Gujarati News

Gujarati News

News of Thursday, 10th October 2019

વિમાની કંપનીઓ બેડામાં વિસ્તાર કરવા માટે તૈયાર

વિમાની ભાડામાં ઘટાડો કરવામાં આવી શકે છે: ઓછા માર્જિન પર કારોબારથી જોખમ વધી શકે

નવી દિલ્હી,તા. ૧૦: આર્થિક મંદી હોવા છતાં ભારતીય વિમાન કંપનીઓ આ વર્ષે ઠંડીની સિઝનમાં પોતાના બેડામાં ડઝન જેટલા વિમાન સામેલ કરવા માટે વિચારી રહ્યા છે. જેના પરિણામસ્વરૂપે ભાડામાં ગળાકાપ સ્પર્ધા ચાલી શકે છે. વિમાન કંપનીઓ ગળા કાપ સ્પર્ધામાં ટકી રહેવા માટે પણ તૈયાર છે. આનો અર્થ એ થયો કે યાત્રીઓને સસ્તીમાં વિમાની યાત્રા કરવાની તક મળી શકે છે. જો કે પહેલાથી જ ઓછા માર્જિન પર કામ કરી રહેલી વિમાન કંપનીઓના નફા પર જોખમ વધી શકે છે. એકબાજુ વિમાન કંપનીઓ પોતાના વિસ્તરણમાં લાગેલી છે. વધુને વધુ વિમાન બેડામાં ઉમેરી દેવામાં આવી રહ્યા છે. બીજી બાજુ વાહન બનાવતી કંપનીઓ અને ગ્રાહકો મંદીના કારણે પરેશાન થયેલા છે. ભારતમાં વિમાન કંપનીઓ તેમના બેડામાં ડિસેમ્બર સુધીમાં ઓછામાં ઓછા ૩૦ વિમાનો સામેલ કરવા માટે   તૈયાર છે. આમાંથી ૨૦ વિમાનો તો નવેમ્બરના પ્રથમ સપ્તાહમાં જ આવી જશે. તાતા-સિગાપોર, એરલાઇન્સના સંયુક્ત સાહસ ગણાતા વિસ્તારા પોતાની ક્ષમતાને વધારી દેવા માટે તૈયાર છે. કંપની આ મહિનામાં પાંચ વિમાન પોતાના બેડામાં સામેલ કરવા માટે તૈયાર છે. આની સાથે જ વિસ્તારાના બેડામાં કુલ વિમાનની સંખ્યા વધીને ૪૧ ઉપર પહોંચી જશે. બીજી બાજુ સ્પાઇસ જેટ પણ તુર્કીની વિમાન કંપની કોરનડન સાથે સમજુતી કરવા માટે તૈયાર છે. જેના ભાગરૂપે નવી સમજુતી મુજબ આગળ વધવામાં આવનાર છે. ગોર એર પણ કેટલીક નવી યોજના પર કામ કરી રહી છે. ગોર એરના ટોપ અધિકારી જેહ વાડિયાએ કહ્યુ છે કે અમારી યોજના દરેક મહિનામાં સરેરાશ એક વિમાન બેડામાં સામેલ કરવાની છે. જો કે વિમાન કંપનીઓની વિસ્તરણ યોજનાને લઇને સ્પષ્ટપણે વાત કરવામાં આવી નથી.વિમાન કંપનીઓ વચ્ચે જોરદાર સ્પર્ધાના કારણે તમામને ફાયદો થશે. ખાસ કરીને વિમાન યાત્રીઓને તહેવારની સિઝનમાં મોટો ફાયદો થઇ શકે છે. 

(9:56 pm IST)