Gujarati News

Gujarati News

News of Saturday, 10th November 2018

છત્તીસગઢ વિધાનસભા ચૂંટણીઃ કૉંગ્રેસે ચૂંટણી ઢંઢેરાની જાહેરાત કરી

રાયપુર,તા.૧૦: છત્તીસગઢ વિધાનસભાની ચૂંટણી માટે કૉંગ્રેસે ચૂંટણી ઢંઢેરાની જાહેરાત કરી છે. કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ છત્તીસગઢના પ્રભારી પીએલ પુનિયા, પ્રદેશ કૉગ્રેસ અધ્યક્ષ ભૂપેલ બધેલ અને વરિષ્ઠ નેતાઓની સાથે ચૂંટણી ઢંઢેરાની જાહેરાત કરી હતી.

રાહુલ ગાંધી દ્વારા છત્તીસગઢ વિધાનસભા ચૂંટણીને લઈને ચૂંટણી ઢેઢેરો જાહેર કરવામાં આવ્યો જેને જન ઘોષણા પત્ર નામ આપવામાં આવ્યું છે. ચૂંટણી ઢંઢેરામાં ફૂડ ફોર ઓલ, હેલ્થ ફોર ઓલ સહિત શિક્ષાકર્મીઓ અને યુવાઓ માટે ઘણુ બધુ છે. આ ચૂંટણી ઢંઢેરો તૈયાર કરવા માટે એક લાખ લોકોનો અભિપ્રાય લેવામાં આવ્યો હતો. કૉંગ્રેસના ચૂંટણી ઢંઢેરા પર રાહુલ ગાંધીએ કહ્યું, ઈતિહાસમાં પ્રથમ વખત આટલા લોકોનો અભિપ્રાય લેવામાં આવ્યો છે. પ્રથમ વખત કોઈ રાજ્યમાં આટલા લોકો સાથે વાત કરી ચૂંટણી ઢંઢેરાને તૈયાર કરવામાં આવ્યો છે.

છત્તીસગઢમાં કૉંગ્રેસની સરકાર બનશે તો દારૂબંધી કરવામાં આવશે. છત્તીસગઢના નેતા વિપક્ષ ટીએસ સિંહદેવે કહ્યું, છત્તીસગઢ માટે ૩૬ લક્ષ્ય રાખવામાં આવ્યા છે જેમાં યુવાઓ, મહિલાઓ, એસસી-એસટી માટે પ્લાન વિચારવામાં આવ્યા છે. પત્રકારો, વકીલ અને ડૉક્ટરો માટે સુરક્ષા કાયદો બનવવાનો વાયદો કરવામાં આવ્યો છે. પેન્શન યોજનામાં ૬૦ વર્ષ કરતા વધારે ઉંમરના નાગરિકોને દર મહિને એક હજાર, ૭૫ વર્ષથી ઉપરના નાગરિકોને ૧૫૦૦ રૂપિયા પેન્શન આપવામાં આવશે.

આ સાથે જ બેરોજગારોને બેરોજગારી ભથ્થુ, ખેડૂતોની લોન માફ કરવા અને વિજળીનુ બિલ અડધુ કરવાના વાયદા કૉંગ્રેસે ચૂંટણી ઢંઢેરામાં કર્યા છે. આ સાથે જ રાજ્યમાં એક લાખ લોકોને નોકરી આપવાનો વાયદો કૉંગ્રેસે ચૂંટણી ઢંઢેરામાં કર્યો છે. એક વર્ષની અંદર નોકરી નહી મળવા પર ૨૫૦૦ રૂપિયા સ્ટાઈપેંડની વ્યવસ્થા કૉંગ્રેસે ચૂંટણી ઢંઢેરામાં કરી છે. આંગણવાડી સેન્ટરને પ્રાઈમરી ક્લાસમાં બદલવાની તૈયારીઓ કરવામાં આવી છે.

 

(2:52 pm IST)