Gujarati News

Gujarati News

News of Sunday, 10th November 2019

હિમાચલ, ઉત્તરાખંડ અને કાશ્મીરમાં ભારે હિમવર્ષા

ભારે હિમવર્ષાથી ઉત્તર ભારતમાં કાતિલ ઠંડીનું મોજુ : બદ્રીનાથ, કેદારનાથ, ગંગોત્રી અને યમનોત્રીમાં હિમવર્ષા

શિમલા, તા. ૧૦ : હિમાચલ પ્રદેશ અને જમ્મુ કાશ્મીરના જુદાજુદા ભાગોમાં હિમવર્ષા જારી રહી છે. જેના પરિણામ સ્વરુપે તાપમાનમાં ઘટાડો થતાં ઠંડીનું મોજુ ફરી વળ્યું છે. છેલ્લા કેટલાક દિવસથી હિમાચલના લાહોલ, સ્પીતી અને કિન્નોર જિલ્લામાં ભારે હિમવર્ષાથી ઉત્તરભારતમાં ઠંડીનું મોજુ વધી ગયું છે. લાહોલસ્પીતીના રોહતાંગમાં આજે પણ હિમવર્ષા થઇ હતી. ચારેબાજુ બરફની ચાદર ફેલાઈ ગઈ છે. ભારે હિમવર્ષાના પરિણામ સ્વરુપે વાહન વ્યવહારની સેવા પણ ખોરવાઈ ગઈ છે. બરફને દૂર કરવા માટે જેસીબી મશીનોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં બદ્રીનાથ, રુદ્રપ્રયાગ જિલ્લામાં કેદારનાથ, ઉત્તર કાશી જિલ્લામાં ગંગોત્રી, યમનૌત્રીમાં પણ હિમવર્ષા થઇ છે. શ્રીનગરમાં પણ હિમવર્ષા થઇ છે. જમ્મુ કાશ્મીરની સાથે સાથે હિમાચલ પ્રદેશમાં કુલ્લુ અને શિરમોર જિલ્લામાં પણ હિમવર્ષા થઇ છે. કુલ્લુમાં સોલંગ વિસ્તારમાં ભારે હિમવર્ષા સિઝનની પ્રથમ વખત થઇ છે. ભારે હિમવર્ષાથી ચારેબાજુ બરફની ચાદર છવાઈ ગઈ છે. પ્રવાસીઓ મોટી સંખ્યામાં પહોંચી રહ્યા છે. દરમિયાન જમ્મુ કાશ્મીરમાં છેલ્લા બે દિવસથી હિમવર્ષાના લીધે જનજીવન ખોરવાઈ ગયું છે. હિમવર્ષાના લીધે જમ્મુ કાશ્મીર અને અન્ય માર્ગોને બંધ કરવાની ફરજ પડી છે.

                શ્રીનગર વિમાની મથકથી આવતી અને જતી તમામ ફ્લાઇટોને રદ કરી દેવામાં આવી છે. અધિકારીઓના કહેવા મુજબ ગુરેજ, માછેલ, તંગધાર જેવા દુરગામી વિસ્તારોને પાટનગર શ્રીનગર સાથે જોડતા રસ્તાઓને બંદ કરી દેવામાં આવ્યા છે. માર્ગો બંધ થવાના લીધે ૨૦૦૦થી પણ વધારે વાહનો રાજમાર્ગો ઉપર અટવાઈ પડ્યા છે.

(8:07 pm IST)