Gujarati News

Gujarati News

News of Wednesday, 10th November 2021

યુરોપમાં બે દેશ વચ્‍ચે પ્રવાસીઓની હેરાફેરી પ્રશ્‍ને વિવાદ સર્જાયો

પોલેન્‍ડ અને બેલારુસ વચ્‍ચે વિવાદ વધુ વકરવાની દહેશત

પોલેન્‍ડ : મધ્ય યુરોપમાં આવેલા દેશ પૉલેન્ડ અને બેલારુસ વચ્ચેની સરહદ પરથી પ્રવાસીઓને ગેરકાયદેસર રીતે ઘૂસાડવા પરનો વિવાદ ગરમાતો જાય છે.

બેલારુસ તરફથી યુરોપિયન સંઘમાં પ્રવેશનો પ્રયાસ કરતા સેંકડો પ્રવાસીઓને પૉલેન્ડની સરહદે ભેગા કરીને કોઈ દુર્ઘટનાને અંજામ આપવાની આશંકા વ્યક્ત કરતા પૉલેન્ડે સરહદ પર સશસ્ત્ર સંઘર્ષની ચેતાવણી પણ આપી છે.

પૉલેન્ડની સરહદે યુરોપમાં પ્રવેશ માટે આતુર પ્રવાસીઓએ કાંટાળા તારની વાડને તોડવાનો પ્રયત્ન કર્યો હતો, જેના પગલે સરહદ પર વધુ સુરક્ષાદળો તહેનાત કરવામાં આવ્યાં છે.

પૉલેન્ડ, યુરોપિયન સંઘ અને નેટોનું કહેવું છે કે બેલારુસ આ સમસ્યાનું સર્જક છે. જોકે બેલારુસના રાષ્ટ્રપતિએ આ આરોપને ફગાવ્યો છે.

પૉલેન્ડે કહ્યું છે કે તે કુઝનિકા ખાતે પોતાની મુખ્ય સરહદને બંધ કરવા જઈ રહ્યું છે.

દેશની રાજધાની વૉરસોના અધિકારીઓએ જણાવ્યું કે પૉલેન્ડની પૂર્વીય સરહદ પર પ્રવાસી સંકટ મોટું સ્વરૂપ લઈ રહ્યું છે, અહીં ચાર હજાર જેટલા પ્રવાસીઓ ફસાયા છે.

સરહદ પર રાત્રે તાપમાન શૂન્યની નીચે સરકી જાય છે અને ગત કેટલાંક અઠવાડિયાઓમાં સેંકડો પ્રવાસીઓનાં મોત થયાં છે.

ગત કેટલાક મહિનાઓથી બેલારુસમાંથી યુરોપિયન સંઘ અને નેટોના સભ્ય દેશો પૉલેન્ડ, લિથુઆનિયા અને લાટવિયામાં ગેરકાયદેસર પ્રવેશ કરનાર પ્રવાસીઓની સંખ્યા વધી છે.

યુવાનો સાથે મહિલાઓ અને બાળકો પણ યુરોપિયન સંઘમાં પ્રવેશનો પ્રયાસ કરી રહ્યાં છે, આમાં મોટા ભાગના લોકો મધ્ય પૂર્વ અને એશિયાના છે.

કર્મશીલોનું કહેવું છે કે તાનાશાહ નેતા ઍલેક્ઝાન્ડરે લુકાશેંકો દ્વારા શાસિત બિન-યુરોપિયન સંઘ બેલારુસ અને તેના પાડોશી દેશો પ્રવાસીઓને રાજકીય રમતનાં પ્યાદાંની જેમ વાપરી રહ્યા છે.

યુરોપિયન સંઘના અધિકારીઓ સતત બેલારુસ દ્વારા 'હાઇબ્રિડ ઍટેક'ની ફરિયાદ કરી રહ્યા છે.

સંયુક્ત રાષ્ટ્રની પ્રવાસી બાબતોની એજન્સીના પ્રવક્તા શાબિયા મંટૂએ તાજેતરની પરિસ્થિતિને લઈને ચિંતા વ્યક્ત કરી છે.

તેમણે કહ્યું કે, "શરણાર્થીઓ અને પ્રવાસીઓને રાજકીય લક્ષ્‍ય હાંસલ કરવા માટે વાપરવા એ સ્વીકાર્ય નથી અને આ બંધ થવું જોઈએ."

પૉલેન્ડની સરકારના પ્રવક્તા પિઓટ્ર મ્યુલરે કહ્યું છે કે "બંને દેશો વચ્ચે તણાવ વધી શકે છે અને આ વખતે આ સશસ્ત્ર સંઘર્ષમાં ફેરવાઈ શકે છે."

પૉલીશ ટીવીએ જણાવ્યું છે કે કેટલાક પ્રવાસીઓ સાથે કુઝનિકા સરહદે સશસ્ત્ર વ્યક્તિઓ અને કૂતરાંઓ પણ હતાં.

