્‍હી: પેટ્રોલ-ડીઝલ, ગેસ અને હવે CNG ગેસના ભાવમાં વધારો થતા સામાન્ય માણસ માટે ફરવું મોંઘુ બની રહ્યું છે. CNG ભાવ વધારાના વિરોધમાં રિક્ષા યુનિયનોએ મોટું આંદોલન કરવાની એક ચિમકી ઉચ્ચારી છે. થોડાં દિવસ પહેલા CNG ગેસના ભાવ વધારાના વિરોધમાં રિક્ષા એસો.એ હડતાળ પર ઉતરવાની ચિમકી ઉચ્ચારી હતી. પણ પછી સરકારે રિક્ષા એસો. સાથે એક બેઠક કરી સમસ્યાનો ઉકેલ લાવ્યો હતો.

પણ હજુ કેટલાક યુનિયનોએ એવો આરોપ લગાવ્યો છે કે, સરકારે ભાજપ પ્રેરિત રિક્ષા યુનિયનોને જ બોલાવીને આ જાહેરાત કરી દીધી છે.

હવે ફરી એક વખત રિક્ષા યુનિયન આક્રમક મુડમાં છે. આવતીકાલે એટલે કે, તા.10 નવેમ્બરના રોજ રાજ્યના તમામ યુનિયનની એક મોટી બેઠક યોજાશે. એ પછી તા. 12ના રોજ રાજ્યપાલને એક આવેદન પત્ર આપવામાં આવશે. એ પછી તા.14 નવેમ્બરના રોજ રિક્ષા ચાલકો કાળી પટ્ટી બાંધીને વિરોધ કરશે. તા. 15 અને 16ના રોજ રિક્ષા ચાલકો હડતાળ પર ઉતરશે. જેના કારણે અમદાવાદ જેવા મહાનગરમાં આશરે 9 લાખથી વધારે રિક્ષાના પૈંડા થંભી જશે. જોકે, આ પહેલા પણ રિક્ષા યુનિયન હડતાળની વાત કરી ચુક્યું છે.

CNG ગેસના ભાવમાં વધારો થવાને કારણે સ્થાનિક પરિવહન મોંઘુ બની રહ્યું છે. અમદાવાદ સહિત રાજકોટ તથા અન્ય મહાનગરમાં રિક્ષા ચાલકોએ લોકલ ભાડું વધારી દીધું છે. રાજકોટ સિટીમાં જ્યાં લોકલ ભાડું રૂ. 10 હતું એ વધારીને રૂ.20 કરી દેવામાં આવ્યું છે. પણ રાજકોટમાં કોઈ રિક્ષા મીટર પર ચાલતી નથી. એટલે રાજકોટમાં રિક્ષા ચાલકો મનેફાવે એવા ભાવ વસૂલ કરી રહ્યા છે. બીજી તરફ રાત્રિના સમયે દોઢા ભાડાની વાત કરે છે. પણ દરેક રિક્ષા ચાલક રાજકોટમાં રાત્રિ ભાડા માટે અલગ અલગ સમયને અનુસરે છે. કોઈ 11 વાગ્યા પછીની વાત કરે છે તો કોઈ 10.30 પછી જ દોઢા ચાર્જ લેવાનું ચાલુ કરી દે છે.

ગેસના ભાવ વધતા શટલ રિક્ષા પણ મોંઘી બની રહી છે. રેગ્યુલર રૂટ પર દોડતી રિક્ષામાં અંતર અનુસાર લોકલ ભાડું વસુલ કરવામાં આવતું. જે હવે વધી ગયું છે. બીજી તરફ દિવાળીના દિવસો પહેલા પેટ્રોલ ડીઝલમાં ભાવ વધારો થતા ખાનગી બસ સંચાલકોએ એકાએક ટિકિટના ભાવ વધારી દીધા છે. જેના કારણે દિવાળીના દિવસોમાં પ્રવાસ કરવો મોંઘો પડ્યો છે. એની સામે ગુજરાત એસટીનું ભાડું દરેકના ખિસ્સાને પોસાય એમ હોવાથી એસટીને લાભ થયો છે.

(10:20 pm IST)