Gujarati News

Gujarati News

News of Thursday, 10th October 2019

સિરિયા : તુર્કીના હવાઈ હુમલાથી વિશ્વ ચિંતાતુર, ભારતે કરેલી નિંદા

સિરિયામાં આઈએસ અને કુર્દિશ પર હુમલા કરાયા : તુર્કી : અમેરિકાએ તુર્કીથી પોતાના સૈનિકને ખસેડી લીધા બાદથી તુર્કીએ તરત હવાઈ હુમલાઓ શરૂ કર્યા : નાગરિક વિસ્તાર ટાર્ગેટ બન્યા હોવાના અહેવાલ મળ્યા

અંકારા, તા.૧૦ : અમેરિકાની સેનાને ખસેડવામાં આવ્યા બાદ તરત જ તુર્કીએ પોતાના પડોશી દેશ સિરિયામાં હવાઈ હુમલા શરૂ કર્યા હતા. આમા સામાન્ય લોકોના મોત થયા હોવાના અહેવાલ પણ મળ્યા છે. જો કે, તુર્કીએ દાવો કર્યો છે કે, તેના દ્વારા કુર્દ બળો અને ઇસ્લામિક સ્ટેટના ત્રાસવાદીઓ સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્રાસવાદીઓ પર હવાઈ હુમલા કરવામાં આવ્યા છે. તુર્કી કુર્દ લડવૈયાઓને ત્રાસવાદી તરીકે ગણે છે. બીજી બાજુ તુર્કીના એકતરફી નિર્ણયના કારણે ભારતે પણ ચિંતા વ્યક્ત કરી છે. સાથે સાથે એવી અપીલ પણ કરી છે કે, તે સિરિયાની ક્ષેત્રિય અખંડતાનું સન્માન કરે તે ખુબ જરૂરી છે. ભારતનું કહેવું છે કે, તુર્કીના આ પગલાથી ક્ષેત્રિય સ્થિરતાને નુકસાન થશે. ભારતે કહ્યું છે કે, આ અભિયાનથી આતંકવાદ સામેની લડાઈ નબળી પડશે. કાશ્મીર પર તુર્કીની ભાષા બોલી રહેલા પાકિસ્તાન અને તુર્કીની હવે ભારતે જોરદાર ઝાટકણી કાઢી છે. કાશ્મીર પર તુર્કી પાકિસ્તાનની ભાષામાં વાત કરી રહ્યું હતું ત્યારે હવે ભારતે પણ તુર્કીની જોરદાર ઝાટકણી કાઢીને તેને યોગ્ય જવાબ આપી દીધો છે.

            સિરિયામાં તુર્કીના હવાઈ હુમલાને લઇને અમેરિકાએ પણ ચિંતા વ્યક્ત કરી છે. વિદેશ મંત્રાલય દ્વારા નિવેદન જારી કરીને કહેવામાં આવ્યું છે કે, અમે પૂર્વોત્તર સિરિયામાં તુર્કીના એકતરફી હવાઈ હુમલાની નિંદા કરીએ છીએ. તુર્કીના આ પગલાથી સ્થિરતા અને આતંકવાદની સામે લડાઈ નબળી પડશે. આ પગલાથી માનવીય સંકટ પણ સર્જાવવાના સંકટ દેખાઈ રહ્યા છે. સિરિયાની ક્ષેત્રિય અખંડતાને જાળવી રાખવામાં આવે તે જરૂરી છે. વાતચીત અને ચર્ચાના માધ્યમથી મુદ્દાને શાંતિપૂર્ણરીતે ઉકેલવાની જરૂર દેખાઈ રહી છે. ભારતે તુર્કીના આ પગલા પર નારાજગી વ્યક્ત કરીને કહ્યું છે કે, જ્યારે હાલમાં તુર્કીના પ્રમુખે સંયુક્ત રાષ્ટ્રમાં કાશ્મીરનો ઉલ્લેખ કરીને પાકિસ્તાનનું સમર્થન કર્યું હતું. તુર્કીએ અનેક વખત કાશ્મીરમાં કથિતરીતે માનવ અધિકારના ભંગની વાત કરી હતી. તુર્કીના પ્રમુખે કાશ્મીરની સરખામણી પેલેસ્ટાઈન સાથે કરી હતી. એટલું જ નહીં તુર્કી પાકિસ્તાન માટે યુદ્ધ જહાજ પણ બનાવી રહ્યું છે. આઈએસ અને કુર્દિશ પર હવાઈ હુમલાને લઇને દુનિયાના દેશોએ તુર્કીની ઝાટકણી કાઢી છે. અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પણ તુર્કીની નિંદા કરી છે.

