Gujarati News

Gujarati News

News of Thursday, 10th October 2019

સ્ટેટ બેન્કે FDના વ્યાજ દર ઘટાડયાઃસિનીયર સીટીઝન્સને આપ્યો આંચકો

દેશની સૌથી મોટી એવી સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડીયાએ બાંધી મુદ્દત થાપણના વ્યાજ દરમાં ઘટાડો જાહેર કર્યોઃ ૪.૧ કરોડ સિનીયર સીટીઝનને માઠી અસરઃ સિનીયર સીટીઝન્સના બેન્કમાં જમા છે ૧૪ લાખ કરોડ રૂપિયા : બેન્કે ૧ થી ૨ વર્ષ માટેની થાપણ પર વ્યાજ દર ૭ ટકાથી ૬.૯૦ ટકા તો બચત ઉપર ૩.૫૦ ટકાથી ઘટાડી ૩.૨૫ ટકા કર્યુઃ રીટેલ એફડી પર વ્યાજ દર ૬.૫૦ ટકાથી ઘટાડી ૬.૪૦ ટકા કર્યુ

નવી દિલ્હી, તા. ૧૦ :. ભારતમાં કરોડો વરીષ્ઠ નાગરીકો ફીકસ ડીપોઝીટ એટલે કે એફડીથી મળતા વ્યાજની રકમ ઉપર નિર્ભર હોય છે પરંતુ દેશની સૌથી મોટી સરકારી બેન્ક સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડીયાએ પોતાના ગ્રાહકોને આંચકો આપ્યો છે. બેન્કે એકથી બે વર્ષના ગાળાની એફડી પર મળતા વ્યાજમા ઘટાડો કર્યો છે. હવે બીજી બેન્કો પણ તેને અનુસરસશે. તેથી આવા વરીષ્ઠ નાગરીકો અને સેવા નિવૃત લોકો જેઓ એફડીના વ્યાજ પર નિર્ભર છે તેમની સમસ્યા વધી ગઈ છે.

રીઝર્વ બેન્કે આદેશ આપ્યો હતો કે બેન્કો વ્યાજદરોને એમસીએલઆર સાથે નહી પરંતુ રેપો રેટ સાથે જોડે. રેપો રેટ સમય સમય પર બદલતો રહે છે તેથી જમા રકમ પર વ્યાજ દર પણ સતત બદલતો રહેશે.

જમા દર ઘટાડયા બાદ ૫૦ લાખ રૂપિયાની એફડી પર વર્ષમાં ૫૦૦૦ રૂ. વ્યાજ ઓછુ મળશે. એસબીઆઈના જણાવ્યા પ્રમાણે લગભગ ૪.૧ કરોડ સીનીયર સીટીઝનના એફડી ખાતામાં કુલ ૧૪ લાખ કરોડ રૂપિયા પડેલ છે.

રીઝર્વ બેન્કે વ્યાજ દરમાં ઘટાડો કરી નિવૃતોને આંચકો આપ્યો છે. સીનીયર સીટીઝનો માટે ૧ થી ૨ વર્ષની એફડીના વ્યાજ દરમાં ૦.૧૦ ટકા સુધીનો ઘટાડો કર્યો હતો. આ દર ૭ ટકાથી ઓછો થઈને હવે ૬.૯ ટકા થઈ ગયો છે તો બેન્કે બચત ખાતામાં ૧ લાખ સુધીની જમા રકમ પર વ્યાજ દર ૩.૫ ટકાથી ઘટાડી ૩.૨૫ ટકા કર્યો છે. બેન્કનું કહેવુ છે કે વ્યાજ દર ઘટાડાથી સીસ્ટમમાં સરપ્લસ લીકવીડીટી આવવાની શકયતા છે.

બેન્કે વ્યાજ ઘટાડતા વરીષ્ઠ નાગરીકોમાં બેચેની વધી છે. બેન્કના નવા વ્યાજદરો આજથી અમલી બન્યા છે. બચત ખાતા પર સંશોધીત વ્યાજદરો ૧લી નવેમ્બરથી લાગુ પડશે.

સ્ટેટ બેન્કે કહ્યુ છે કે ૧ વર્ષથી ૨ વર્ષ સુધીની રીટેલ એફડી પર વ્યાજ દરમાં ૦.૧૦ ટકાનો ઘટાડો થયો છે. જે હવે ૬.૫૦ ટકાથી ઘટીને ૬.૪૦ ટકા થઈ ગયેલ છે. એસબીઆઈમાં ૨ કરોડ રૂ.થી ઓછી ડીપોઝીટ રીટેલ ડીપોઝીટ ગણાય છે.

(3:12 pm IST)