Gujarati News

Gujarati News

News of Thursday, 10th October 2019

મોદીને પત્ર લખનાર ૪૯ મહાનુભાવોને રાહતઃ દેશદ્રોહનો કેસ ખોટો સાબિત થયો

તપાસમાં સમગ્ર કેસ તથ્યહીનઃ આધાર વગરનો પૂરવાર થયો, કેસ બંધ કરવાના આદેશ જારીઃ ફરિયાદકર્તા પર કાર્યવાહીના આદેશ

નવી દિલ્હી, તા.૧૦:  દેશમાં મોબ લિંચિંગના વધતા મામલાઓ પર વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીને પત્ર લખી વિરોધ વ્યકત કરનારા ૪૯ મહાનુભાવોને મોટી રાહતના સમાચાર છે. તાજેતરમાં તેમની સામે દેશદ્રોહનો કેસ થયો હોવાની ચર્ચાએ સમગ્ર દેશનું ધ્યાન ખેચ્યું હતું, જેને બંધ કરવાના આદેશ થયા છે. આ કેસનું સુપરવિઝન કરી રહેલા મુઝફફરપુરના એસએસપી મનોજ કુશવાહાએ કેસ બંધ કરવાના આદેશ કર્યા છે. તેમણે તપાસ દરમિયાન સમગ્ર મામલાને તથ્યહીન, આધાર વગરનો તેમજ દુર્ભાવનાપૂર્ણ ગણાવ્યો હતો. આ સિવાય ફરિયાદ નોંધાવનાર સામે સુધીર ઓઝા પર યોગ્ય કાર્યવાહીના આદેશ પણ કરવામાં આવ્યા હતા. 

ઉલ્લેખનીય છે કે, પીએમ મોદીને પત્ર લખવાના મામલે તેમની વિરુદ્ઘ દેશદ્રોહનો કેસ નોંધાયા પછી કેન્દ્રમાં બીજેપી સરકારની ભારે ટીકા કરવામાં આવી રહી હતી.

જો કે આ મામલે સ્થાનિક પોલીસને આવતા મહિના સુધી તપાસ કરી રિપોર્ટ કોર્ટ સમક્ષ રજૂ કરવાના આદેશ પણ કરવામાં આવ્યા હતા.

બિહારના મુઝફફરપુરમાં ઇતિહાસકાર રામચંદ્ર ગુહા, ખ્યાતનામ ફિલ્મ અભિનેત્રી અપર્ણા સેન, ફિલ્મ નિર્માતા શ્યામ બેનેગલ અને મણિરત્નમ સહિત ૪૯ મહાનુભાવો પર દેશદ્રોહનો મામલો નોંધાવવામાં આવ્યો હતો. આ મહાનુભાવોએ દેશમાં વધી રહેલા મોબ લિંચિંગ મામલે ચિંતા વ્યકત કરતા વડાપ્રધાનને સંબોધતો પત્ર લખ્યો હતો.

જો કે કેટલાક દિવસ પહેલા કેન્દ્રમાં બીજેપી સરકાર દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી હતી કે પીએમ મોદીને નામે જૂલાઇમાં પત્ર લખનાર ૪૯ હસ્તીઓ વિરુદ્ઘ નોંધાયેલા દેશદ્રોહના કેસ સાથે સરકારનો કોઇ સંબંધ નથી.(૨૩.૨)

(10:05 am IST)