Gujarati News

Gujarati News

News of Sunday, 10th November 2019

મહારાષ્ટ્રમાં સરકાર રચવા આડે ઘણી અડચણ યથાવત

સરકારની રચના કરવા ભાજપે ઇન્કાર કર્યો : ભાજપની સાથે છેડો ફાડવાની સ્થિતિમાં શિવસેનાને ટેકો આપવા એનસીપીની તૈયારી : કોંગ્રેસ દ્વારા બેઠકોનો દોર

મુંબઈ, તા. ૧૦ : મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીના પરિણામ આવ્યા બાદ હજુ પણ સરકાર રચવામાં સફળતા મળી નથી. ભાજપ દ્વારા સરકાર બનાવવાનો ઇન્કાર કર્યા બાદ હવે રાજ્યપાલ ભગતસિંહ કોશિયારીએ બીજી સૌથી મોટી પાર્ટી શિવસેનાને સરકાર બનાવવા અંગે પ્રશ્ન કર્યો છે. મહારાષ્ટ્રના રાજ્યપાલની ઓફિસ તરફથી શિવસેનાના વિધાનસભા પક્ષના નેતા એકનાથ ખડસેને સરકાર બનાવવાના સંદર્ભમાં પ્રશ્ન કર્યો છે. રાજ્યપાલે આ પહેલા ભાજપને સરકાર બનાવવા માટે પ્રશ્ન કર્યો હતો. ત્યારબાદ ભાજપની કોર ગ્રુપની બેઠક બાદ સરકાર નહીં બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ત્યારબાદ રાજ્યપાલને પણ આ સંદર્ભમાં જાણ કરવામાં આવી હતી. શિવસેના, એનસીપી અને કોંગ્રેસમાં બેઠકોના દોર ચાલી રહ્યા છે. એનસીપીએ ટેકો આપતા પહેલા ભાજપ ગઠબંધનમાંથી બહાર આવી જવા માટે શિવસેના સમક્ષ કઠોર શરત મુકી દીધી છે. આનાથી તેની પણ મુશ્કેલી વધી ગઈ છે. સુત્રોએ કહ્યું છે કે, એનસીપી નેતા નવાબ મલિકે કહ્યું છે કે, જો રાજ્યપાલ શિવસેનાને સરકાર બનાવવા માટે આમંત્રણ આપે છે તો આગળના પગલાના સંદર્ભમાં વિચારણા કરવામાં આવશે.

                હજુ સુધી શિવસેના તરફથી અમને કોઇપણ પ્રસ્તાવ મળ્યા નથી પરંતુ શરદ પવાર કહી ચુક્યા છે કે, અંતિમ નિર્ણય કોંગ્રેસ અને એનસીપી મળીને રહેશે. ૧૨મી નવેમ્બરના દિવસે એનસીપીના ધારાસભ્યોની બેઠક યોજાનાર છે. જો શિવસેના સમર્થન લેવા ઇચ્છે છે તો તેને જાહેરાત કરવી પડશે કે તેને હવે ભાજપ સાથે કોઇ પણ પ્રકારના સંબંધ નથી. તેમને એનડીએમાંથી બહાર આવવાની જાહેરાત પણ કરવી પડશે. સાથે સાથે કેન્દ્રમાં શિવસેનાના તમામ મંત્રીઓને રાજીનામુ આપવા માટે પણ કહેવું પડશે. ભાજપ દ્વારા અગાઉ સરકાર બનાવવા રાજ્યપાલ સમક્ષ વાત કરી હતી પરંતુ શિવસેનાએ કઠોર વલણ અપનાવ્યું છે જેથી મામલો આગળ વધી શક્યો નથી. મહારાષ્ટ્રમાં સરકાર બનાવવા મહાસંકટની શરૂઆત થઇ ચુકી છે. ભાજપ નેતાઓએ ફરીવાર રાજ્યપાલ સાથે વાતચીત કરી હતી. રાજ્યપાલ સાથે બેઠક બાદ ભાજપના વરિષ્ઠ નેતા ચંદ્રકાંત પાટિલે કહ્યું હતુંકે, શિવસેનાએ જનાદેશનું અપમાન કર્યું છે. અમે સરકાર બનાવવાની સ્થિતિમાં નથી. શિવસેના ઇચ્છે તો કોંગ્રેસ અને એનસીપીની સાથે મળીને સરકાર બનાવી શકે છે. રાજ્યની પ્રજાએ ભાજપ અને શિવસેનાને સારો બહુમત આપ્યો છે. આ જનાદેશ સરકાર બનાવવા માટે પુરતો હતો પરંતુ શિવસેનાએ  જનાદેશનું અપમાન કર્યું છે.

(9:32 pm IST)