Gujarati News

Gujarati News

News of Saturday, 10th November 2018

છત્તીસગઢ : પ્રથમ દોરની ચુંટણી માટે ઝંઝાવતી પ્રચારનો અંત થયો

છેલ્લા દિવસે રાહુલ, અમિત શાહ અને યોગીએ તમામ તાકાત ઝીંકીઃ પ્રથમ ચરણમાં ૧૨મી નવેમ્બરના દિવસે બસ્તર જિલ્લા અને રાજનાંદગાંવની ૧૮ સીટો માટે મતદાન : અભૂતપૂર્વ સલામતિ વ્યવસ્થા : મતદારો ઉત્સાહિત

રાયપુર, તા.૧૦ : અનાજના ભંડાર તરીકે ગણાતા છત્તીસગઢમાં હાઈવોલ્ટેજ ચુંટણી પ્રચારનો આજે અંત આવ્યો હતો. પ્રથમ તબક્કામાં છત્તીસગઢમાં ૧૨મી નવેમ્બરના દિવસે મતદાન યોજાશે. પ્રથમ તબક્કામાં નકસલવાદી ગ્રસ્ત બસ્તર ક્ષેત્રના સાત જિલ્લા અને રાજનાંદગાંવ જિલ્લાની ૧૮ સીટો માટે મતદાન યોજાશે. પ્રથમ તબક્કામાં ચુંટણી પ્રચારના છેલ્લા દિવસે રાહુલ ગાંધી, અમિત શાહ અને યોગી આદિત્યનાથે ઝંઝાવતી પ્રચાર કરીને માહોલ પોત પોતાની તરફેણમાં કરવાના પ્રયાસ કર્યા હતા. રાહુલ ગાંધીએ આજે પણ આક્રમક ચુંટણી પ્રચાર જારી રાખ્યો હતો. ભાજપ તરફથી રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ અને ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પ્રચારની જવાબદારી સંભાળી હતી. છત્તીસગઢમાં સત્તા જાળવી રાખવા માટે ભાજપ સામે અનેક પડકારો રહેલા છે. છેલ્લા ઘણા વર્ષથી ભાજપની સરકાર અહીં સત્તામાં છે. પ્રથમ તબક્કામાં પ્રચારના છેલ્લા દિવસે ભાજપ અને કોંગ્રેસે સંપૂર્ણ તાકાત ઉમેરી દીધી હતી. અમિત શાહ સવારે રાયપુરમાં ઘોષણાપત્ર જારી કરવાની સાથે સાથે જાહેરસભામાં પણ વ્યસ્ત રહ્યા હતા. રાજનાંદગાંવમાં રોડ શોમાં પણ વ્યસ્ત રહ્યા હતા. યોગી આદિત્યનાથે રાજ્યમાં એક પછી એક આઠ રેલી યોજી હતી. યોગીએ લોરમી, મુંગાલી, સાજા, કવરધામાં રેલી યોજી હતી. યોગી આવતીકાલે પણ વધુ ચાર રેલી યોજનાર છે. ભાજપના સૂત્રોના કહેવા મુજબ યોગી રાજ્યમાં ૧૮થી ૨૦ રેલી કરનાર છે. યોગી સ્ટાર પ્રચાર પૈકીના છે અને મુખ્યમંત્રી રમણસિંહે ઉમેદવારી નોંધાવી ત્યારે પણ છત્તીસગઢ પહોંચ્યા હતા. યોગી આદિત્યનાથ એવા સમયે છત્તીસગઢ પહોંચ્યા છે જ્યારે અયોધ્યામાં ભગવાન રામની ૧૫૧ મીટર ઉંચી પ્રતિમા બનાવવા અને ફૈઝાબાદનું નામ બદલીને અયોધ્યા કરવાની જાહેરાત કરી ચુક્યા છે. ભાજપ તરફથી વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ પણ પ્રચારમાં વ્યસ્ત દેખાયા છે. સુષ્માએ આજે ભિલાઈ અને રાયપુરમાં ચુંટણી પ્રચાર કરીને સ્થિતિને લઈને સમીક્ષા પણ કરી હતી. બીજી બાજુ ચુંટણી પ્રચારના અંતિમ દિવસે કોંગ્રેસ તરફથી રાહુલ ગાંધીએતમામ તાકાત ઝીંકી દીધી હતી. રાજ્યમાં અનેક રેલી અને રોડ શો બાદ આજે રાહુલ પાખનજોરમાં પહોંચ્યા હતા. પહેલા ઘોષણાપત્ર જારી કરાયું હતું. ત્યારબાદ રાજ્યમાં કોંગ્રેસ પાર્ટીની સરકાર બન્યા બાદ એક લાખ યુવાનોને સરકારી નોકરી આપવાની વાત કરી હતી. ઉપરાંત ખેડુતો માટે દેવા માફી અને વીજળી બીલ અડધા કરવાની વાત કરી હતી. છત્તીસગઢમાં બે તબક્કામાં વિધાનસભાની ચૂંટણી યોજાનાર છે. બીજા તબક્કામાં ૭૨ સીટ માટે ૨૦મી તારીખે મતદાન થશે. રાજ્યમાં ૯૦ સીટો પૈકી ૧૦ સીટો અનુસૂચિત જાતિ માટે તથા ૨૯ સીટો અનુસૂચિત જનજાતિ માટે રિઝર્વ રાખવામાં આવી છે. રાજ્યમાં ૧૮૫૫૯૯૩૬ મતદારો છે. જે પૈકી પુરૂષ મતદાતાઓની સંખ્યા ૯૨૯૫૩૦૧ છે. જ્યારે મહિલા મતદારોની સંખ્યા ૯૨૪૯૪૫૯ છે. છત્તીસગઢમાં ૧૯ વિધાનસભા ક્ષેત્ર એવા છે જ્યાં ૧૯ કરતા વધુ ઉમેદવાર મેદાનમાં છે. આ સીટી પર બેથી વધારે ઈવીએમ મુકવામાં આવ્યા છે. ત્રણ વિધાનસભા ક્ષેત્રોમાં ઉમેદવારોની સંખ્યા ૩૨થી વધારે હોવાથી ત્રણબેલેટ યુનિટ ગોઠવવામાં આવી છે. છત્તીસગઢમાં વિધાનસભા ચૂંટણીને લઈને મજબૂત સુરક્ષા વ્યવસ્થા રાખવામાં આવી છે. વર્તમાન વિધાનસભાની અવધિ પાંચમી જાન્યુઆરી ૨૦૧૯ના દિવસે પુરી થઈરહી છે. હાલમાં ભાજપ સત્તામાં છે અને રમણસિંહ રાજ્યના મુખ્યમંત્રી તરીકે છે. ૧૨મી નવેમ્બરના દિવસે પ્રથમ તબક્કામાં મતદાન થશે.

પ્રથમ તબક્કામાં જે બેઠકો રહેલી છે તેમાં માઓવાદીગ્રસ્ત બેઠકો પણ સામેલ છે. આજે ત્રણ વાગે ચુંટણી પ્રચારનો અંત આવ્યો હતો. જ્યારે બીજા તબક્કા માટે ચુંટણી પ્રચાર ચરમસીમા પર છે. બીજા અને અંતિમ તબક્કામાં આ મહિનાની ૨૦મી તારીખે મતદાન થશે. મતગણતરી આગામી મહિને હાથ ધરવામાં આવશે. ચુંટણી પ્રચારને લઈને આજે છેલ્લા દિવસે તમામ રાજકીય પક્ષો વ્યસ્ત રહ્યા હતા. જેમાં ભાજપ તરફથી સુષ્મા સ્વરાજ, બાબુલ સુપ્રિયો, યોગી આદિત્યનાથનો સમાવેશ થાય છે. જ્યારે કોંગ્રેસ તરફથી રાહુલ ઉપરાંત રાજ બબ્બર અને અન્ય લોકો વ્યસ્ત રહ્યા હતા.

(9:24 pm IST)