Gujarati News

Gujarati News

News of Saturday, 10th November 2018

લૉન્ચ લેવાની તારીખની વાત છે ત્યારે હું લંડનમાં હતો : CVC સમક્ષ રાકેશ અસ્થાનાએ નવા તથ્યો સામે મુક્યા

આલોક વર્માએ પોતાના પર લાગેલા આરોપોને સતત બીજા દિવસે ફગાવ્યા

નવી દિલ્હી ;સીબીઆઇમાં ચાલતા વિવાદમાં રાકેશ અસ્થાનાએ CVC સમક્ષ સ્પષ્ટ રીતે કહ્યું કે જ્યારે લાંચ પ્રકરણની તારીખની વાત છે ત્યારે હું લંડનમાં હતો.

  રાકેશ અસ્થાના અને આલોક વર્મા પર લાગેલા આરોપોની CVC તપાસ કરી રહ્યું છે. CVC સમક્ષ હાજર થવાનું ફરમાન મોકલવામાં આવતા રાકેશ અસ્થાના હાજર થયા હતા. પોતાની સફાઈમાં રાકેશ અસ્થાનાએ નવા તથ્યો સામે મૂક્યા છે.

સીબીઆઈના સૂત્રોના જણાવ્યા મુજબ હૈદ્રાબાદના વેપારી સના સતીષની ફરીયાદના આધારે સીબીઆઈએ રાકેશ અસ્થાના વિરુદ્વ લાંચનો કેસ કર્યો છે. સનાની જૂબાની બાદ મામલો વધુ ઘેરાતો જઈ રહ્યો છે. સતીષ પાસેથી ત્રણ કરોડ રૂપિયાની લાંચ લેવામાં આવી હોવાની એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. આ રકમ વચેટીયા મનોજ પ્રસાદ અને સોમેસ પ્રસાદ દ્વારા પહોંચતી કરવામાં આવી હતી  લાંચ આપવાનું કારણ માંસ વિક્રેતા મોઈન કુરૈશી સામેના કેસને કમજોર કરવા માટેનું હતું. સતીષ સનાએ કહ્યું હતું કે ત્રણ કરોડ રૂપિયા રાકેશ અસ્થાના જેવી લાગતી વ્યક્તિને આપ્યા હતા.

  જ્યારે રાકેશ અસ્થાનાએ કેબિનેટ સચિવને આપેલી ફરીયાદમાં સીબીઆઈ ચીફ આલોક વર્મા પર આરોપ મૂક્યો હતો કે સતીષ સના પાસેથી આલોક વર્માએ બે કરોડ રૂપિયાની લાંચ લીધી હતી. CVC સમક્ષ હાજર થતાં રાકેશ અસ્થાનાની પૂછપરછ કરવામાં આવી હતી. રાકેશ અસ્થાનાએ CVCને કહ્યું છે કે જે સમયગાળા દરમિયાન લાંચ લેવાની વાત કરવામાં આવી રહી છે તે સમયે પોતે(રાકેશ અસ્થાના) લંડનમાં હતા.

  સતીષ સના તરફથી દાખલ કરવામાં આવેલી એફઆઈઆરમાં કહેવામાં આવ્યું છે કે બીજી ડિસેમ્બરે લાંચની વાત કરવામાં આવી હતી અને 13 ડિસેમ્બર 2017માં લાંચની રકમ આપવામાં આવી હતી. આ અંગે રાકેશ અસ્થાનાએ કહ્યું કે તે સમયે પોતે(રાકેશ અસ્થાના) ભાગેડુ વિજય માલ્યાના કેસની સુનાવણીમાં લંડનમાં હતા. ન્યૂઝ રિપોર્ટસ પણ આ વાતને સમર્થન આપી રહ્યા છે કે ત્રીજી ડિસેમ્બરે રાકેશ અસ્થાનાએ દિલ્હી છોડી દીધું હતું અને 12મી ડિસેમ્બર સુધી તેઓ લંડનમાં હતા.

  જ્યારે સીબીઆઈ ચીફ આલોક વર્માએ પોતાના પર રાકેશ અસ્થાના દ્વારા મૂકવામાં આવેલા આરોપ અંગે તેમણે આજે સતત બીજા દિવસે પણ આરોપોને ફગાવી દીધા હતા. CVCના વડા કેવી ચૌધરી સમક્ષ આલોક વર્માએ જૂબાની આપી હતી.

  સીબીઆઈ સૂત્રો મુજબ  રાકેશ અસ્થાનાએ શુક્રવારે CVCની ઓફિસની મુલાકાત લીધી હતી પરંતુ ત્યાં કોઈ અધિકારી તેમને મળ્યા ન હતા. અસ્થાના શુક્રવારે સાંજે પોણા પાંચ વાગ્યે CVCની ઓફિસે પહોંચ્યા અને 10 મિનીટ માટે જ રોકાયા હતા. કારણ કે મુલાકાત માટે અસ્થાનાને કોઈ આગોતરી રીતે સમય ફાળવવામાં આવ્યો ન હતો. CVCની ટીમના ટી.એમ.ભસીન અને શરદ કુમારની ટીમ આલોક વર્મા અંગેના આરોપોની તપાસ કરી રહી છે.

(8:10 pm IST)