Gujarati News

Gujarati News

News of Sunday, 10th November 2019

દલાલ સ્ટ્રીટમાં તેજી રહેવાના સંકેત : કારોબારી આશાવાદી

માઇક્રો ડેટા, ચાવીરુપ કમાણીના આંકડા જારી કરવાની તૈયારી : ઇક્વિટી અને કોમોડિટી માર્કેટ ગુરુનાનક જ્યંતિના પ્રસંગે મંગળવારના દિવસે બંધ રહેશે : સીપીઆઈ-ડબલ્યુપીઆઈના ફુગાવા ઉપર બજારની બાજ નજર

મુંબઈ, તા.૧૦ : શેરબજારમાં આવતીકાલથી શરૂ થતા નવા કારોબારી સેશનમાં જોરદાર તેજીનો માહોલ રહેવાના સંકેત દેખાઈ રહ્યા છે. બીજી બાજુ કેટલાક ઘટનાક્રમ વચ્ચે શેરબજારમાં પ્રવાહી સ્થિતિ પણ રહી શકે છે. ઘણા એવા પરિબળ છે જેના લીધે શેરબજારમાં ઉતારચઢાવવાળી સ્થિતિ જોવા મળી શકે છે. સ્મોલકેપના શેરમાં લાભ ઉઠાવવાના પ્રયાસ કારોબારીઓ કરી શકે છે. આર્થિક સ્થિતિમાં ધીમે ધીમે સુધારો થઇ રહ્યો છે ત્યારે મૂડીરોકાણકારો પણ હવે આશાસ્પદ દેખાઈ રહ્યા છે. વેલ્યુ શેરોમાં તથા સ્મોલકેપના શેરમાં વાપસી થઇ રહી છે. વેલ્યુ શેરોમાં ફાઈનાન્સિયલ અને એનર્જીના શેરમાં સ્થિતિમાં નોંધપાત્ર સુધારો થવાના સંકેત દેખાઈ રહ્યા છે. આ વખતે લાર્જકેપની સરખામણીમાં સ્મોલકેપ કંપનીઓના શેર પર કારોબારી નજર રાખી શકે છે. ખાસ કરીને એનર્જીના શેરમાં પણ કારોબારી નજર રાખશે. મૂડીરોકાણકારો માની રહ્યા છે કે, માર્કેટ સાથે જોડાયેલા લોકો કોઇ જોખમ લેવા તૈયાર નથી.

                  આવી સ્થિતિમાં કારોબારીઓ જુદા જુદા પાસાઓ ઉપર નજર રાખીને આગળ વધવા માટે ઇચ્છુક છે. વિદેશી મૂડીરોકાણકારો દ્વારા જંગી મૂડીરોકાણ કરવામાં આવ્યું છે. સાથે સાથે રામ મંદિરના સંદર્ભમાં સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવ્યા બાદ તેની અસર પણ જોવા મળી શકે છે. રાજકીય ઘટનાક્રમ, ઝારખંડમાં યોજાનાર વિધાનસભાની ચૂંટણી, મહારાષ્ટ્રમાં ચૂંટણી પરિણામ બાદ અસમંજસની સ્થિતિ અને અન્ય વિવિધ પરિબળો વચ્ચે શેરબજારમાં અસર રહી શકે છે. નવી ઉંચી સપાટી પર શેરબજાર પહોંચે તેવા સંકેત દેખાઈ રહ્યા છે. ફુગાવા અને ઇન્ડસ્ટ્રીયલ ગ્રોથના આંકડા આ સપ્તાહમાં જ જારી કરવામાં આવનાર છે. સાથે સાથે ચાવીરુપ કંપનીઓના ત્રીમાસિક ગાળાના કમાણીના આંકડા પણ જારી કરવામાં આવનાર છે. આવતીકાલે સોમવારના દિવસે સપ્ટેમ્બર ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન અને મેન્યુફેક્ચરિંગ આઉટપુટના ડેટા જારી કરવામાં આવનાર છે. ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન ગ્રોથરેટની ગતિ ધીમી રહી છે.

                   માંગ ઘટી જતા આ સ્થિતિ સર્જાઈ છે. બીજી બાજુ કેન્દ્ર સરકાર તરફથી આ સપ્તાહમાં જ ઓક્ટોબર મહિનાના સીપીઆઈ ડેટા પણ જારી કરવામાં આવનાર છે. આ આંકડા મંગળવારના દિવસે જારી કરવામાં આવનાર છે. ગુરુવારના દિવસે ડબલ્યુપીઆઈ ફુગાવાના આંકડા જારી કરવામાં આવશે. શુક્રવારના દિવસે ટ્રેડ બેલેન્સના ડેટા જારી કરાશે. સપ્ટેમ્બર ત્રિમાસિક ગાળાના કમાણીના આંકડા પણ હવે છેલ્લા તબક્કામાં જારી થનાર છે. આવતીકાલે સોમવારના દિવસે અદાણી પોર્ટ, બ્રિટાનિયા, હિન્ડાલ્કો, મદરસનના આંકડા જારી કરાશે. મંગળવારે ગોદરેજના આંકડા જારી કરવામાં આવનાર છે. અદાણી ગ્રીન અને અદાણી પાવરના આંકડા આ સપ્તાહમાં જારી કરાશે. વિદેશી મૂડીરોકાણકારોએ નવેમ્બર મહિનાના પ્રથમ સપ્તાહમાં ૧૨૦૦૦ કરોડથી વધુનું રોકાણ કર્યું છે. સરકાર દ્વારા આર્થિક સુધારાઓ હાથ ધરવામાં આવ્યા બાદ માર્કેટની સ્થિતિ ઉલ્લેખનીય સુધારો થઇ રહ્યો છે. નવેસરના ડિપોઝિટરીના ડેટા દર્શાવે છે કે, વિદેશી મૂડીરોકાણકારોએ ઇક્વિટીમાં ૬૪૩૩.૮ કરોડ રૂપિયા ઠાલવી દીધા છે જ્યારે ૧-૯મી નવેમ્બરના ગાળા દરમિયાન ડેબ્ટ માર્કેટમાં ૫૬૭૩.૮૭ કરોડ રૂપિયા ઠાલવી દીધા છે.

(8:21 pm IST)