          થોડાક દિવસ પહેલા જ અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સિરિયા-તુર્કી સરહદ પર તૈનાત કરવામાં આવેલા પોતાના સૈનિકોને હટાવવાની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, તુર્કીને પોતાની સમસ્યાનો ઉકેલ પોતે કરવો પડશે. એ વખતે તુર્કીના પ્રમુખ રજબ તૈયબ અર્દોઆને સિરિયા પર હવાઈ હુમલાની જાહેરાત કરી ત્યારે અમેરિકાએ પણ આ પગલાને લઇને તુર્કીને ચેતવણી આપી હતી અને કહ્યું હતું કે, જો તે પોતાની હદને પાર કરશે તો અમેરિકા તેની અર્થવ્યવસ્થાને ખતમ કરી નાંખશે. બીજી બાજુ તુર્કી ઉપર આની અસર દેખાઈ રહી નથી.

અર્દોઆને બુધવારના દિવસે જાહેરાત કરી હતી કે, અમે સિરિયામાં એરસ્ટ્રાઇક શરૂ કરી ચુક્યા છે. આ હુમલા આઈએસ ઉપર કરવામાં આવી રહ્યા છે. સિરિયાની અખંડતાનું સન્માન થશે. જો કે, સામાન્ય લોકોએ હુમલાને લઇને ચિંતા વ્યક્ત કરી છે. તુર્કી સંયમ જાળવી રાખે તે જરૂરી છે. તુર્કીએ છેલ્લા ઘણા સમયથી પાકિસ્તાનને સાથ આપીને વિશ્વના દેશોની નારાજગી વ્હોરી લીધી છે. તુર્કીના આ અભિયાન સિરિયાના આઠ વર્ષ જુના યુદ્ધને નવેસરથી ભડકાવી શકે છે જેના લીધે હજારો લોકો વિસ્થાપિત થવાની શંકા છે. કુર્દિશ નેતા નવાફ ખરીદે કહ્યું છે કે, કેટલાક લોકો દેશના અન્ય વિસ્તારોમાં જતા રહ્યા છે. બીજી બાજુ  અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે, સિરિયાના કુર્દોએ આઈએસની સામે જંગમાં અમેરિકાની કોઇ મદદ કરી ન હતી. આ નિવેદન મારફતે તેઓએ અમેરિકી દળોને પરત બોલાવવાના નિર્ણયનો બચાવ કર્યો છે જેનાથી તુર્કીને પૂર્વોત્તર સિરિયા પર હવાઈ હુમલા કરવાની તક મળી ગઈ છે. સિરિયાઇ કુર્દો અંગે માનવામાં આવે છે કે તે ક્ષેત્રમાં અમેરિકાને સાથ આપે છે.

એરસ્ટ્રાઇકથી તંગદિલી

*   તુર્કીએ સિરિયા પર હવાઈ હુમલા શરૂ કર્યા બાદ ચિંતાનું મોજુ

*   કર્દિશ દળો અને આઈએસ સામે કાર્યવાહી કરાઈ રહી હોવાનો તુર્કીએ દાવો કર્યો

*   તુર્કીની એક તરફી કાર્યવાહીથી ભારતે ચિંતા વ્યક્ત કરી

*   સિરિયાની ક્ષેત્રિય અખંડતાનું સન્માન કરવા ભારતે તુર્કીને સાફ શબ્દોમાં કહ્યું

*   તુર્કીની કાર્યવાહીથી ક્ષેત્રમાં સ્થિરતા અને આતંકવાદની સામે લડાઈ નબળી બની શકે છે તેવી ભારતે પ્રતિક્રિયા આપી

*   કાશ્મીર પર પાકિસ્તાનની ભાષા બોલનાર તુર્કીને ભારતે તેની જ ભાષામાં જવાબ આપ્યો

*   અમેરિકા પણ તુર્કીની કાર્યવાહીથી ભારે નારાજ

*       અમેરિકા તુર્કીની કાર્યવાહીને લઇને જવાબ આપે તેવી શક્યતા

(8:56 pm IST)