Gujarati News

Gujarati News

News of Saturday, 10th November 2018

છત્તીસગઢ : ભાજપ ઘોષણાપત્રમાં આવાસ યોજના માટે ૫૦૦ કરોડ

૧૮ હજાર કરોડ રૂપિયા કેન્દ્રની ભાજપ સરકારે આપ્યા છે : શાહઃ હવે ૬૦ વર્ષથી ઉપરની વયના નાના, સીમાંત ખેડુત અને ભૂમિ વગરના કૃષિ મજુરોને એક હજાર રૂપિયા પ્રતિ મહિને પેન્શન : ખેડુતોને બે લાખ નવા પંપ

રાયપુર, તા.૧૦ : ભાજપ પ્રમુખ અમિત શાહે પણ છત્તીસગઢ વિધાનસભાની ચુંટણી પહેલા આજે પાર્ટી માટે ઘોષણાપત્ર જારી કરી દીધું હતું. રાજ્યના સર્વાંગી વિકાસના દાવા આમાં કરવામાં આવ્યા છે. અમિત શાહે કહ્યું છે કે રાજ્યના વિકાસ માટે કૃષિ યોજના માટે ૪૫ કરોડ, પ્રધાનમંત્રી આવાસ યોજના માટે ૫૦૦ કરોડ, ભિલાઈ પ્લાન્ટના વિસ્તરણ માટે ૯૩૫૦ કરોડ સહિત ૧૮૦૦૦ કરોડ રૂપિયા કેન્દ્રની ભાજપ સરકારે આપ્યા છે. સાથે સાથે અમિત શાહે ઘોષણાપત્ર જારી કરીને કેટલાક વચનો આપ્યા હતા. ઘોષણાપત્રમાં ભાજપે વચન આપ્યું છે કે ૬૦ વર્ષથી વધુ વયના નાના અને સીમાંત ખેડૂતો તથા જમીન વગરના કૃષિ મજુરોને એક હજાર રૂપિયા પ્રતિ મહિને પેન્શન  આપવામાં આવશે. આગામી પાંચ વર્ષમાં ખેડુતોને બે લાખ નવા પંપ આપવામાં આવશે. ભાજપે ઘોષણાપત્રમાં અન્ય કેટલીક મહત્વની વાત પણ કરી છે. અમિત શાહે ચુંટણી ઢંઢેરો જારી કર્યો ત્યારે રાજ્યના મુખ્યમંત્રી રમણસિંહ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ વખતે ભાજપ સામે અનેક પ્રકારના પડકારો રહેલા છે. લઘુત્તમ સમર્થન મૂલ્ય વધારીને ૧.૫ ગણા કરવાની પણ આમાં વાત કરવામાં આવી છે. છત્તીસગઢમાં ફિલ્મ સીટીનું નિર્માણ કરવાની પણ વાત કરવામાં આવી છે. છત્તીસગઢના નકસલી પ્રભાવિત ૧૮ વિધાનસભા સીટ પર ૧૨મી નવેમ્બરના દિવસે મતદાન થનાર છે. બીજા તબક્કામાં ૨૦મી નવેમ્બરના દિવસે મતદાન થશે. ભાજપ પ્રમુખનું કહેવું છે કે મધ્યપ્રદેશમાં સર્વાંગી વિકાસ થઈ રહ્યો છે. છત્તીસગઢમાં સંકલ્પપત્ર જારી કરીને શાહે કોંગ્રેસ પાર્ટી પર પ્રહાર કર્યા હતા અને કહ્યું હતું કે અમે ગરીબોના આવાસ પર ગેસ પહોંચાડવાનું કામ કરી રહ્યા છે. ઉદ્યોગો લગાવીને રોજગાર આપવા ખેડૂતોને