Gujarati News

Gujarati News

News of Sunday, 10th November 2019

અયોધ્યાના ચુકાદા બાદ વિશ્‍વ હિન્‍દુ પરિષદમાં પૂર્વ આંતરરાષ્‍ટ્રીય કાર્યકારી અધ્‍યક્ષ અશોક સિંધલને મરણોપરાન્‍ત ભારત રત્‍ન આપવાની માંગણી કરતા સુબ્રમણ્યમ સ્‍વામી

નવી દિલ્‍હી: વર્ષો જુના અયોધ્યા કેસમાં ચુકાદો આવી ગયા બાદ અલગ અલગ ભાજપ નેતા રામમંદિર આંદોલન સમયના નેતાઓને યાદ કરી રહ્યા છે. ઉમા ભારતીએ એલ.કે.આડવાણીની મુલાકાત લીધી અને તે સમયના નેતાઓને યાદ કર્યા ત્યારે ભાજપ નેતા સુબ્રમણ્યમ સ્વામીએ વિશ્વ હિંદુ પરિષદના પૂર્વ આંતરરાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ અશોક સિંઘલને યાદ કર્યા અને મોદી સરકાર સામે તેમના માટે ભારતરત્ન આપવાની માંગણી કરી

ભાજપ સાંસદે કહ્યું કે મોદી સરકારે વહેલામાં વહેલી તકે અશોક સિંઘલને દેશના સર્વોચ્ચ સમ્માનથી સન્માનિત કરવો જોઈએ.અયોધ્યા મામલે ઐતિહાસિક ચુકાદો આઈ ગયા બાદ ભાજપ નેતા અને સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ વિશ્વ હિંદુ પરિષદનાં પૂર્વ આંતરરાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ અશોક સિંઘલને મરણોપરાન્ત ભારતરત્ન આપવાની માંગણી કરી છે. સ્વામીએ કહ્યું કે મોદી સરકારે વહેલામાં વહેલી તકે દેશના અર્વોચ્ચ એવોર્ડથી સન્માન કરવું જોઈએ

સુબ્રમણ્યમ સ્વામીએ ટ્વિટ કરીને કહ્યું કે 'જીતની આ ક્ષણમાં અશોક સિંઘલને યાદ કરવું જોઈએ. નમો સરકારે તેમના માટે તરત જ ભારત રત્નની ઘોષણા કરવી જોઈએ જ્યારે રામની ઈચ્છા હતી ત્યારે જ રામમંદિર પુન:નિર્માણ માટે લીલી ઝંડી બતાવવામાં આવી.'ઉલ્લેખનીય છે કે અશોક સિંઘલને રામમંદિર માટે ચીફ આર્કિટેક તરીકે ઓળખવામાં આવે છે. રામમંદિર આંદોલનમાં તેમણે સૌથી મહત્વની ભૂમિકા ભજવી હતી. રામમંદિર આંદોલનમાં સામેલ પ્રમુખ ચહેરાઓમાં અશોક સિંઘલનું નામ મોખરે આવે છે.

વિશ્વ હિંદુ પરિષદના પૂર્વ અધ્યક્ષ પ્રવીણ તોગડીયાએ ચુકાદાનું સ્વાગત કરતા કહ્યું કે રામમંદિર માટે રામલલ્લાનું જન્મસ્થાન આપવું એ લાખો કાર્યકર્તાઓના બલિદાનને સલામ છે. આપને જણાવી દઈએ કે સુપ્રીમ કોર્ટે ચુકાદો આપતા કહ્યું કે અયોધ્યાના વિવાદિત જમીનની નીચેની સંરચના ઇસ્લામિક ન હતી પરંતુ ભારતીય પુરાતત્વ સર્વેક્ષણમાં તે પણ સાબિત થતું નથી કે મસ્જિદ માટે મંદિર તોડવામાં આવ્યું હતું. ચીફ જસ્ટિસ રંજન ગોગોઈની અધ્યક્ષતામાં પાંચ જજની સંવિધાન પીઠે જમીન રામલલાને સોંપવાનો આદેશ આપ્યો. સુન્ની વકફ બોર્ડને અયોધ્યામાં જ બીજી જગ્યાએ પાંચ એકર જમીન આપવાનો આદેશ પણ કરવામાં આવ્યો.

(2:21 pm IST)