Gujarati News

Gujarati News

News of Saturday, 10th November 2018

દેશમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં કરાયેલ વધુ ઘટાડો

હજુ વધુ ઘટાડો કરવામાં આવે તેવી સંભાવનાઃ આંતરરાષ્ટ્રીય ક્રુડ ઓઇલની કિંમતમાં ઘટાડો જારી રહેતા તેની હકારાત્મક અસર : સામાન્ય નાગરિકોને વધુ રાહત

નવી દિલ્હી,તા. ૧૦: પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ઘટાડાનો દોર જારી રહ્યો છે. આજે વધુ ઘટાડો કરવામાં આવ્યો હતો. પેટ્રોલની કિંમતમાં નવી દિલ્હીમાં ૧૭ પૈસાનો ઘટાડો કરવામાં આવ્યો હતો. જ્યારે ડીઝલની કિંમતમાં ૧૬ પૈસાનો ઘટાડો કરવામાં આવ્યો હતો. મુંબઇમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ૧૭ પૈસાનો ઘટાડો કરવામાં આવ્યો હતો. ફ્યુઅલની કિંમતોને ખુબ સંવેદનશીલ ગણવામાં આવે છે.  અવિરત ઘટાડો કરવામાં આવ્યા બાદ સામાન્ય લોકોને વધુને વધુ રાહત મળી રહી છે. કરેક્શનનો દોર જારી રહેતા છેલ્લા એક મહિનામાં જ રિટેલ ફ્યુઅલની કિંમતમાં પાંચ ટકા સુધીનો ઘટાડો કરવામાં આવી ચુક્યો છે. આંતરરાષ્ટ્રીય ક્રુડ ઓઇલની કિંમતના આધાર પર કિંમતો નક્કી થાય છે. આ મહિનાની શરૂઆત બાદથી તેલ કિંમતો ચાર મહિનાની ઉંચી સપાટીથી ૧૧ ટકા સુધી ઘટી ગઈ છે. ફ્યુઅલની કિંમતમાં દરરોજના આધાર પર ઘટાડાનો દોર ચાલી રહ્યો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં તેલન કિંમતો ઘટતા ભાવમાં ભારતમાં પણ ઘટાડો થયો છે. કેન્દ્ર સરકાર દ્વારા વૈશ્વિક ક્રૂડની કિંમતમાં ઘટાડો થયા બાદ સામાન્ય લોકોને રાહત આપવા ઓઇલ કંપનીઓને સૂચના આપેલી છે. પેટ્રોલ અને ડીઝલની કિંમત ઓલટાઇમ હાઈ સપાટી ઉપર પહોંચી ગઈ હતી. ચોથી ઓક્ટોબરના દિવસે મુંબઈમાં પેટ્રોલની કિંમત લીટરદીઠ ૯૧.૩૪ સુધી પહોંચી હતી ત્યારબાદથી  ઘટાડો થઇ રહ્યો  છે. બંનેની કિંમતમાં ઘટાડો હાલ જારી રહી શકે છે. આંતરરાષ્ટ્રીય ક્રૂડની કિંમતમાં છેલ્લા બે સપ્તાહમાં ઉલ્લેખનીય ઘટાડો થતાં ભારતીય લોકોને તહેવારની સિઝનમાં રાહત મળી ગઈ છે.

 એમસીએક્સ એક્સચેંજમાં ક્રુડ ઓઇલની કિંમત છેલ્લા એેક મહિનામાં ૧૦૦૦ રૂપિયા પ્રતિ બેરલ સુધી ઘટી ચુકી છે. પાંચ રાજ્યો રાજસ્થાન, મધ્યપ્રદેશ. છત્તિસગઢ, તેલંગણામા વિધાનસભાની ચૂંંટણી હવે નવેમ્બર અને ડિસેમ્બરમાં યોજાનાર છે ત્યારે પહેલા એમ માનવામાં આવી રહ્યુ હતુ કે ભાવમાં સતત વધારો કરવામાં આવતા શાસક પાર્ટીને ફટકો પડશે પરંતુ હવે છેલ્લા ૨૨ દિવસથી કિંમતોમાં ઘટાડો કરવામાં આવ્યો છે.  છેલ્લા ૨૨દિવસના ગાળામાં જ પેટ્રોલની કિંમતમાં ચાર રૂપિયાથી વધુનો ઘટાડો કરવામાં આવી ચુક્યો છે.

(3:15 pm IST)