પૉલેન્ડના સુરક્ષા વિભાગના વડા સ્ટૅનિસ્લૉ ઝારીને કહ્યું છે કે પ્રવાસીઓ પર બેલારુસનાં સશસ્ત્રદળોનું નિયંત્રણ છે. અગાઉ ઉપવિદેશમંત્રી પિઓટ્ર વૉરઝિકે કહ્યું હતું કે "બેલારુસ એક મોટી દુર્ઘટના થાય તેવું ઇચ્છે છે."

બેલારુસના વિદેશ મંત્રાલયે પૉલેન્ડની સરકારના નિવેદનને ફગાવતા કહ્યું છે કે આ આરોપનો કોઈ આધાર નથી. બેલારુસે પૉલેન્ડ પર સરહદે હજારો સૈનિકો તહેનાત કરીને બંને દેશો વચ્ચેની સમજૂતીનું ઉલ્લંઘન કરવાનો આરોપ મૂક્યો છે.

રશિયાએ પોતાના સહયોગી દેશ બેલારુસના સરહદ પરના સંકટને 'જવાબદારીપૂર્વક સંભાળવા' માટે વખાણ કર્યાં છે.

યુરોપિયન સંઘના અધિકારીઓ સતત બેલારુસ દ્વારા 'હાઇબ્રિડ ઍટેક'ની ફરિયાદ કરી રહ્યા છે.

યુરોપિયન સંઘે બેલારુસ પર પ્રતિબંધ મૂકવા બદલ રાષ્ટ્રપતિ લુકાશેંકો પર પ્રતિશોધની કાર્યવાહી કરવાનો આરોપ મૂક્યો છે.

ગત વર્ષે બેલારુસમાં રાષ્ટ્રપતિની ચૂંટણી વખતે વ્યાપક વિરોધપ્રદર્શન પર હિંસક કાર્યવાહી બદલ લુકાશેંકો પર યુરોપિયન સંઘે પ્રતિબંધ લાદ્યા હતા.

યુરોપિયન કમિશનના પ્રમુખ ઉર્સુલા વૉન દેર લેયેને કહ્યું હતું કે યુરોપિયન સંઘ અન્ય દેશોની ઍરલાઇન્સ પર પણ પ્રતિબંધ મૂકવા વિશે વિચારશે જે પ્રવાસીઓને બેલારુસ પહોંચાડી રહી છે.

લુકાશેંકોએ પાડોશમાં સ્થિત યુરોપિયન સંઘના દેશોના બૉર્ડર ગાર્ડ્સ પર પ્રવાસીઓ સામે હિંસક વલણ રાખવાનો આરોપ મૂક્યો છે.

આંતરિક મંત્રી ઇવાન કુબ્રાકોવે કહ્યું કે "પ્રવાસીઓ ગેરકાયદેસર રીતે બેલારુસમાં પ્રવેશ કરી રહ્યા છે અને અમે આતિથ્યવાન દેશ છીએ, એટલે અમે હંમેશાં બધાને સ્વીકાર કરવા માટે તૈયાર છીએ."

જર્મનીએ મંગળવારે યુરોપિયન સંઘને પૉલેન્ડની સરહદ પર વર્તાઈ રહેલા સંકટમાં મદદ કરવા માટે કાર્યવાહી કરવાની વિનંતી કરી હતી.

લિથુઆનિયાએ પણ બેલારુસની સરહદ પર સુરક્ષાદળોની તહેનાતી વધારી છે.

બીબીસીના પૉલ એડમ્સે પોલૅન્ડની સરહદ પર બારવા નુસ્રેદ્દીન અહમદ સાથે વાત કરી જે ઇરાકથી પોતાના ભાઈ, પત્ની અને ત્રણ બાળકો સાથે અહીં આવ્યા છે. તેઓ ગયા મહિને બેલારુસની રાજધાની મિન્સ્ક પહોંચ્યા હતા.

તેમણે જણાવ્યું કે ભોજન-પાણીની તંગી વચ્ચે તેઓ સરહદ પર ઘણા મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે.

તેમણે જણાવ્યું કે પ્રવાસીઓએ સોશિયલ મીડિયા પર સાથે મળીને સોમવારે સરહદ તરફ ધસી જવાનું નક્કી કર્યું હતું અને બેલારુસ તેમના પર દબાણ કરી રહ્યું હતું.

તેઓ કહે છે કે "લોકો સમજે છે કે લુકાશેંકો તેમને પ્યાદાંની જેમ વાપરી રહ્યા છે, પરંતુ તેમની પાસે કોઈ વિકલ્પ નથી અને તેમની સામે ભવિષ્ય નથી."

સોમવારે સોશિયલ મીડિયા પર ફરતા વીડિયોમાં મોટી સંખ્યામાં મહિલાઓ અને બાળકો સહિત પ્રવાસીઓ બેલારુસમાં પોલૅન્ડની સરહદ તરફ વધતાં જોઈ શકાતા હતા.

અન્ય વીડિયોમાં ખાખી પહેરેલા સશસ્ત્રકર્મીઓ મોટી સંખ્યામાં લોકોની સાથે આગળ વધતા જોઈ શકાતા હતા.

(10:06 pm IST)