Gujarati News

Gujarati News

News of Sunday, 10th November 2019

અયોધ્‍યા વિવાદના ચુકાદાને PM મોદીની જીત સાથે સરખાવતુ અમેરિકન મીડિયા

નવી દિલ્‍હી : અયોધ્યામાં વિવાદિત સ્થળ પર શનિવારે સુપ્રીમ કોર્ટે ચુકાદો આપી દીધો. ચીફ જસ્ટિસ રંજન ગોગોઈની અધ્યક્ષતાવાળી સુપ્રીમ કોર્ટની પાંચ જજની ખંડપીઠે કહ્યું કે કેન્દ્ર સરકાર વિવાદિત સ્થળ પર મંદિર નિર્માણ માટે ટ્રસ્ટ બનાવે અને ત્રણ મહિનામાં તેમની યોજના સોંપે. અમેરિકાના અખબાર વૉશિંગ્ટન પોસ્ટે કહ્યું કે દાયકા જૂના આ વિવાદમાં આવેલો ચુકાદો વડા પ્રધાન નરેન્દ્ર મોદીની મોટી જીત છે. પોસ્ટે કહ્યું કે હિન્દુ ભગવાન રામ માટે વિવાદિત સ્થળ પર મંદિર બનાવવાનો લાંબા સમયથી બીજેપીનો ઉદ્દેશ હતો.

છાપાએ આગળ લખ્યું, 'ભારતની સુપ્રીમ કોર્ટે દેશના સૌથી વિવાદિત ધાર્મિક સ્થળને ટ્રસ્ટને આપવાનો આદેશ આપ્યો જે જગ્યાએ ક્યારેક મસ્જિદ હતી. હવે એ જગ્યાએ હિન્દુ મંદિરના નિર્માણનો રસ્તો સાફ કરી દીધો છે.'

બ્રિટિશ છાપા ગાર્ડિયને પણ એને વડા પ્રધાન મોદી અને ભારતીય જનતા પાર્ટીની મોટી જીત ગણાવી. છાપાએ લખ્યું કે અયોધ્યામાં રામમંદિર બનાવવું તેમના રાષ્ટ્રવાદી એજન્ડાનો ભાગ રહ્યો છે. આ નિર્ણય એવા સમયે આવ્યો છે જ્યારે દેશના ૨૦ કરોડ મુસ્લિમ સરકારથી ડર મહેસૂસ કરી રહ્યા છે. ગાર્ડિયને કહ્યું કે ૧૯૯૨માં મસ્જિદ તોડી પાડવી એ ભારતમાં ધર્મનિરપેક્ષતા નાકામ થવાની સૌથી મોટી ક્ષણ હતી.

બીજી તરફ સંયુક્ત આરબ અમીરાતની વેબસાઇટ ગલ્ફ ન્યુઝ લખે છે, ૧૩૪ વર્ષનો વિવાદ ૩૦ મિનિટમાં પૂર્ણ થઈ ગયો. હિન્દુઓને અયોધ્યાની જમીન મળશે. મુસ્લિમોને મસ્જિદ માટે વૈકલ્પિક જમીન આપવામાં આવશે.

કોર્ટના નિર્ણયથી હિન્દુ-મુસ્લિમો વચ્ચેના સંબંધો પર અસર પડશે : ધ ડૉન

પાકિસ્તાની અખબાર ધ ડૉને લખ્યું, ભારતની સુપ્રીમ કોર્ટે એ વિવાદિત સ્થળ પર, જ્યાં હિન્દુઓએ ૧૯૯૨માં મસ્જિદ તોડી હતી ત્યાં હિન્દુઓના પક્ષમાં નિર્ણય સંભળાવ્યો અને કહ્યું કે અયોધ્યાની જમીન પર મંદિર બનાવવામાં આવશે. જોકે કોર્ટે એ માની લીધું કે ૪૬૦ વર્ષ જૂની બાબરી મસ્જિદને તોડી એ કાયદાનું ઉલ્લંઘન હતું. કોર્ટના આ નિર્ણયથી ભારતમાં હિન્દુ-મુસ્લિમો વચ્ચેના ભારે થયેલા સંબંધો પર મોટી અસર પડી શકે છે.

હિન્દુઓએ બાબરી મસ્જિદ તોડીને મંદિર બનાવવાની યોજના તૈયાર કરી : ન્યુ યૉર્ક ટાઇમ્સ

અમેરિકાના છાપા ન્યુ યૉર્ક ટાઇમ્સે કહ્યું, સુપ્રીમ કોર્ટના નિર્ણયથી હિન્દુઓને એ જગ્યાએ મંદિર બનાવવાની મંજૂરી મળી જ્યાં પહેલાં મસ્જિદ હતી. હિન્દુઓએ એની યોજના ૧૯૯૨ બાદ તૈયાર કરી લીધી હતી જ્યારે મસ્જિદ તોડી પાડવામાં આવી હતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને તેમની પાર્ટી બીજેપી હિન્દુ રાષ્ટ્રવાદ અને અયોધ્યામાં મંદિર બનાવવાની લહેરથી જ સત્તામાં આવ્યા. આ તેમના પ્લૅટફૉર્મ માટે પ્રમુખ મુદ્દો હતો.

(3:25 pm IST)