Gujarati News

Gujarati News

News of Thursday, 10th October 2019

૧૫૦ ટ્રેન અને ૫૦ સ્ટેશનો ખાનગી ઓપરેટરને સોંપાશે

બ્લુપ્રિન્ટ તૈયાર કરવા ટાસ્ક ફોર્સની રચના કરાશે : સમયસર ઓપરેશનને મહત્વ : વર્લ્ડ ક્લાસ સ્ટેશનોની દિશામાં આગળ વધવા રેલવે ૪૦૦ સ્ટેશનોને હાથ ધરશે

નવી દિલ્હી, તા. ૧૦ : મોદી સરકાર ટાઈમ આધારિત મામલામાં ઓપરેશન ચલાવવાના હેતુસર ખાનગી ઓપરેટરોને ૧૫૦ ટ્રેનો અને ૫૦ રેલવે સ્ટેશનોના ઓપરેશનને સોંપી દેવા માટે બ્લુપ્રિન્ટ તૈયાર કરવા ટાસ્ક ફોર્સની રચના કરવાની પ્રક્રિયામાં છે. નીતિ આયોગના સીઈઓ અમિતાભ કાંત તરફથી મળેલા પત્રના સંદર્ભમાં ચેરમેન રેલવે બોર્ડ વીકે યાદવે માહિતી આપી છે. યાદવનું કહેવું છે કે, એમ્પાવર્ડ ગ્રુપ આ પ્રક્રિયાને હાથ ધરવા માટે રચવામાં આવનાર છે. યાદવ અને કાંત ઉપરાંત આમા આર્થિક બાબતોના સેક્રેટરી, હાઉસિંગ અને શહેરી બાબતોના મંત્રાલયના સેક્રેટરી પણ ભાગ લેશે. કાંતે કહ્યું છે કે, રેલવેને વર્લ્ડક્લાસ સ્ટેશનમાં વિકસિત કરવા માટે ૪૦૦ રેલવે સ્ટેશનની કામગીરી હાથ ધરવામાં આવશે.

               થોડાક રેલવે સ્ટેશનો પહેલાથી જ અપગ્રેડ કરવામાં આવી ચુક્યા છે. મોદી સરકાર રેલવેને નવા રંગરુપમાં રજૂ કરવા માટે તૈયાર છે. રેલવેમંત્રી સાથે આ સંદર્ભમાં વિસ્તારપૂર્વક વાતચીત થઇ ચુકી છે. ઓછામાં ઓછા ૫૦ સ્ટેશનો માટે પ્રાથમિકતાના આધાર પર કામ ચાલી રહ્યું છે. આવી જ રીતે ટાઈમ આધારિત કામગીરીમાં આગળ વધવા સચિવોના એમ્પાવર્ડ ગ્રુપની રચના કરવા માટે આવી જ પ્રક્રિયા છ એરપોર્ટના ખાનગીકરણ માટે પણ ચાલી રહી છે. કાંતે કહ્યું છે કે, રેલવે મંત્રાલય દ્વારા પેસેન્જર ટ્રેનોના ઓપરેશન માટે ખાનગી ટ્રેન ઓપરેટરોને રોકવાની તૈયારી કરવામાં આવી છે. પ્રથમ તબક્કામાં ૧૫૦ ટ્રેનોમાં આ પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે. તેમણે કહ્યું હતું કે, એમ્પાવર્ડ ગ્રુપમાં એન્જિનિયરિંગ રેલવે બોર્ડના સભ્ય અને  ટ્રાફિક રેલવે બોર્ડને પણ સામેલ કરવાની જરૂરીયાત દેખાઈ રહી છે. ચોથી ઓક્ટોબરના દિવસે લખનૌ-દિલ્હી રુટ પર તેજસ એક્સપ્રેસ ટ્રેન શરૂ કરવામાં આવી હતી.

(7:43 pm IST)