Gujarati News

Gujarati News

News of Wednesday, 10th October 2018

રૂપિયાના અવમુલ્યનની વચ્ચે સોનાની આયાત ૧૪ ટકા ઘટી

આ વર્ષે રૂપિયામાં ૧૪ ટકાનો ઘટાડો નોંધાયો : ૨૦૧૮ના પ્રથમ ૯ માસના ગાળામાં ભારતીય સોનાની આયાત એક વર્ષ અગાઉની સરખામણીમાં ૧૫ ટકા ઘટી

મુંબઈ, તા. ૧૦ : ડોલર સામે રૂપિયાની ઉથલપાથલ વચ્ચે સપ્ટેમ્બર મહિનામાં ભારતમાં સોનાની આયાત ૧૪ ટકાથી વધુ ઘટી ગઈ છે. એક વર્ષ અગાઉની સરખામણીમાં ૧૪ ટકા સુધીનો ઘટાડો થઇ ચુક્યો છે. સપ્ટેમ્બર મહિનામાં નોંધપાત્ર ઘટાડો થયો છે. ડોલર સામે રૂપિયાની માંગ ઘટી જતાં અફડાતફડી જોવા મળી રહી છે. ભારતીય આયાતકારો તરફથી માંગમાં ઘટાડો થતાં વૈશ્વિક કિંમતોમાં ઉતારચઢાવની સ્થિતિ જોવા મળી હતી. કિંમતમાં આ વર્ષે હજુ સુધી વૈશ્વિક સ્તરે ૮.૮ ટકાનો ઘટાડો થયો છે. જો કે, ઓછી આયાતના પરિણામ સ્વરુપે ભારતને તેની ટ્રેડ ડેફિસિટને ઘટાડવા અને રૂપિયાને ટેકો આપવામાં મદદ મળશે. ઉંચી કિંમતોના પરિણામ સ્વરુપે સોનાની આયાત સપ્ટેમ્બર મહિનામાં ઘટી છે. જો કે, ઓગસ્ટ મહિનામાં માંગ ખુબ સારી રહી હતી. ૨૦૧૮માં ડોલર સામે રૂપિયામાં ૧૪ ટકાનો ઘટાડો થઇ ચુક્યો છે. આ સપ્તાહની શરૂઆતમાં પ્રતિ ૧૦ ગ્રામ સોનાની કિંમત ૩૧૫૩૧ની સપાટીએ રહ્યો હતો જે છેલ્લા પાંચ મહિનાના ગાળામાં સૌથી ઉંચી સપાટી હતી. ઓગસ્ટ મહિનામાં ભારતમાં સોનાની આયાત એક વર્ષ અગાઉની સરખામણીમાં બે ગણી રહી હતી. ઓક્ટોબર મહિનામાં આયાત ફરી એકવાર વધવાના સંકેત દેખાઈ રહ્યા છે. સોનાની માંગ મુખ્યરીતે પરંપરાગત લગ્નની સિઝન અને મોટા તહેવાર વેળા વધી જાય છે. કારણ કે આ ગાળા દરમિયાન સોનાની ખરીદી વધે છે. દિવાળી-દશેરા સહિતના તહેવાર પર સોનાની માંગ વધવાના સંકેત છે. કારણ કે, સોનાની ખરીદીને આ ગાળામાં શુભ ગણવામાં આવે છે.

(7:36 pm IST)