Gujarati News

Gujarati News

News of Sunday, 10th November 2019

FPI દ્વારા ૧૨૦૦૦ કરોડ ઠાલવી દેવાયા છે : અહેવાલ

નવેમ્બરના પ્રથમ સપ્તાહમાં જંગી મૂડીરોકાણ : એફપીઆઈ દ્વારા ઇક્વિટીમાં ૬૪૩૩.૮ કરોડનું રોકાણ

નવીદિલ્હી, તા.૧૦ : વિદેશી મૂડીરોકાણકારોએ નવેમ્બર મહિનાના પ્રથમ સપ્તાહમાં ૧૨૦૦૦ કરોડથી વધુનું રોકાણ કર્યું છે. સરકાર દ્વારા આર્થિક સુધારાઓ હાથ ધરવામાં આવ્યા બાદ માર્કેટની સ્થિતિ ઉલ્લેખનીય સુધારો થઇ રહ્યો છે. નવેસરના ડિપોઝિટરીના ડેટા દર્શાવે છે કે, વિદેશી મૂડીરોકાણકારોએ ઇક્વિટીમાં ૬૪૩૩.૮ કરોડ રૂપિયા ઠાલવી દીધા છે જ્યારે ૧-૯મી નવેમ્બરના ગાળા દરમિયાન ડેબ્ટ માર્કેટમાં ૫૬૭૩.૮૭ કરોડ રૂપિયા ઠાલવી દીધા છે. આની સાથે જ સ્થાનિક માર્કેટમાં કુલ નેટ રોકાણનો આંકડો ૧૨૧૦૭.૬૭ કરોડ રૂપિયાનો રહ્યો છે. વિદેશી મૂડીરોકાણના સતત બે મહિના બાદ નવેસરનો પ્રવાહ વધી રહ્યો છે. ઓક્ટોબર મહિનામાં એફપીઆઈ દ્વારા ૧૬૪૬૪.૬ કરોડ રૂપિયા રોકવામાં આવ્યા હતા જ્યારે સપ્ટેમ્બર મહિનામાં તેઓએ ૬૫૫૭.૮ કરોડ રૂપિયા ઠાલવ્યા હતા. આ પહેલા એફપીઆઈ દ્વારા ઇક્વિટી અને ડેબ્ટ માર્કેટમાં સપ્ટેમ્બર મહિનામાં ૬૫૫૭.૮ કરોડ રૂપિયા ઠાલવી દેવામાં આવ્યા હતા.

                   વૈશ્વિક મોરચા પર અમેરિકા અને ચીન વચ્ચે ટ્રેડવોરની સ્થિતિ હળવી બની રહી છે જેના લીધે વૈશ્વિક મૂડીરોકાણકારોમાં જોખમ લેનાર લોકોની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. જાણકાર લોકોનું કહેવું છે કે, સુપરરિચ સરચાર્જને નાબૂદ કરવા, કોર્પોરેટ ટેક્સમાં ઘટાડો કરવા અને બેંકોમાં નાણાં ઠાલવવાની કેન્દ્ર સરકારની નીતિના પરિણામ સ્વરુપે અર્થતંત્રમાં તેજી આવવાના સંકેત દેખાઈ રહ્યા છે. સરકાર દ્વારા ઇક્વિટી મૂડીરોકાણ ઉપર હાલમાં ટેક્સ માળખાની સમીક્ષા સરકાર દ્વારા કરવામાં આવી રહી છે. આ તમામ પગલાની તરત અસર દેખાશે નહીં પરંતુ લાંબા ગાળે આ તમામ પગલાઓની અસર દેખાશે. ઇક્વિટી અને ડેબ્ટ બંને માર્કેટમાં નેટ પ્રવાહ વધી રહ્યો છે. છેલ્લા થોડાક મહિનાઓમાં મૂડી પ્રવાહમાં સતત ઉતારચઢાવની સ્થિતિ જોવા મળી રહી છે. એફપીઆઈ પ્રવાહ દ્વારા બે મહિના પહેલા જ વેચવાલીનું વલણ અપનાવવામાં આવી રહ્યું હતું. વિદેશી રોકાણકારોને આકર્ષિત કરવાના વિવિધ પગલા હવે સફળ સાબિત થઇ રહ્યા છે.

FPI દ્વારા લેવાલી.....

*    નવેમ્બરના પ્રથમ સપ્તાહમાં ૧૨૦૦૦ કરોડથી વધુનુ મૂડીરોકાણ કરવામાં આવ્યું છે

*    પહેલીથી ૯મી નવેમ્બર વચ્ચે વચ્ચે ઇક્વિટીમાં ૬૪૩૩.૮ કરોડ રૂપિયાનું રોકાણ કર્યું અને ડેબ્ટમાં ૫૬૭૩.૬૭ કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવ્યું

*    મૂડીરોકાણકારો ફરી એકવાર રોકાણના મૂડમાં

*    કોર્પોરેટ ટેક્સમાં ૧૦ ટકાના ઘટાડા અને વધારાયેલા ટેક્સ સરચાર્જને કેપિટલ ગેઇન પર લાગૂ નહીં કરવા નિર્ણયની કોઇ અસર ન થઇ

*    બજારમાં સ્થિતિમાં સુધારો થવાના હજુ સંકેત

*    સપ્ટેમ્બર મહિનામાં ૬૫૫૭.૮ કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવ્યું હતું

*    મે મહિનામાં વિદેશી મુડીરોકાણકારોએ ૯૦૩૧ કરોડ ઠાલવ્યા

*    એપ્રિલ મહિનામાં ૧૬૦૯૩ કરોડ રૂપિયાનું રોકાણ કરાયું હતું

*    ફેબ્રુઆરી મહિનામાં ૧૧૧૮૨ કરોડ અને માર્ચ મહિનામાં ૪૫૯૮૧ કરોડ રૂપિયાનું રોકાણ કરાયા બાદ સ્થિતિમાં સુધારો

એફપીઆઈની સ્થિતિ

        એફપીઆઈએ ભારતીય મૂડી માર્કેટમાંથી ૨૦૧૮માં ૮૩૦૦૦ કરોડ પાછા ખેંચી લીધા હતા. છેલ્લા કેટલાક વર્ષમાં મૂડી માર્કેટમાં એફપીઆઈનું વલણ નીચે મુજબ રહ્યું છે.

વર્ષ............................................................ આંકડા

૨૦૧૮............................... ૮૩૧૪૬ કરોડ ખેંચાયા

૨૦૧૭............................. ૫૧૦૦૦ કરોડ ઠલવાયા

૨૦૧૬............................. ૨૦૫૦૦ કરોડ ઠલવાયા

૨૦૧૫............................. ૧૭૮૦૦ કરોડ ઠલવાયા

૨૦૧૪............................. ૯૭૦૦૦ કરોડ ઠલવાયા

૨૦૧૩......................... ૧.૧૩ લાખ કરોડ ઠલવાયા

૨૦૧૨......................... ૧.૨૮ લાખ કરોડ ઠલવાયા

(8:17 pm IST)