વધુ પ્રમાણમાં સમર્થન મૂલ્ય જેવા કામોમાં ક્રાંતિ જોવા મળે છે. છત્તીસગઢના હજારો બુદ્ધિજીવીઓ, મહિલાઓ, યુવાનો, ખેડૂતો અને સામાન્ય લોકોને વાત કરીને ચુંટણી એજન્ડાને નક્કી કરવામાં આવ્યા બાદ આને જારી કરાયો છે. છેલ્લા ૧૫ વર્ષમાં રાજ્યની સ્થિતિ બદલાઈ છે. નવા છત્તીસગઢનું નિર્માણ કરવાના હેતુસર આ ચુંટણી ઢંઢેરામાં મહત્વની બાબતો રજુ કરવામાં આવી છે. ભાજપ પ્રમુખ અમિત શાહે કહ્યું હતું કે રાજ્યના સર્વાંગી વિકાસ માટે સરકાર કટિબદ્ધ દેખાઈ રહી છે. છત્તીસગઢમાં નકસલવાદનો સફાયો થઈ રહ્યો છે. રમણસિંહની પ્રશંસા કરતા શાહે કહ્યું હતું કે આ સરકારે વિકાસના તમામ રેકોર્ડ તોડી દીધા છે. છેલ્લા ૧૫ વર્ષમાં રાજ્યનું ચિત્ર બદલાઈ ગયું છે. નકસલવાદથી તમામ ક્ષેત્રોને મુક્તિ મળી છે. કોંગ્રેસે આશરે ૫૫ વર્ષ સુધી શાસન કર્યું છે પરંતુ દેશના અંતિમ વ્યક્તિ સુધી વિકાસના કામો પહોંચાડવાનું કામ મોદી સરકારે કર્યું છે. છત્તીસગઢની ઓળખ દેશના પછાત રાજ્ય તરીકે થતી હતી પરંતુ આજે તેને પાવર હબ, એજ્યુકેશન હબ જેવા નામથી ઓળખવામાં આવે છે. ૨૦૧૮ની ચુંટણી ભાજપ માટે નવા છત્તીસગઢ નિર્માણની ચુંટણી છે. લોકોના આશિર્વાદથી અમે ચોથીવાર સરકાર બનાવીશું. અમિત શાહે કહ્યું હતું કે હાલમાં એક મણીકંચન યોગ છે. કેન્દ્રમાં મોદીની સરકાર છે. જ્યારે રાજ્યમાં રમણસિંહની સરકાર છે. છત્તીસગઢમાં અંત્યોદયને પ્રાથમિકતા અપાઈ છે. ફ્રીમાં સાઈકલ, એક રૂપિયા કિલો ચોખા અપાયા છે. કૃષિના સૌથી ઉંચા ભાવ રમણસિંહ સરકાર દ્વારા અપાય છે. રેશનીંગ દુકાનોમાં ચાલતી ગેરરીતિઓને દુર કરવામાં આવી છે. ગર્ભવતી મહિલાઓને પેમેન્ટની સાથે રજા અપાઈ છે. જ્યારે કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર હતી ત્યારે છત્તીસગઢ સરકારને ૪૮૦૮૮ કરોડ રૂપિયા મળતા હતા. ભાજપની સરકારમાં ૧૪માં નાણા પંચના સમયે રાજ્ય માટે આ રકમ વધારીને ૧૩૭૯૨૭ કરોડ રૂપિયા કરવામાં આવી છે. સંકલ્પપત્રની મુખ્ય વાતોને રજુ કરતા મુખ્યમંત્રીએ કહ્યું હતું કે કોંગ્રેસે ખેડુતોને હંમેશા વોટબેંકની રાજનીતિ તરીકે ગણીને તેમનો દુરૂપયોગ કર્યો છે.

