Gujarati News

Gujarati News

News of Wednesday, 10th October 2018

ભાજપમાં ઉંમરની મર્યાદા નહિઃ ૭પ વર્ષનાને પણ મળશે ટિકીટ

રાજકીય પરિસ્થિતિ બદલાતા પક્ષે ફોર્મ્યુલા બદલાવી

નવી દિલ્હી તા. ૧૦ :.. દેશના બદલાઇ રહેલા રાજકીય સમીકરણોમાં ભાજપા પોતાના એક નિયમમાં ઢીલ મુકી શકે છે. ખબરો અનુસાર ભાજપા લોકસભા ઉમેદવારોની પસંદગી કરતી વખતે ૭પ વર્ષ વાળા નિયમમાં છૂટછાટ આપવાનો વિચાર કરી રહી છે. જોકે હજી આ બાબતે કોઇ નિર્ણય નથી લેવાયો. ઉમેદવારોને કેવી રીતે છૂટછાટ આપવી અને કયાં સંજોગોમાં આપવી, તેનો નિર્ણય પસંદગી કરતી વખતે લેવાશે.

સુત્રો અનુસાર, પાર્ટીને એવું લાગી રહ્યું છે કે તેના કેટલાક દિગ્ગજ નેતાઓનો મતદારો પર જોરદાર, પ્રભાવ છે. તેમની અસર પોતાના વિસ્તાર ઉપરાંત આજુ બાજુના મત વિસ્તારોમાં પણ છે. ઉચ્ચતમ વય મર્યાદાની ફોર્મ્યુલામાં આવા કેટલાક મોટા નેતાઓ પણ આવી જાય છે. તેઓ ચૂંટણી ન લડે તો તેની અસર ચૂંટણીના પરીણામો પર પડી શકે છે. આમાંથી કેટલાક નેતાઓ ઉચ્ચ જાતિઓ સાથે સંકળાયેલા છે. કેટલાકનું પોતાની જાતિઓ પર વર્ચસ્વ છે. જયારે કેટલાક આખા રાજયમાં લોકપ્રિય છે.

પક્ષના એક નેતાએ જણાવ્યું કે મોદી સરકાર સત્તામાં આવ્યા પછી કેટલાક રાજયોમાં આ ફોર્મ્યુલા ઉપર અમલ કરીને કેટલાય મંત્રીઓને ૭પ વર્ષ પુરા થતા હોવાથી છૂટા કરી દેવાયા હતા. જો કે પક્ષમાં આવો કોઇ નિયમ નથી બનાવવામાં આવ્યો.

સુત્રો અનુસાર જો આ નિયમનો અમલ થાય તો, લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોષી, કલરાજ મિશ્ર, ભુવનચંદ્ર ખંડુરી, શાંતા કુમાર, હુકમ દેવયાદવ, યેદિયુરપ્પા અને સુમિત્રા મહાજન પણ ઝપટમાં આવી જાય. અડવાણી વિષે તો પહેલાથી એવું મનાય છે કે તે પોતે જ ચૂંટણી નહીં લડે. તેમના  કુટુંબમાંથી કોઇને ટીકીટ અપાશે. આ ઉપરાંત ભગતસિંહ કોશ્યારી પણ ચૂંટણી ન લડવાની ઇચ્છા પ્રગટ કરી ચૂકયા છે. (પ-૮)

(11:51 am IST)