Gujarati News

Gujarati News

News of Sunday, 10th November 2019

કોમન સિવિલ કોડ માટેનો પણ સમય આવી ચુક્યો છે

કેન્દ્રીયમંત્રી રાજનાથસિંહે સ્પષ્ટ સંકેત આપ્યો : કલમ ૩૭૦ની નાબૂદી અને અયોધ્યામાં મંદિર નિર્માણનો રસ્તો ખુલી ગયા બાદ હવે કોમન સિવિલ કોડ ઉપર નજર

નવીદિલ્હી, તા. ૧૦ : ભાજપ પર વિપક્ષી દળો તરફથી રામ મંદિર મામલા પર રાજનીતિ કરવાનો આક્ષેપ થઇ રહ્યો છે. ૩૭૦ બાદ અયોધ્યામાં રામ મંદિરનો રસ્તો પણ સાફ થઇ ગયો છે ત્યારે હવે સમાન નાગરિક સંહિતા અથવા તો કોમન સિવિલ કોડના મુદ્દા પર ચર્ચા શરૂ થઇ ચુકી છે. કેન્દ્રીયમંત્રી રાજનાથસિંહે આજે આ અંગેનો સંકેત પણ આપી દીધો છે. એક પછી એક જટિલ મુદ્દાઓને મોદી સરકાર ઉકેલી રહી છે. સૌથી પહેલા દશકોથી રહેલી ૩૭૦ની કલમને સાહસપૂર્વક દૂર કરવામાં આવી હતી અને હવે સુપ્રીમ કોર્ટ તરફથી અયોધ્યામાં રામ મંદિરને લઇને ચુકાદો આપી દેવામાં આવ્યા બાદ ભારતીય જનતા પાર્ટીએ હિન્દુત્વના પોતાના આ સૌથી મોટા મુદ્દા પર હંમેશ માટે રાજકીય પક્ષો ઉપર લીડ મેળવી લીધી છે. ચૂંટણીઓમાં ભારતીય જનતા પાર્ટી રજૂઆત કરી શકશે કે બે મોટા વચનો પાળી દેવામાં આવ્યા છે. ભાજપના નેતા અને સમર્થકો હવે સમાન નાગરિક સંહિતાની વાત કરવા લાગી ગયા છે.

                 ટ્વિટર પર યુનિફોર્મ સિવિલ કોડને લઇને નિવેદનો શરૂ થઇ ચુક્યા છે. સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ સંરક્ષણમંત્રી રાજનાથસિંહે પણ આની જરૂર બતાવી છે. પત્રકારો સાથે વાતચીત કરતા રાજનાથસિંહે કહ્યું છે કે, કોમન સિવિલ કોડ પર પણ હવે આગળ વધવાનો સમય આવી ગયો છે. દિલ્હી હાઇકોર્ટમાં યુનિફોર્મ સિવિલ કોડની માંગ કરનાર અરજીઓ ઉપર હવે સુનાવણી કરવામાં આવનાર છે. હાઈકોર્ટના ચીફ જસ્ટિસ બીએન પટેલ અને જસ્ટિસ શ્રીહરિશંકર આ મામલાની ૧૫મી નવેમ્બરના દિવસે સુનાવણી કરનાર છે. શનિવારના દિવસે આવેલા સુપ્રીમ કોર્ટના ચુકાદાએ એકરીતે ભાજપ માટે મજબૂત સ્થિતિ ઉભી કરી દીધી છે. આને લઇને ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતાઓ દ્વારા આંદોલન કરવામાં આવ્યું હતું. ભારતીય જનતા પાર્ટીના લોકો ચૂંટણીમાં હવે જોરદારરીતે મેદાનમાં ઉતરવા માટે ઇચ્છુક છે. દિલ્હી હાઈકોર્ટમાં ૧૫મી નવેમ્બરના દિવસે યુનિફોર્મ સિવિલ કોડની માંગ કરતી અરજીઓ ઉપર સુનાવણી કરનાર છે. ભાજપને ૨૦૧૪માં પોતાના દમ પર બહુમતિ મળ્યા બાદ એનડીએમાં તેની પકડ ખુબ મજબૂત થઇ છે જ્યારે જેડીયુ જેવા પક્ષો તરફથી વિટો પાવરનો ઉપયોગ કરવાની પ્રથા ખતમ થઇ છે. ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં પહેલા કરતા પણ વધારે સીટ સાથે સત્તામાં આવ્યા બાદ ભારતીય જનતા પાર્ટીની સ્થિતિ વધારે મજબૂત બની ગઈ છે. ૩૭૦ બાદ રામ મંદિર પર ચુકાદો આવ્યા બાદ ભારતીય જનતા પાર્ટીની સ્થિતિ વધારે મજબૂત દેખાઈ રહી છે. રાજનાથસિંહના સંકેત બાદ વિવાદ પણ થઇ શકે છે.

(8:10 pm IST)