Gujarati News

Gujarati News

News of Sunday, 10th November 2019

અયોધ્યા વિવાદ અંગે સુપ્રીમકોર્ટના ચુકાદાનો શ્રેય એનડીએ સરકાર લઇ શકે નહીં : ઉદ્ધવ ઠાકરે

સરકારને કાયદો બનાવવા વિનંતી કરી પરંતુ કાયદો બનાવ્યો નહીં

મુંબઈ : શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે ભાજપના નેતૃત્વ હેઠળની એનડીએ સરકાર અયોધ્યા વિવાદ અંગે સુપ્રીમ કોર્ટના ચુકાદાનો શ્રેય લઈ શકે નહીં. અમે સરકારને વિનંતી કરી હતી કે રામ મંદિર નિર્માણ માટે કાયદો બનાવવામાં આવે, પરંતુ સરકારે તેમ કર્યું નહીં. હવે જ્યારે સુપ્રીમ કોર્ટ કેસમાં ચુકાદો સંભળાવશે ત્યારે સરકાર તેનું શ્રેય લઈ શકશે નહીં.

   સુપ્રીમ કોર્ટની 5 જજોની બેંચ શનિવારે સવારે અયોધ્યા વિવાદ અંગે પોતાનો ચુકાદો આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે પોતાના ચુકાદામાં વિવાદીત જમીન રામજન્મભૂમિ ન્યાસને સોંપવાનો આદેશ આપ્યો હતો. જો કે ઉદ્ધવ ઠાકરેનું નિવેદન સુપ્રીમ કોર્ટના ચુકાદા પહેલા આવ્યું હતું. ચુકાદા પછી હજી શિવસેના તરફથી સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી.

  અત્રે ઉલ્લેખનીય છે કે 2014 લોકસભા ચૂંટણી પહેલી શિવસેનાએ કેન્દ્ર સરકાર પર દબાણની રાજનીતિ કરવા રામ જન્મભુમિ વિવાદનો મુદ્દો ઉઠાવી સરકાર સમક્ષ માગ કરી હતી કે કેન્દ્ર સરકારે રામમંદિર બનાવવાં માટે જલદીમાં જલદી કાયદો બનાવવો જોઇએ. 2014 લોકસભા ચૂંટણીમાં જીત મેળવ્યા પછી પણ શિવસેના સુપ્રીમો પોતાના 16 સાંસદો સાથે અયોધ્યા પહોંચ્યા હતા અને ફરી એકવાર સરકારને તાકીદ કરી હતી કે રામમંદિર મામલે સરકાર જલદી કાયદો લાવે.

  અત્રે ઉલ્લેખનીય પણ છે કે હાલ શિવસેના અને BJP વચ્ચે મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી પદને લઇને ખેંચતાણ જોવા મળી રહી છે. શિવસેના BJPને તેનો વાયદો પૂરો કરવા માટે દબાણ કરી રહી છે જ્યારે બીજી તરફ BJP તરફથી કહેવામાં આવી રહ્યું છે કે BJP 50-50 ફોર્મ્યુલાનું કોઇ વચન શિવસેનાને આપ્યું નથી.

(10:57 pm IST)