Gujarati News

Gujarati News

News of Thursday, 10th October 2019

ફ્રી કોલિંગનો ખેલ ખતમ : હવે મોબાઇલ ટેરિફ વોર ઉગ્ર બનશે

જિઓના પગલે હવે એરટેલ, વોડાફોન, આઇડિયાના કોલ ચાર્જીસ પણ વધશે

નવી દિલ્હી તા ૧૦  : રિલાયન્સ જીઓએ તેના નેટવર્ક પર ફ્રી કોલિંગનો ખેલ ખતમ કરી દેતાં હવે ટેરીફ વોર વધુ વકરશે. રિલાયન્સ જિઓએ અ  ેવી જાહેરાત કરી છે કે, જિઓના કસ્ટમર્સ જો રિલાયન્સ જિઓ સિવાયના નેટવર્ક એટલે કે આઇડિયા,એરટેલ, વોડાફોન વગેરે પર ફોન કરશે તો તેમની પાસેથી પ્રતિ મીનીટ ૬ પૈસાનો ચાર્જ વસુલ કરવામાં આવશે.

ઇન્ટરકનેકટ યુસેજ ચાર્જ (આઇયુસી) ભરપાઇ કરવા માટે આ પગલું લેવામાં આવ્યું હોવાનું જિઓએ જણાવ્યું છે. જોકે તેના બદલે તે પોતાના ગ્રાહકોને એટલાના જ ડેટા આપશે. એરટેલે ટ્રાઇમાં એવી ફરિયાદ કરી હતી અને આ પ્રકારનો આઇયુસી ચાર્જ રદ કરવા માટે જણાવ્યું હતું. વિશ્લેષકોનું  કહેવું છે કે આ રીતે હવે જિઓના હરીફોને પણ તક મળી છે કે તે પોતાના ગ્રાહકો પાસેથી આ પ્રકારનો ચાર્જ વસુલી શકે અને તેના કારણે હવે ટેરિફ વોર વધુ ઉગ્ર બનશે.

જોકે એ ગ્રાહકો પર નિર્ભર રહેશે કે તે ટેલિફોન સર્વિસ પ્રોવાઇડર્સના નિર્ણયને કઇ રીતે લે છે. આઇયુસી ચાર્જને લઇને વિવાદ ઘણા લાંબા સમયથી છેડાયો છે. જિઓ પર અન્ય ટેલિકોમ કંપનીઓ પણ અનેક પ્રકારના આક્ષેપો કરી રહી હતી.

વિશ્લેષકોનું માનવું છે કે વર્ષો સુધી ઉગ્ર સ્પર્ધાના સાક્ષી રહેલ ટેલિફોન સેકટરમાં આ પગલું હવે ટેરિફ વધારવા માટેનો એક રસ્તો બની રહેશે અને હવે આઇયુસી વસુલવાના નામે વોડાફોન, આઇડિયા, એરટેલ જેવા અન્ય નેટવર્ક પણ ટેરિફ વધારવાનું શરૂ કરશે.

જિઓએ જોકે તેના વર્તમાન ડેટા પ્લાન અને બેનિફીટમાં કોઇ બદલાવ કર્યો નથી, પરંતુ જો તમે જિઓ સિવાયના નેટવર્ક પર કોલિંગ કરવા ઇચ્છતા હો તો અલગથી આઇયુસી ટોપ-અપ વાઉચરને તમારે રિચાર્જ કરાવવું પડશે. આ માટે જિઓએ રૂા૧૦ થી લઇને રૂા૧૦૦ સુધીના પ્લાન જાહેર કર્યા છે.

(3:54 pm IST)