ભાજપ ઘોષણાપત્ર..... રાજ્યની પ્રજાને અનેક વચનો આપ્યા

        રાયપુર, તા. ૧૦: ભાજપ પ્રમુખ અમિત શાહે પણ છત્તીસગઢ વિધાનસભાની ચુંટણી પહેલા આજે પાર્ટી માટે ઘોષણાપત્ર જારી કરી દીધું હતું. રાજ્યના સર્વાંગી વિકાસના દાવા આમાં કરવામાં આવ્યા છે.  ભાજપના ઘોષણાપત્રમાં વિશેષ બાબતો કઈ કઈ છે તે નીચે મુજબ છે.

   ૬૦ વર્ષથી વધુ વયના નાના અને સીમાંત ખેડુતો તેમજ ભૂમિહિન કૃષિ મજુરોને એક હજાર રૂપિયા પ્રતિ મહિને પેન્શન

   આગામી પાંચ વર્ષમાં ખેડુતોને બે લાખ નવા પંપ અપાશે

   અનાજ અને અન્ય પ્રકારની પેદાશોથી ખેડુતોને વધુ રાહત અપાશે

   ખેડુતો પાસેથી લઘુત્તમ સમર્થન મુલ્ય પર વધારે પેદાશો ખરીદવામાં આવશે

   સમર્થન મૂલ્યને વધારીને ૧.૫ ગણા કરવાની તૈયારી કરાઈ છે

   છત્તીસગઢ ફિલ્મ સિટીનું નિર્માણ કરવામાં આવશે

   ૧૨માં સુધી તમામ વિદ્યાર્થીઓને મફતમાં પુસ્તકો આપવામાં આવશે

   ૧૨માં સુધીના તમામ વિદ્યાર્થીઓને મફતમાં યુનિફોર્મ અપાશે

   પત્રકાર કલ્યામ બોર્ડની ફરી રચના કરવામાં આવશે

   મહિલાઓને પોતાના વ્યાપાર શરૂ કરવા બે લાખ રૂપિયા સુધી વ્યાજ વગરની લોન અપાશે

   પ્રધાનમંત્રી આવાસ યોજના માટે ૫૦૦ કરોડ રૂપિયા અપાયા છે

   ભિલાઈ પ્લાન્ટના વિસ્તરણ માટે ૯૩૫૦ કરોડ રૂપિયા અપાયા

   કેન્દ્ર સરકાર તરફથી ૧૮ હજાર કરોડ રૂપિયા રાજ્યને અપાયા

   કૃષિ સિંચાઈ યોજના માટે ૪૫ કરોડ રૂપિયા અપાયા છે

 

કોંગ્રેસ પાર્ટી ઘોષણાપત્રઃ ૧૦ લાખ યુવાનોને રોજગારી

છત્તીસગઢમાં વિધાનસભા ચુંટણીના પ્રથમ તબક્કા પહેલા કોંગ્રેસ પાર્ટીએ ચુંટણી ઢંઢેરો જારી કરી દીધો છે. જેમાં કોંગ્રેસ પાર્ટીએ અનેક લોકલક્ષી વચનો આપ્યા છે. કોંગ્રેસના ઘોષણાપત્રમાં વચનો નીચે મુજબ છે.

   ૨૫૦૦ રૂપિયાના સ્ટાઈપેન્ડ પર રાજીવ મિત્ર યોજના હેઠળ ૧૦ લાખ યુવાનોને રોજગારી અપાશે

   ખેડુતોની લોન માફ કરાશે

   વીજળી બિલને અડધા કરવાનું વચન આપવામાં આવ્યું

   મહિલાઓને સુરક્ષા માટે સ્માર્ટ ફોન અપાશે

   નવી પાક વિમા યોજના લાગુ કરવાનું વચન

   ખેડુતોને જીવન વીમા અને આરોગ્ય વિમાની સાથે કિસાન ક્રેડિટની લિમિટ વધારવાની જાહેરાત

   ખેડુત આંદોલન દરમિયાન ખેડુતો પર નોંધાયેલા અપરાધિક કેસો પરત લેવાશે

   વીજળી ચોરીના ખોટા કેસોને પરત લેવામાં આવશે

   આરોગ્ય સેવાઓના વિકાસ અને મફત સારવારની સુવિધા અપાશે

   પેન્શનની રકમ ૩૦૦ રૂપિયાથી વધારીને ૧૦૦૦ રૂપિયા કરાશે

   નર્મદા પથનું નિર્માણ કરવામાં આવશે

   રાજ્યની તમામ નદીઓને સ્વચ્છ બનાવવા ઉપર ભાર મુકાશે

   ખેડુતોને પેન્શન આપવાનું વચન આપવામાં આવ્યું

   ટોપર્સ રહેલા વિદ્યાર્થીઓને લેપટોપ અપાશે

(8:52 pm IST)